ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI) એ શુક્રવારે સવારે 10 કલાકે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહ ( AMIT SHAH) પણ જોડાયા હતા. પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ( VIJAY RUPANI) જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની ( OXYGEN) માંગ વધી છે તેને પહોંચી વળવાના પ્રયત્નો થઈ રહ્યા છે.તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના ( CORONA) દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે એ માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલોમાં ઓક્સિજનની માગ પણ ખૂબ વધી છે, એને પહોંચી વળવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. રાજ્યમાં પૂરતા વેક્સિનેશન ( VACCINATION) અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના ચુસ્ત પાલન થકી આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભેથી ખભો મિલાવીને આગળ આવી રહ્યાં છે. કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીની ક્ષમતાવાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 15મી માર્ચે રાજ્યમાં 42 હજાર બેડ હતાં, તેની સામે હાલ રાજ્યમાં 90 હજાર બેડ ઉપલબ્ધ છે. 1800થી વધુ કોવિડ હોસ્પિટલોમાં 11500 આઇ.સી.યુ. બેડ અને 51 હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.
આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને 50 હજારની સામે 1.75 લાખ કરવામાં આવ્યા છે, જેમાં 70 હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ કહ્યું હતું કે, રાજ્યમાં નિષ્ણાત તબીબોની એક ટાસ્કફોર્સ બનાવાઇ છે, જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સૂચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્કફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવિપેરાવિર અને આઇવરમેક્ટિન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાઇરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ ગુજરાતનાં શહેરોમાં કુલ 30,000 જેટલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે, જેમાં 20 હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે, હાલ રાજ્યમાં મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત છે, જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ તથા ટેલિમેડિસિનના માધ્યમથી આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.