ગુજરાતના શિક્ષણમંત્રીને અલગથી એક તપાસતંત્ર આપવું પડે એમ લાગે છે કારણકે કાંઇને કાંઇ કૌભાંડો બહાર પડયા જ કરે છે. હમણાં બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ પકડાયું છે. હકીકતે તેમાં મહિલા સશકતીકરણનો મુદ્દો પણ શામેલ છે. કારણ કે એક મહિલા આ કૌભાંડના કેન્દ્રમાં છે. કયારેક થાય કે ગુજરાતનું શિક્ષણતંત્ર બેજોડ છે. વિદ્યાર્થીએ કંઇ યુનિવર્સિટીમાં ભણવું એવું વિચારવું જરાય જરૂરી નથી. બસ, આવી મહિલાને શોધી લેવાની જે તમને દેશની ૩૫ યુનિવર્સિટીમાંથી કોઇપણ યુનિવર્સિટીની ડિગ્રી આપી શકે. યુનિવર્સિટીમાં ભણવાની બબાલ જ પુરી. સમયની પણ બચત. ગુજરાતનો શિક્ષણ વિભાગ કહી શકે કે અમે આખા દેશને રોલ મોડલ પુરું પાડી રહ્યાં છે. ડિગ્રી જોઇએ,માર્કશીટ જોઇએ તો બોલો. ગુજરાતમાં મળી જશે. આવા કૌભાંડોમાં શિક્ષણમંત્રી અને તેમના વિભાગને દોષી ઠેરવી શકાય ખરા? અરે ના ના. તેઓ તો નિર્દોષ છે. તેમને ખબર જ ન હોય તો દોષી કેવી રીતે ગણવા? ઉલ્ટા તેઓ જો ધારે તો દાવો કરી શકે કે આપણી શિક્ષણ વ્યવસ્થા એકદમ સમૃદ્ધ છે. ન ભણો તો પણ ડિગ્રી, માર્કશીટ ઉપલબ્ધ છે. બીજા રાજયો કરતાં ગુજરાતમાં આવી સગવડ છે તેનું ગૌરવ થવું જોઇએ. વાત પણ સાચી છે. ને તે એટલી બધી સાચી કે શિક્ષણ વિભાગે આપવાના જવાબો પોલીસ તંત્ર આપી રહ્યું છે.
વિજય સુંવાળા છે કે ખરબચડા?
વિજય સુંવાળાની અટક ખરબચડા પણ હોય તો વાંધો ન આવતે. આમ આદમી પાર્ટીમાંથી આમતેમ થઇ ભાજપમાં આવેલા આ ખરબચડા યા સુંવાળા જે કહો તે ભાજપની ટીકા કરતાં કરતાં ભાજપમાં જોડાઇ ગયા ને જે પક્ષમાં રહી ટીકા કરતાં તે પક્ષની ટીકા કરવા લાગ્યાં છે. આમાં એવું કે જે પક્ષ છોડીને આવ્યા હોય તેની વધારે ટીકા કરો તો જે પક્ષમાં આવ્યા હોય ત્યાં માન વધી જાય. પણ હમણાં તેમની ટીકા થઇ તો એવું બોલી ગયાં કે જે બોલી ન શકાય અને તેમાં જાતિવિષયક શબ્દ પ્રયોગ પણ શામિલ હતાં. એવી ટીકા તેમને જેલમાં પણ લઇ જઇ શકે પણ તેઓ ભાજપમાં ગયા છે એટલે ઠીક છે, બહુ વાંધો નહીં આવશે. ભાજપ અત્યારે પોતાના વિરોધ પક્ષમાંથી થાય તેટલાને પોતાના કરવામાં પડયા છે ત્યારે પોતાનાને પારકા ન કરાય. શાસક પક્ષમાં હો તો ગુનો પણ ગુનો નથી હોતો. ગુનો કરવાની છૂટ મળે એ માટે જ તો બીજા પક્ષમાંથી ભાજપમાં આવે તેને થોડાક ગુના તો કરવા જ દેવાય કે નહીં? શાસક પક્ષમાં આવ્યાનું આ જ તો સુખ છે.
