Comments

પ્રવાસીઓને કામચલાઉ ધોરણે સુધારવાનો પ્રયાસ

સ્પેનના બાર્સેલોના શહેરના રહેવાસીઓએ પ્રવાસીઓ વિરુદ્ધ દેખાવો કર્યા તેમજ એ જ દેશના મયોકા ટાપુના રહેવાસીઓએ પણ પ્રવાસીઓનો વિરોધ કર્યો હોવાની વિગતે વાત આ કટારમાં ત્રણ-ચાર મહિના અગાઉ ઉલ્લેખાઈ હતી. હવામાન પરિવર્તન, પ્રદૂષણ સહિત અનેક પરિબળો પ્રવાસનસ્થળને નડતાં હોય છે. પ્રવાસીઓને નારાજ કરવા એટલે પોતાની આવકના સ્રોત પર પાટુ મારવું. આમ છતાં, એ જોખમ વહોરીને પણ સ્પેનના કેટલાક સ્થળના રહીશોએ પ્રવાસીઓ સામે વિરોધ નોંધાવ્યો. એ દર્શાવે છે કે પ્રવાસીઓના ધસારાને કારણે આ સ્થળની શી દુર્દશા થતી હશે!

ડેન્માર્કની રાજધાની કોપનહેગનના સત્તાવાળાઓએ એક નવિન નુસખો અમલમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે. તેણે ‘કોપન પે’નામના એક પાયલટ પ્રોજેક્ટનો અખતરો કરી જોયો. તેનો મૂળભૂત વિચાર ઘણો સારો છે. એ મુજબ અહીં આવતા પ્રવાસીઓ પર્યાવરણસુસંગત વર્તણૂંક કરે તો તેને વળતર થકી બિરદાવવી. છએક લાખની વસતિ ધરાવતું આ શહેર વિશ્વનું સૌ પ્રથમ કાર્બનતટસ્થ પાટનગર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. ‘કાર્બન તટસ્થ’એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. 2023માં કેન્‍તાર માર્કેટ રિસર્ચ ગૃપના ‘સસ્ટેનેબિલિટી અહેવાલ’માં જોવા મળેલાં તારણના આધારે ‘કોપન પે’ની યોજના વિકસાવવામાં આવી. શા હતાં એ તારણ?

ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા અને એ માટે જરૂરી આદતોમાં પરિવર્તન વચ્ચે ઘણો મોટો ફરક જોવા મળ્યો. 82 ટકા નાગરિકોએ વધુ ને વધુ ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા દર્શાવી, પણ કેવળ 22 ટકા લોકોએ જ સ્વીકાર્યું કે પોતાની આદતોમાં તેમણે ધરમૂળથી ફેરફાર કર્યો છે. સ્થાનિકો આમ કરે, તો પ્રવાસીઓ પાસેથી શી અપેક્ષા રખાય? બસ, આ વિચારે ‘કોપન પે’યોજના પર કામ શરૂ થયું. તેમાં કંઈક આવી વાત છે.

પ્રવાસ દરમિયાન આ શહેરમાં વસવાટ કરનાર પ્રવાસી પર્યાવરણને સુસંગત સુવિધાઓની પસંદગી કરે તો તેની કદર કરવી. સાયકલિંગ, જાહેર પરિવહન સુવિધાઓનો ઊપયોગ, શહેરી ખેતરો, નહેરો કે બગીચાઓના સફાઈકામમાં સ્વયંસેવક તરીકે સંકળાવું વગેરે જેવી બાબતોનો આમાં સમાવેશ થાય છે. બદલામાં તેની કદરરૂપે નિ:શુલ્ક ભોજનથી લઈને મ્યુઝીઅમનો પ્રવાસ, વાઈન ટેસ્ટિંગ જેવી વિવિધ બાબતોમાંથી કંઈ પણ હોઈ શકે. વીસેક વિકલ્પો શરૂઆતમાં
રખાયા છે.

