ગુજરાતમિત્રનાં ચર્ચાપત્ર વિભાગમાં ‘એજ્યુકેશન : સ્વનિર્ભર હાટડીઓથી પ્રાઈવેટ શોપિંગ મોલ સુધી’ રાધિકા ત્રિવેદીનું ચર્ચાપત્ર વાંચ્યુ. વેદના અને વ્યથા સાચી છે. સમગ્ર શિક્ષણ જગત માહિતગાર છે પણ સૌ મૌન છે! મારે શું? ભોગ બનેલાને ખબર છે કે આપણી પીપૂડી વાગવાની નથી. વગાડીશુ છતાં કંઈ ફેર પડવાનો નથી. નિરાશા વ્યાપી ગઈ છે. સૌને સહન કરવાની આદત પડી ગઈ છે. શિક્ષણ વેપલો બની ગયુ છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કોઈ નવી વાત નથી તેમ અત્યંત પવિત્ર ગણાતા શિક્ષણમાં આ બધુ ચાલે એનાથી વિસ્મય પામવા જેવું નથી! વાલીઓ ને જગાડવા પોકાર કરીએ છીએ પણ વાલીઓને નહીં, એમની માનસિકતાને જગાડવી જરૂરી છે.
શિક્ષણ કે ઉચ્ચશિક્ષણ શા માટે? એટલું તો સમજે! પણ,શિક્ષણ શા માટેની સંકલ્પના જ નથી સમજાતી. એ જાણીને આશ્ચર્ય કે આઘાત ન લાગશે કે વાલીઓ જ આવા અભૂતપૂર્વ શોપિંગ મોલના ઝળહળાટથી અંજાઈને (આ બૈલ મુજે માર) લૂંટાવા દોડે છે. સંતાનની ક્ષમતાને કોણ જૂએ છે? આ વાલીઓને તો એડમિશનમાં જ રસ છે.(અહમ ખાતર પણ) જાગો ગ્રાહક(વાલી) જાગોની પોકાર સાંભળનાર જ મતલબી બહેરા થઈ ગયા છે. સૌથી ખતરનાક બાબત તો એ છે કે આવા શોપિંગ મૉલ સૉરી કોલેજોમાંથી પસાર થનારની સંખ્યા બહુ મોટી છે, છતાં તંત્રને કે નસીબને દોષ દઈને બેસી પડે છે. ત્યારે કહેવાનું મન થાય કે ‘તમે હારી જાવ એની મને ચિંત્તા નથી પણ, હારીને બેસી જાવ એની મને ચિંત્તા છે.’
સુરત – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.