Columns

જીવનમાં ગ્રહોના નંગોની અસરો અને ઉપયોગ

આજના પ્રગતિશીલ યુગમાં ગ્રહોના રિયલ નંગો ધારણ કરવાની પદ્ધતિ જ સરળ છે? શોર્ટ-કટ છે!! જન્મકુંડળી આપણા જીવનનો અરીસો છે! એ મુજબ જોતાં જરૂરી તેમ જ જીવનને ઉપર ઊઠવા માટે ધક્કો મારતાં રત્નો ધારણ કરો; તો ફાયદો જ થાય. પરંતુ આજકાલ જયોતિષીઓ, રત્નોના વેપારીઓ રત્નોનો આડેધડ ઉપયોગ કરતાં હોય એવું જોવા મળે છે! કુંડળીમાં ગમે તે ગ્રહ છઠ્ઠે, આઠમે કે બારમે હોય- તો તેનું નડતર દૂર કરવા તે ગ્રહનું રત્ન ધારણ કરવાની સલાહ કેટલાક જયોતિષી મિત્રો આપતા હોય છે. રત્નોનો આડેધડ ઉપયોગ થતો હોય, એમ અનુભવે જણાય છે. આ બાબત ગંભીરતાથી વિચારવા જેવી છે.

કોઇ પણ ગ્રહનું રત્ન કે નંગ ધારણ કરતાં પહેલાં તે ગ્રહની સ્થિતિ, સ્થાન, આધિપત્ય વગેરેનો પૂરો વિચાર કરવો પડે છે. જો ગ્રહ નૈસર્ગિક શુભ હોય અને 6, 8 કે 12 મે બેઠો હોય… પાપ ગ્રહોથી પીડિત હોય, તો તેના ગ્રહનું રત્ન લાભને બદલે નુકસાન જ કરે છે. કોઇ પણ સંજોગોમાં આવા ગ્રહનું રત્ન ધારણ કરી શકાય નહીં. ગ્રહોનું બળ વધારવા રત્ન ધારણ થઇ શકે, પરંતુ અશુભ સ્થાનાધિપતિનું નંગ ધારણ કરવું હિતાવહ ન ગણાય. અશુભ રત્નનો અધિપતિ બળવાન બનાવવો જરૂરી નથી. દા.ત. મકર લગ્ન માટે 12મે ‘ગુરુ’- ત્રીજા-બારમાનો સ્વામી છે તેથી નૈસર્ગિક શુભ હોવા છતાં અશુભ છે. તે નીચ હોય, કે 6, 8, 12મા સ્થાનમાં હોય- તેનું રત્ન ધારણ કરવું જોઇએ નહીં.

દરેક જન્મ લગ્નમાં સ્થાન આધિપત્યથી શુભ યોગકારક ગ્રહો… ભાગ્યેશ, ત્રિકોણેશ, લગ્નેશ, કર્મેશ વગેરેનાં રત્નો ધારણ કરી શકાય. આવા શુભ ગ્રહો કુંડળીમાં પાપ ગ્રહોથી પીડિત હોય… 6, 8 અને 12મા સ્થાનમાં હોય. નીચ નિર્બળ હોય કે નવમાંશમાં નીચ આવા ગ્રહો બળવાન હોય તો પણ તેનાં રત્ન નિર્ભયપણે ધારણ કરી શકાય… માટે સ્થાન આધિપત્યથી અશુભ થયેલા ગ્રહોનાં રત્નોનો ઉપયોગ કરતાં પહેલાં 7 વાર વિચાર કરવો. અશુભ ગ્રહોનાં રત્નનો આડેધડ ઉપયોગ પણ લાભને બદલે હાનિ કરે છે?

જયારે પાપ ગ્રહોનું નડતર દૂર કરવા માટે તેના મંત્ર જાપ-પૂજા વગેરે કરવા જોઇએ. રત્ન ધારણ કરતાં પહેલાં તે શુદ્ધ અને ખાતરીદાયક છે કે નહીં-એ જોવું અગત્યનું છે. સાચું નંગ પારખતાં આવડે કે પછી તે શુદ્ધ છે તે વિશ્વાસ હોય તો જ રત્ન ધારણ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. હજ્જારો રૂપિયા ખર્ચીને રંગીન પથ્થરનો ટુકડો વીંટીમાં ધારણ કરવાથી કંઇ લાભ નહીં થાય… પૈસા પાણીમાં જશે અને લાભ નહીં થતાં છેવટે શાસ્ત્ર વગોવાશે. માટે ખાતરીવાળું રિયલ નંગ મળે તો જ ધારણ કરવું. અન્યથા નંગની અવેજીમાં તે ગ્રહના મંત્રજાપ-પૂજા કરવી શ્રેયસ્કર રહેશે. રત્ન ખાતરીવાળું હોય તો તેની પૂજાવિધિ, મંત્ર જાપ, પ્રાણ પ્રતિષ્ઠા વગેરે અવશ્ય કરવું પડે.