આ યોજનાનું સૌથી આકર્ષક પાસું છે તેની સરળતા. પ્રવાસીએ કેવળ પોતે એવી કોઈ પ્રવૃત્તિ કર્યાનો પુરાવો જ રજૂ કરવાનો. જેમ કે, સાયકલભાડાની રસીદ, જાહેર પરિવહન સુવિધાની ટિકિટ, અથવા સ્વયંસેવક તરીકે સફાઈકામમાં જોડાયા હોય તો એની તસવીર પૂરતી થઈ રહે. આમ, આ આખી યોજનાનો મુખ્ય આધાર પરસ્પર વિશ્વાસ છે. લોકો તેનો હેતુ સમજે અને પોતાની પસંદગી એ અનુસાર કરે એ મુખ્ય ધ્યેય છે. આ પ્રકારની યોજના વિચારાય, અમલી બને અને સુચારુ ઢબે ચાલે તો લાંબે ગાળે અહીં આવતા પ્રવાસીઓ પણ એ રીતે ટેવાતા જાય. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ જાય તો કશું કર્યા વિના ટિકિટોનો જુગાડ કરવાનો વ્યવસાય પણ શરૂ થઈ જાય તો નવાઈ નહીં!

આ પ્રકારની નીતિ પ્રાયોગિક ધોરણે પણ વિચારવી એ લોકોમાં અળખામણા થવા જેવું છે. લોકોની વિચારણા પુખ્ત હોય તો જ એ થઈ શકે. વિકસીત દેશોમાં આવી પહેલ થાય એ આનંદની વાત છે, કેમ કે, ત્યાં કોઈ મોડેલ સફળ થાય તો એની નકલ ઘણા વિકાસશીલ દેશો કરતા થઈ જાય છે. જો કે, હેતુ શુદ્ધ ન હોય તો ગમે એવી પહેલ માત્ર કાગળ પર જ રહી જાય છે. આનું સચોટ ઉદાહરણ આપણા રાજ્યમાં અમલી ‘પોલ્યુશન અન્ડર કન્‍ટ્રોલ’(પી.યુ.સી.) પ્રથા છે. વાહનનું ઉત્સર્જન નિયંત્રણમાં હોવું માત્ર કાગળ પર રહી ગયું છે એ સૌ કોઈ જાણે છે. વાહન નજર સામે ભલે ને ગમે એવા ધુમાડા કાઢતું હોય, ‘પી.યુ.સી.’હોય એટલે પત્યું. બીજી કશી પડપૂછ નહીં. પર્યાવરણને કશો ફરક પડે કે ન પડે, ભ્રષ્ટાચાર માટેની એક બારી આ પ્રથાએ ખોલી આપી.

આપણા દેશનાં અનેક સ્થળોએ પ્રવાસીઓનો જબ્બર ધસારો જોવા મળે છે, પણ તેને નિયંત્રણમાં રાખવાની કોઈ વાત છે નહીં. પાવાગઢ જેવા સ્થળે એક જ દિવસમાં બે-અઢી લાખ લોકો ઉમટી પડે તો એ સ્થળની શી વલે થાય! લદાખ જેવા અતિ નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં અઢળક પ્રવાસીઓ ઠલવાય ત્યારે એ પ્રદેશની જૈવપ્રણાલિ પણ અમુક અંશે ખોરવાતી હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ ગમે ત્યાં જાય તો પોતે ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મળી રહે એ આશય ધરાવે છે. જે તે સ્થળની પરિસ્થિતિને સુસંગત થવાને બદલે તેઓ વધુ સુવિધાઓની અપેક્ષા રાખે છે.

આ વલણ લગભગ સાર્વત્રિક જોવા મળે છે. આથી પ્રવાસનસ્થળનું અર્થતંત્ર પણ ઊંચકાય છે. વધુ નાણાંની અપેક્ષાએ સ્થાનિકો પણ એ સુવિધાઓ પૂરી પાડવાની કોશિશ કરે છે. હજી તો પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી વિકાસયોજનાઓ વિચારાઈ રહી છે, અમલી બની રહી છે, અને અમુક તો અમલમાં પણ આવી ગઈ છે. તેનાં વિપરીત પરિણામ મળવા લાગ્યાં છે, પણ એમાંથી કશો બોધપાઠ લેવામાં આવતો નથી. આશા રાખીએ કે ‘કોપન પે’જેવો પ્રયોગ વિવિધ પ્રવાસનસ્થળો અલગ અલગ રીતે અપનાવે અને સાવ ખાડે ગયેલી પર્યાવરણની પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે. પ્રવાસીઓ પણ આ બાબતે વિચારતા થાય
એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top