કોંગ્રેસના પ્રમુખ ચૂંટણી પહેલાં નાચવાનો મોકો શોધે છે
અમે એક વિડીઓમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા. તેઓ એકલા નહીં સાથે બીજા કોંગ્રેસી નેતાઓ પણ હતાં. હમણાં કોઇ જગ્યાએ વિજય મેળવ્યો હોય એવું નહોતું પણ એક લગ્નમાં ગયા તો સહુ મૌજમાં આવી ગયાં. ભુપેન્દ્ર પટેલની સરકાર કોરોનાને સંભાળી નથી શકતી એવી ફરિયાદ કરનાર કોંગ્રેસના પ્રમુખ પોતાને જ સંભાળી નથી શકતા. હાથીના દાંત ચાવવાના જુદા ને દેખાડવાના જુદા તેમ કોંગ્રેસના ટીકા કરવાના મુદ્દા જુદા અને મઝા કરવાના મુદ્દા જુદા. જાહેર નિયમોનું પાલન ન કરે અને એમ ન કરે તો જ પોતાના વિરોધપક્ષી છે તેવું સાબિત કરી શકાય. જગદીશ ઠાકોર આમ પણ જાણે છે કે ચૂંટણી પછી તો નાચવાનો મોકો નથી મળવાનો તો પછી બેગાની શાદીનાં અબ્દુલ્લા દીવાના કેમ ન બનવું? કોરોના તો બીન રાજકીય લોકોને લાગતો ચેપ છે, જે નેતાઓ હોય તેમને તે લાગતો નથી. જગદીશ ઠાકોર પોતાનું કોંગ્રેસ પ્રમુખપણું જાહેર કરવામાં કયાંય ચૂકતા નથી. કોરોનો-ફોરોનાની ઐસી કે તૈસી.
લો બોલો, આ હર્ષ સંઘવી તો ગુજરાતને આખા વિશ્વનું ગ્રોથ એંજિન બનાવશે
હર્ષ સંઘવી માટે ગૃહરાજય મંત્રી તરીકે આ 26મી જાન્યુઆરી પ્રથમ પ્રજાસત્તાક પર્વ હતું. તેમનો ઉત્સાહ છલકાતો હોય તે સ્પષ્ટ છે. કેસરી સાફો પહેલી તેમણે અભિવાદન ઝીલ્યા, ત્રિરંગો લહેરાવવા ઉપરાંત ત્રિ-રંગને હવામાં ઉડાવ્યા પણ ખરા. વૃક્ષારોપણ કર્યું અને થોડીક કાવ્ય પંકિત ખાસ ફિલ્માવડાવી. મુખ્યમંત્રી થયા પછી નરેન્દ્ર મોદી પણ કવિ થયા હતાં તો ગૃહ રાજય મંત્રી બન્યા પછી હર્ષ સંઘવી પણ કવિ કેમ ન હોય? અહીં એ બધી પંકિત તો નહીં થોડી ઊતારીએ અને પછી જરાક સવાલ કરીએ.
સમર્પિત ભારત માતાને આ તન મન ધન કરું છું હું
અને વંદે માતરમ સાથે જ જન ગણમન કરું છું હું
પ્રથમ સ્વાતંત્રય પર્વે, બીજા પ્રજાસત્તાક દિવસે
પ્રજાની સત્તાને નતમસ્તક વંદન કરું છું હું
ઝડપી વિકાસ પોતે એક વેકિસન બની જશે
વર્તમાન અને ભવિષ્ય બેઉ સંગીન બની જશે
કેવળ ભારતનું નહીં પરંતુ આખા વિશ્વનું
જોજો આપણું ગુજરાત ગ્રોથ એંજિન બની જશે.
આમાં સવાલ જે કરવાનો તે એ કે ભારતનું ગ્રોથ એંજિન ગુજરાત બનશે કે નહિં તે તો ખબર નથી કારણકે ગુજરાત પોતે જ તેના દેવામાં ઘણો ગ્રોથ કરી ચુકયું છે. ખેર, હર્ષ સંઘવી રાજયના મંત્રી છે એટલે એવા નેગેટીવ ગ્રોથની તો વાત ન કરી શકે પણ તેઓ કહે કે‘આખા વિશ્વનું જોજો આપણું ગુજરાત ગ્રોથ એંજિન બની જશે’-તો થાય કે આખા વિશ્વનું ગ્રોથ એંજિન ગુજરાત?આમ ઉત્સાહથી બોલી નાંખવામાં શું બોલાય ગયું તેની ખબર તો રહેવી જોઇએ કે નહીં?! પણ હર્ષ સંઘવી છે ખબર નહીં એવા વિકાસ કરી પણ નાંખે! ગૃહરાજયમંત્રી થયા તો ગ્રોથ જ છે તો કુછ ભી હો સકતા હૈ, બોલને મેં કયા જાતા હૈ?