Gujarat

ધોરણ-10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ ધોરણ-11માં A,B અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે

ગાંધીનગર: રાજ્યમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થવું ફરજિયાત હતું. આ નિયમને શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરીને હવે ધોરણ-10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ધોરણ-11માં ગ્રુપ ‘એ’, ‘બી’ અથવા ‘એબી’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. આ નવા નિર્ણયનો અમલ ચાલુ શૈક્ષણિક સત્ર 2024-25થી અમલી ગણાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બહાર પડાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ધોરણ-10 બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’માં પ્રવેશ મેળવે તો તેઓની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરવાની રહેશે. જેમાં વિદ્યાર્થીએ ધોરણ-10માં બેઝિક ગણિતમાં કૃપા ગુણ સિવાય 33% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. શાળાએ ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની ક્ષમતા ચકાસવા માટે ધોરણ-10ના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપમાં સામેલ એકમોનો સમાવેશ કરી ઉમેદવારની 30 ગુણની કસોટી શાળા કક્ષાએ લેવાની રહેશે. જે કસોટીમાં 15 ગુણ બહુ વિકલ્પીય પ્રશ્નો અને 15 ગુણના વર્ણનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરી પ્રશ્નપત્ર શાળા કક્ષાએ તૈયાર કરવાનું રહેશે. આ ટેસ્ટમાં 33% ગુણ મેળવનાર વિદ્યાર્થી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’ માટે યોગ્ય ગણાશે.

ઉપરોક્ત વિદ્યાર્થીના ધોરણ-6 થી ધોરણ-10ના પરિણામના આધારે વિદ્યાર્થીની ગણિત વિષયની ક્ષમતાને જાણીને ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’ માટે વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત કરીને તેની ગણિત વિષયની રસ, રુચિ અને વલણની જાણકારી મેળવી તેઓની ક્ષમતા અને યોગ્યતા મુજબ પ્રવેશ આપવાનો રહેશે. આ ઉપરાંત શાળા કક્ષાએ ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ દરમિયાન ઉમેદવારનું ગણિત વિષય સંબંધિત મૂલ્યાંકન સમયાંતરે કરવાનું રહેશે. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’ માં પ્રવેશ માટેના નિયમો શાળાએ વિદ્યાર્થી અને તેના વાલીને જણાવવાના રહેશે અને તે નિયમો તેઓને બંધનકર્તા રહેશે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે માર્ચ 2024 પહેલાના વર્ષમાં લેવાયેલી ધોરણ-10 બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહના ધોરણ-11 અથવા ધોરણ-12માં ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’માં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કર્યો હોય, કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’ સાથે ઉત્તીર્ણ થયેલા હોય તેવા ઉમેદવારોને ધોરણ-10 સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા ઉત્તીર્ણ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

ધો.10 સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ ન કરી હોવાથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બેસવા નહીં દેવાયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે
માર્ચ 2024ની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ ‘એ’ અથવા ગ્રુપ ‘એબી’ સાથે શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો છે, પરંતુ જોગવાઈ મુજબ ધોરણ-10ની સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરેલી ન હતી. જેથી બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2024ની પરીક્ષામાં બેસવા દેવામાં આવેલા નથી. તેવા વિદ્યાર્થીઓ ઈચ્છે, તો જૂન-જુલાઈ 2024માં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની યોજાનાર પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આવા વિદ્યાર્થીઓએ 20મી જુન 2024 સુધીમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે વિજ્ઞાન પ્રવાહ ‘ક’ શાખાનો સંપર્ક કરી આવેદન નિયત દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.

Most Popular

To Top