કામરેજ : પાસોદરા ચાર રસ્તા પાસે ઇંડાની (Egg) લારીના નાણા (Money) બાબતે ભાગીદારો વચ્ચે ઝગડો થતા એક બીજા પર ઘાતક હથિયારો (Weapons) સાથે તૂટી પડ્યા હતાં. કામરેજ પોલીસે (Police) આ ઘટના બાદ બંને પક્ષ વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર નનસાડ ખાતે રહેતા બાબુભાઇ પટેલ અને નવાગામ ખાતે રહેતા રોહિત ઉર્ફે બલુન ભાલિયાએ બે મહિના પહેલા પાસોદરા ચાર રસ્તા પાસે ભાગીદારીમાં ઇંડાની લારી ચાલુ કરી હતી. જેમાં ખોલવડ ખાતે રહેતા 24 વર્ષીય નિલેશ રાજુભાઇ રાઠોડ રૂપિયા 50000 રોકીને ત્રીજા ભાગીદાર તરીકે જોડાયા હતા. દરમિયાન 20 દિવસ પહેલા તેમણે ઇંડાની લારી બંધ કરી દીધી હતી. જેથી નિલેશભાઇએ તેમણે રોકેલા રૂપિયા 50હજાર બાબુભાઇ પાસે માંગ્યા હતાં. તે સમયે બાબુભાઇએ તેને રોહિત ઉર્ફે બલુન પાસે 2.12 લાખ લઇ લેવા જણાવી દીધું હતું ને રોહિતને પણ નિલેશને 50 હજાર રૂપિયા આપી દેવા જાણ કરી દીધી હતી.
પાસોદરા ચાર રસ્તા પર ઈંડાની લારી માટે ભાગીદારી માટે રૂ.50000 આપ્યા બાદ લારી બંધ કરી દેતા ભાગીદારી માટે આપેલા રૂપીયા માંગણી કરતા બે દિવસ અગાઉ કામરેજ ચાર રસ્તા પાસે બે પક્ષો વચ્ચે લોહિયાળ માર મારી થતાં પોલીસ બન્ને પક્ષોની સામ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. તો બીજી તરફ રોહિત ઉર્ફે બલુન પાસે રૂપિયાની વ્યવસ્થા નહીં હોવાથી તેણે કામરેજના સત્યમનગર ખાતે રહેતા જયંતિ દિનેશ પ્રજાપતિનો હવાલો પાડ્યો હતો અને તેમની પાસે રૂપિયા લેવા જણાવ્યું હતું. ત્યારબાદ નિલેશે જયંતિ પ્રજાપતિ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરતાં તે વાયદા કરવા લાગ્યો હતો.
બે દિવસ પહેલા રાત્રે 8.00 વાગ્યે રોહિત ઉર્ફે બલુન અને નિલેશ બંને કામરેજ ચાર રસ્તા પાસે ઊભા હતાં ત્યારે રોહિત ઉપર જયંતિ પ્રજાપતિનો ફોન આવ્યો હતો અને ફોન પર નિલેશને જાતિ વિષયક ગાળો બોલી નિલેશ ક્યાં છે તેમ પૂછ્યું હતું. ત્યારે બંનેએ કામરેજ ચાર રસ્તા પાસે હોવાનું કહેતા જયંતિ ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં પણ રૂપિયાની બહુ હાઇ છે જોયા નથી તેમ કહી નિલેશને જાતિવિષયક ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા નિલેશ ઘરે ચાલ્યો ગયો હતો.
થોડીવાર પછી જયંતિએ નિલેશને ફોન કરી રૂપિયા લેવા કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા ગણેશ પાન હાઉસ ખાતે બોલાવ્યો હતો. ત્યારે રોહિત ઉર્ફે બલુન, જયંતિ અને અન્ય બે ઇસમો તેને માર મારવા લાગ્યા હતાં. જયંતિએ પણ તેમને કાનના ભાગે ચપ્પુ મારી દીધુ હતું અને રોહિત લોખંડનું હથિયાર માથાના પાછળના ભાગે મારી દીધું હતું તો બીજી તરફ નિલેશે પણ ગુપ્તી કાઢીને જયંતિના હાથ પર મારી હતી. જેથી બંને પક્ષે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી બંને પક્ષ સામે કાર્યવાહી શરૂ કરી છે.