Comments

બહુ જરૂરી છે વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ

ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં આપણે કેટલાંક સનાતન મૂલ્યો જેવાં કે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, શાંતિ, સાદગી, ક્ષમા, સહકાર વગેરેનો સ્વીકાર કર્યો છે પરંતુ તે આત્મસાત કર્યાં નથી એવું આજની પરિસ્થિતિ જોતાં લાગે છે. આ બધાં મૂલ્યો તો સનાતન મૂલ્યો છે પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની વિસ્તરતી જતી ક્ષિતિજોને પરિણામે હવે કેટલાંક નવાં, તત્કાલિન મૂલ્યો પણ આર્વિભાવ પામ્યાં છે. આધુનિક જીવનપ્રણાલીમાંથી આવિર્ભાવ પામેલા અને ભારતીય સમાજે અપનાવવા જેવાં મૂલ્યો છે- ‘વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ’, ‘પર્યાવરણનું સંરક્ષણ’, ‘ઉત્પાદકતા અને નાના પરિવારનું મહત્ત્વ.’

આધુનિક યુગમાં વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ અનિવાર્ય બન્યું છે. વિજ્ઞાનનો અભ્યાસ અને પ્રયોગો કરતાં કરતાં વિદ્યાર્થીઓમાં ચોકસાઇ, ધીરજ, ખંત, એકાગ્રતા, સ્વચ્છતા જેવા ગુણોનો વિકાસ થવો જોઇએ. જયાં સુધી પ્રાયોગિક કે આનુષંગિક પુરાવાઓ ન મળે ત્યાં સુધી કોઇ પણ વાતનો સ્વીકાર કરવો જોઇએ નહિ. દૈનિક ઘટનાઓને કોઇ માન્યતાનો આધાર સીધે સીધી સ્વીકારી ન લેતાં તેમાં કાર્ય-કારણ સંબંધ શોધવો જોઇએ. અંધશ્રધ્ધા, વહેમથી દૂર રહી બૌદ્ધિક પ્રામાણિકતા કેળવવી જોઇએ. બૌદ્ધિક પ્રામાણિકતા એટલે વ્યકિતએ પોતે જે કાંઇ જોયું હોય, સાંભળ્યું હોય કે માણ્યું હોય તેનો બની શકે તેટલો સાચો ચિતાર રજૂ કરે, તેમાં કશું સ્વલક્ષી ન ઉમેરે કે હકીકતને વિકૃત ન કરે.

સમાજની રૂઢિઓ, પરંપરાઓ, ખોટી માન્યતાઓને તિલાંજલિ આપે. કુદરતી ચમત્કારોનું વૈજ્ઞાનિક રીતે પૃથકકરણ કરી સત્ય શોધે. તે સાથે જ માનવ પ્રકૃતિ, માનવ રહેઠાણ, પહેરવેશ, જાતિગત લક્ષણો વગેરે પાછળ છુપાયેલાં માનવજન્ય પરિબળો શોધો. આ બધું ત્યારે જ શકય બને, જયારે બાળકોને નાનપણથી જ વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે. આજે આ પ્રકારના શિક્ષણની તાતી આવશ્યકતા છે.