અભિમંત્રિત કર્યા સિવાયનું રત્ન લાભ નહીં આપે. પથ્થરમાં પ્રાણ પૂરવા પડે. વિધિસર રત્ન ધારણ કર્યા પછી પણ દરરોજ તે ગ્રહના યથાશકિત મંત્રજાપ કરવાથી વધુ શુભ ફળદાયી જણાશે. કુંડળીનું જન્મ લગ્ન અને લગ્નેશ બળવાન હોય, તો ‘કુંડળીનો પાયો મજબૂત બને છે.’ અને કુંડળી 50 ટકા બળવાન બની જાય છે. કુંડળીમાં ગમે તેવા બળવાન રાજયોગો-ધનયોગો થયા હોય… પણ જો લગ્ન કે લગ્નેશ નિર્બળ હશે તો તે જાતકના બળવાન યોગો પણ બહુ પ્રભાવ દેખાડી નહીં શકે… માટે લગ્નેશનું બળ વધારવાના ઉપાયો અચૂક કરવા જોઇએ. લગ્નેશ બળવાન હોય, તો કોઇ તકલીફ નથી હોતી- સારું ગણાય.

પણ જો તે કોઇ પણ રીતે નિર્બળ કે પાપપીડિત હોય, તો તેનું બળ વધારવાના ઉપાયો અવશ્ય કરવા જોઇએ. લગ્નેશ નૈસર્ગિક-શુભ ગ્રહ હોય કે નૈસર્ગિક પાપ ગ્રહ હોય- તેને હંમેશા શુભ જ ગણવો… અને તેનું બળ વધારવું. લગ્નેશનું રત્ન બેધડક ધારણ કરી શકાય. લગ્નેશ નિર્બળ હોય કે બલિષ્ઠ હોય, તેનું રત્ન હંમેશાં નિર્ભયપણે ધારણ થઇ શકે. દરેકના જીવનમાં સુખ અને દુ:ખ તાણાવાણાની જેમ વણાયેલાં હોય છે. જીવનમાં સુખ અને દુ:ખના અનુભવો કયારે અને કેવા થશે- તેનો સ્પષ્ટ ચિતાર આપણને જયોતિષશાસ્ત્ર દ્વારા મળે છે.

જન્મકુંડળી આપણા જીવનનો અરીસો છે. ગોચર ગ્રહોના શુભાશુભ સ્થાન પરત્વે ભ્રમણ આપણને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાવીને મૂકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાહત મેળવવા માટે શાસ્ત્રકારોએ તેના ઉપાય સૂચવેલ છે. આજના પ્રગતિશીલ યુગમાં ગ્રહોના રિયલ નંગો ધારણ કરવાની પદ્ધતિ સરળ છે. ગ્રહોના નંગ ધારણ કરતી વખતે તે ગ્રહનો નંગ રિયલ હશે તો જ તેનું પરિણામ મળશે. આજકાલ ઘણાં લોકો સસ્તું નંગ ખરીદવાના લોભમાં પૈસા ખર્ચીને નકલી નંગ ખરીદીને છેતરાય છે. જયાં અસલ નંગોની સાથે નકલી નંગો વેચાતા હોય, ત્યાં છેતરાવાની સંભાવના વધુ રહે છે તેમજ આજકાલ અમુક જગ્યાએ જૂના નંગો લઇ વેચવાનો ધંધો ચાલી રહ્યો છે.

આવા નંગો પહેરવાથી ફાયદો થવાને બદલે નુકસાન પણ થાય છે. અગાઉ વપરાયેલ નંગમાં તિરાડ પડી ગઇ હોય અથવા ખંડિત થયું હોય- તો કયારેક તેને આપણે નરી આંખે જોઇ શકતા નથી… તેથી જો આવા ખંડિત થયેલા નંગ પહેરવામાં તો આપણો સમય અને પૈસાનો વ્યય કરીને નુકસાન નોંતરીએ છીએ… તેમજ નંગ ધારણ કરતી વખતે તેની શાસ્ત્રોકત વિધિ કરવાનો પણ આગ્રહ રાખવો જોઇએ… જયાં સુધી તેની પ્રાણપ્રતિષ્ઠા, જાપ થતા નથી ત્યાં સુધી તે નંગ ફળદાયી બનતું નથી. રત્નોના વેપારી પાસે બધા જ ગ્રહોના નંગો હોય છે. તેમને તે કોઇ પણ ગ્રહની સારી કે ખોટી અસર મળતી નથી, કારણ કે તે ગ્રહની પૂજાવિધિ થઇ નથી હોતી!

મૂર્તિ વેચનાર દુકાનદારને ત્યાં જઇ આપણે કોઇ પણ મૂર્તિને નમસ્કાર કરતા નથી, પરંતુ તે જ દુકાનમાંથી મૂર્તિ ખરીદીને મંદિરમાં લાવી શુભ નક્ષત્ર તથા દિન શુદ્ધિનો સંપૂર્ણ વિચાર કરીને તેની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી હજારો લોકો તે મૂર્તિનાં દર્શન કરવા જાય છે. જૂના નંગો ખરીદવા હોય તેવી જગ્યાએથી નંગો ખરીદવાને બદલે હંમેશા નવા નંગો ખરીદવાનો આગ્રહ રાખવો. મારા અનુભવમાં આજકાલ એમ પણ જાણવામાં આવ્યું છે કે અમુક જગ્યાએથી લોકો ઊંચી કિંમત આપીને નકલી નંગ ખરીદે છે. રિયલ નંગો વિશે સાચી સમજ અને માહિતી મળે તે હેતુસર અહીં જાણકારી આપી છે.

Most Popular

To Top