પરિશ્રમ મતલબ શારીરિક શ્રમ જ નહીં પણ માનસિક દ્રઢ્તા અને સતત મહેનત. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચનું પરિણામ સાબિત કરે છે કે જીત એને જ મળે છે જેની પાસે ધીરજ, મક્કમ મનોબળ, ધગધગતી ઈચ્છાશકિત, હકારાત્મક દૃષ્ટિકોણ અને છોડી ન દેવાનો સંકલ્પ હોય. આ ટેસ્ટ એક તબક્કે ઈંગ્લેન્ડ સરળતાથી જીતી શકે તેમ હતુ પણ હેરી બ્રુકની ઉતાવળ, ઉત્સાહ અને અતિશય આત્મવિશ્વાસે પરિણામ પલટાવી દીધું. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. ક્યારેક વ્યકિત ઉત્સાહમાં હરિફને નબળા સમજી હાવી થવા પ્રયાસ કરે છે ત્યારે અકલ્પનીય પરિણામ ભોગવવું પડે છે.
જે હેરી બ્રુકે વેડફેલી વિકેટથી સાબિત થયું. સામે પક્ષે ભારતની ટીમે ધૈર્ય જાળવી રાખી ધીરે ધીરે પણ મક્કમતા પૂર્વક જીત તરફ ડગ માંડવાનુ ચાલુ રાખ્યું. સિરાજે માત્ર જીતનો વિચાર જ નહીં પણ તે માટેની સ્ટ્રેટજી પણ અમલમાં મૂકી. હારનાં ડરને હરાવી સામનો કર્યો.પરિણામ વિશ્વ સમક્ષ છે.ટીમવર્કની જીત સાથોસાથ અંતિમ ટેસ્ટ મેચ પણ નબળા હૃદય વાળા ન જોઈ શકે એટલી રસપ્રદ બની રહી. એક એવી લડાઈ જ્યાં બે દિગ્ગજ ટીમનાં ખેલાડીઓ એકબીજા સામે લડ્યા અને ક્રિકેટ પ્રેમીઓની ધડકન વધારી અને ઉત્સાહથી ગડગડાટ કરવા મજબૂર પણ કર્યા.
સુરત – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.