SURAT

સુરત રેલવે સ્ટેશન પાસેના સિટી બસ સ્ટેન્ડને ખસેડવા લેવાયો નિર્ણય, જગ્યા પસંદ કરી લેવાઈ

સુરત : શહેરમાં ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લઈ રહી છે. ખાસ કરીને ગીચ વિસ્તારોમાં ટ્રાફિકથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન પર થતા ટ્રાફિકથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

રેલ્વે સ્ટેશનની પાસે આવેલા મનપાના બસ સ્ટેન્ડને કારણે બસોની અવરજવર વધુ હોવા સાથે રેલ્વે સ્ટેશન સામે બસો ઉભી રાખવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાતી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આ બસ સ્ટેન્ડને હવે ઉનાપાણી રોડ પર આવેલી સુરત જિલ્લા પંચાયતની જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.

  • રેલવે સ્ટેશન પાસેના મનપાના સીટી બસ સ્ટેન્ડને ઉના પાણી ખાતે શિફ્ટ કરવા કવાયત
  • જિલ્લા પંચાયત દ્વારા ફાળવાયેલા 4 હજાર વારના પ્લોટમાં બસ સ્ટેશન શિફ્ટ થતા ટ્રાફિક ભારણ ઘટશે

રેલ્વે સ્ટેશન સામે બસો ઉભી રાખવામાં આવતી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉનાપાણી રોડ પર આવેલી સુરત જિલ્લા પંચાયતની અંદાજે ચાર હજાર ચોરસ મીટર જગ્યા પર બસ સ્ટેન્ડ શિફ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવુ બસ સ્ટેશન કાર્યરત થઇ ગયા બસો ત્યા પાર્ક કરવામાં આવશે. હાલ ખુલ્લા પ્લોટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે ટ્રાફિકના ભારણમાં મહ્દઅંશે ઘટાડો થશે.

સચિનમાં મનપાની બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
સુરત: સુરત મનપા દ્વારા શહેરની ટ્રાફિકની સમસ્યા નાથવા માટે માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર તમામ બસોને ઈલેક્ટ્રિક બસમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. જો કે, તમામ બસોને જે-તે વિસ્તારમાં બનાવાયેલા ડેપો સ્થિત ચાર્જિંગ સ્ટેશનમાં ચાર્જિંગ માટે જવું પડંતુ હોય ત્યાં સુધી જવા-આવવામાં જેટલા કિલોમીટર બસ ચાલે તેનો ચાર્જ ઇજારદાર એજન્સીને ચૂકવવો પડે છે.

ખાસ કરીને કામરેજથી સચિન સુધીના રૂટનું અંતર 32 કિલોમીટરથી વધુ છે. આ રૂટ પર દોડતી બસોને છેક અલથાણ ડેપો સુધી ચાર્જિંગ માટે જવું પડે છે. આથી મનપા દ્વારા હવે સચિનમાં રેલવે ફ્લાય ઓવરબ્રિજની નીચે તલંગપુર તરફે ઇન્ટર મીડિયમ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવા તૈયારી કરાઇ છે.

બીઆરટીએસ વિભાગના વડા એડિશનલ સિટી ઇજનેર ભગવાકરે જણાવ્યું હતું કે, કામરેજથી સચિન રૂટ પર હાલ 48 ઈલેક્ટ્રિક બસો દોડે છે. જેના કુલ ફેરા રોજના 396 જેટલા થાય છે. આ રૂટની બસોને ચાર્જિંગ માટે અલથાણ ડેપો સુધી જવું પડે છે. આથી રોજના 300 કિમીથી વધુનો ચાર્જ એજન્સીને ચૂકવવાનો થાય છે. જેના રોજના 16,500 રૂપિયા ચૂકવવાના થતા હતા. એટલે કે, મહિને પાંચ લાખ અને વરસે 60 લાખ જેટલી રકમ થાય છે.

જો કે, હવે સચિન બ્રિજ નીચે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે, જેમાં એકસાથે બે બસ ચાર્જ થઇ શકશે અને 24 કલાકમાં 30 બસ ચાર્જ થઇ શકશે. જેથી આ રૂટ પરની 48 જેટલી ઇલેક્ટ્રિક બસોને અલથાણ સુધી નહીં જવું પડે અને વાર્ષિક 60 લાખથી વધુની બચત થશે. આ પાયલટ પ્રોજેક્ટ છે. હવે પછી અન્ય રૂટ પર આ સુવિધા ઊભી કરાશે.

Most Popular

To Top