પ્રદૂષણ એક સૌથી વધુ જટિલ અને ગંભીર સમસ્યા છે છતાં ભારત તેના માટે જરાયે ચિંતિત નથી. હાલમાં જ મળેલા શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્ય સભામાં સર, વંદે માતરમ સહિતના અનેક વિષયો પર કલાકો સુધી ચર્ચા કરવામાં આવી પરંતુ પ્રદૂષણ જે સૌથી જટિલ સમસ્યા છે તેના પર કોઇ જ ચર્ચા કરવામાં નહીં આવી. આપણો જ દેશ એવો છે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભા અને રાજ્યસભામાં ભવિષ્યની ચિંતાને બદલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પર ચર્ચા કરવામાં સમય પસાર કરી નાંખે છે. વર્ષ 2013માં ચીને પ્રદૂષણ કટોકટી જાહેર કર્યું હતું.
અને રાષ્ટ્રીય સ્વચ્છ હવા માટે કામગીરીની શરૂઆત કરી હતી. એર ક્વોલિટી ઈન્ડેક્સ મોનિટરિંગ (Air Quality Index Monitoring) ને મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી. કોલસા (Coal) નો ઉપયોગ સંપૂર્ણ ટાળવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જ્યાં ગેસ (Gas) નો અભાવ હતો. તેવા વિસ્તારોમાં કોલસા હટાવીને ગેસ અને ઈલેક્ટ્રિસ સગડી (Electric fireplace) નો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓ પર લક્ષ્યને પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને PM2.5 સ્તર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચીને વાહનોના ઉત્સર્જન પરના નિયંત્રણો કડક કર્યા છે.
નવા ઇંધણ અને વાહન ધોરણો લાગુ કરવામાં આવ્યા હતા. જાહેર પરિવહનમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. જેથી લોકો ખાનગી વાહનોને બદલે બસો અને મેટ્રોનો ઉપયોગ કરે. ખાનગી કારની સંખ્યા પણ નિયંત્રિત કરવામાં આવી હતી આ પ્રયત્નોથી પ્રદૂષણ પર કાબૂ મેળવી શકાયો હતો. જો કે, આપણા દેશમાં પ્રદૂષણ કાબૂમાં લેવા માટેના કોઇ જ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો સવારે 6 વાગ્યે, દિલ્હીના અનેક AQI મોનિટરિંગ સ્ટેશનોમાં AQI 400 થી ઉપર નોંધાયો હતો.
તેમાં આનંદ વિહારનો AQI 442, કરણી સિંહનો 423, દ્વારકા સેક્ટર 8નો 429, ITOનો 409, જહાંગીરપુરીનો 401, મુંડકાનું 409, નેહરુ નગરનો 425, ઓખલા ફેઝ 2નું 422, પટપડગંજનો 415, પંજાબી બાગનો 418, આરકે પુરમનો 447, રોહિણીનો 401, વઝીરપુરનો 406, સિરીફોર્ટ અને વિવેક વિહારનો AQI 442 નોંધાયો હતો. આ હવા શ્વાસ લેવા માટે યોગ્ય નથી. આવી પ્રદૂષિત હવાના કારણે દિલ્હી છોડીને અનેક વિદેશીઓ તેમનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરી ગયા હતાં.
આ પ્રદૂષણ અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સિવાય, દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારી આદેશ અનુસાર, બધા વહીવટી સચિવો અને વિભાગના વડાઓ નિયમિતપણે ઓફિસમાં હાજર રહેવાનું પરંતુ સ્ટાફની હાજરી 50% થી વધુ નહીં હોય તેમ કહી દેવામાં આવ્યું હતું. શિક્ષણ નિયામકમંડળે નિર્દેશ આપ્યો છે કે, ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં વર્ગો ચલાવવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી હતી.
તેનો સીધો અર્થ એ હતો કે સરકારી કચેરીઓમાં 50 ટકા વર્કફ્રોમ હોમ જાહેર કરી દેવાયું હતું અને શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરાવી દેવાયું હતું. આ એવા ઉપાયો છે જે હાથવગા છે અને ત્યાંની સરકાર પ્રદૂષણ ડામવા માટે નહીં પરંતુ દેખાડો કરવા માટે આ કામગીરી કરી રહી હતી. દર વર્ષે દિલ્હીમાં આ સ્થિતિનું નિર્માણ થાય છે અને દર વર્ષે પંજાબના ખેડૂતોને તેના માટે જવાબદાર ગણીને જેલમાં પૂરી દેવામાં આવે છે.
પંજાબના ખેડૂતો પરાળી આજકાલની નહીં રાજા રજવાડાના સમયથી સળગાવે છે પરંતુ ક્યારેય દિલ્હીમાં આટલું પ્રદૂષણ જોવા નથી મળ્યું. ખરેખર તો સરકારે પ્રદૂષણ થવાના કારણો શોધવા માટે લાંબાગાળાની કવાયત શરુ કરી દેવી જોઇઅએ પરંતુ તે ક્યારેય કરવામાં આવતું નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણે ત્રણ પક્ષની સરકાર રહી ચૂકી છે પરંતુ પ્રદૂષણ અટકાવવામાં એક પણ સરકાર સફળ થઇ નથી. ગત વર્ષે, સ્વિત્ઝર્લૅન્ડસ્થિત ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ મૉનિટરિંગ ગ્રૂપ, IQAir દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર ગણાવ્યું હતું.
દિલ્હી શહેરનું વાર્ષિક સરેરાશ પાર્ટિક્યુલેટ મૅટર (PM2.5)નું કૉન્સર્નટ્રેશન 108.3 µg/m³ હતું. આ પ્રમાણ વર્લ્ડ આરોગ્ય સંગઠન (WHO)ની માર્ગદર્શિકા 5 µg/m³ કરતાં 21 ગણું હતું. AQI આસપાસની હવામાં રહેલા પ્રદૂષકોનું માપ કાઢે છે. આ ઇન્ડેક્સ 0થી 500ની રેન્જમાં હોય છે. તેમજ જો પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જાય તો આ રેન્જ 500 કરતાં વધુ પહોંચી જાય છે. યુનિવર્સિટી ઑફ શિકાગો ખાતે ઍનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના (EPIC) ઑગસ્ટ, 2025ના રિપોર્ટ અનુસાર, પાર્ટિક્યુલેટ પ્રદૂષણનો વધુ સ્તર દિલ્હીના રહેવાસીઓનું અપેક્ષિત આયુષ્ય 8.2 વર્ષ સુધી ઘટાડતો હોવાનો અંદાજ છે.
પ્રદૂષણની સમસ્યા એ માત્ર દિલ્હી માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાનાં અન્ય સ્થળો માટે પણ ચિંતાજનક છે. EPIC અનુસાર એ સ્થળો વિશ્વમાં સૌથી પ્રદૂષિત ક્ષેત્રોમાં સામેલ છે. બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે. ઢાકામાં WHOની મર્યાદા કરતાં PM2.5નું સ્તર 15 ગણું વધુ નોંધાયું છે. IQAirના ડેટા પ્રમાણે, પાકિસ્તાનના લાહોરમાં આ લેવલ 20 ગણું નોંધાયું છે.