આપણો સમાજ બંધિયાર, રૂઢિગત અને અંધશ્રધ્ધાળુ હોવાને લીધે વૈજ્ઞાનિક વલણ કે વૈજ્ઞાનિક મૂલ્યનું શિક્ષણ પ્રયોજી શકાતું નથી. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે, ‘જયાં સુધી વ્યકિત સમાજની જરીપુરાણી માન્યતાઓ, રૂઢિઓ અને પ્રણાલીઓને વેદવાકયો માનીને માથે ચઢાવ્યા કરશે ત્યાં સુધી સમાજોત્થાન કે રાષ્ટ્રોત્થાન અશકય છે. તેથી વિશેષ, જો શિક્ષકો અને અધ્યાપકો આવી અંધ માન્યતાઓના શિકાર હશે તો વૈજ્ઞાનિક મૂલ્યો વિદ્યાર્થીઓમાં કયારેય પ્રસ્થાપિત થઇ શકવાનાં નથી. જયાં પોલ સાર્ત્ર આવી પરંપરા તોડવામાં અને નવી પરંપરા સર્જવામાં કેટલેક અંશે સફળ થયા હતા અને તેથી તેમને યુવાનોને અધોગતિ તરફ લઇ જનાર બિભત્સ નાસ્તિકનું બિરુદ મળેલું! હવે આપણા વિજ્ઞાન શિક્ષકોએ અને અધ્યાપકોએ આવું બિરુદ પામવા આગળ આવવું પડશે! કામ કપરું છે પણ કરવા જેવું છે.

કેમકે આજે માનવસમાજ અત્યંત જરીપરુાણા ખ્યાલોની નાગચૂડમાં ફસાયેલો છે. હાનિકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રધ્ધાનું વ્યાપક સ્વરૂપ પકડયું છે. જયોતિષો અપશુકન નિવારવા માટે વિધિ વિધાન કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે! જે વસ્તુ પ્રિય લાગે તેને શુકન અને જે અપ્રિય લાગે તેને અપશુકન કહેવું અને માનવું એ માનસિક અસ્વસ્થતાનું પરિણામ છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચકાસવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહિયાત છે. આપણા સમાજમાં આ પ્રકારનો અંધવિશ્વાસ આદિકાળથી જ પ્રચલિત છે. તેને જડમૂળથી કાઢવા વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ જરૂરી છે.

આપણી પ્રજા શિવલિંગ જેવા આકારના પથ્થર પર કે ખરતા તારાના પડેલા ખડક પર મંદિર ઊભું કરે છે! કાલ્પનિક દેવી ‘જય સંતોષી મા’ જન્માવી શકે છે! હાથમાંથી કંકુ કાઢે, બગલમાંથી રાખ કાઢે કે નાળિયેરમાંથી માતાની ચૂંદડી કાઢે તેને ચમત્કાર માને છે અને તેને નમસ્કાર કરે છે! તમારે નમસ્કાર કરવા જ હોય તો ટી.વી.ને કરો! કોમ્પ્યુટરને કરો! મોબાઇલને કરો!હજારો કિ.મી. દૂર બનતી ઘટના તે જ સમયે તમે ઘેર બેઠા જોઇ શકો અને તેનું કોમ્પ્યુટર દ્વારા વિશ્લેષણ પણ કરી શકો એ શું વિજ્ઞાનનો નાનો સૂનો ચમત્કાર છે?! અનેક પ્રકારની અટપટી ગણતરીઓ, જેને ઉકેલતા મહિનાઓ લાગે તે આંખના પલકારામાં કોમ્પ્યૂટર કરી આપે તે શું નાનો સૂનો ચમત્કાર છે?!

પરંતુ આપણે વિજ્ઞાનના આવા અદ્‌ભુત ચમત્કારોની કયારેય કદર કરતા નથી?! હજુ પણ ગામડાંઓમાં ભૂત-પ્રેત, ભૂવા, ડાકણ જેવી માન્યતાઓ પ્રચલિત છે! હજુ પણ બાધા-આખડી, હોમ હવનની બોલબાલા છે! વર્ષો પહેલાં કેરળ જેવા શિક્ષિત રાજયમાં ‘પુત્રકામેષ્ઠી યજ્ઞ’ થયો હતો! હજારો યુગલો તેમાં જોડાયાં હતાં! આપણા ગરવી ગુજરાતમાં પણ આવા યજ્ઞ માટેની પૂર્વતૈયારી થયેલી! ટેસ્ટ ટયૂબ બેબી આઇવીએફ અને ગર્ભવિદ્યામાં અત્યંત આધુનિક સંશોધનો અને પરીક્ષણો થતાં હોવા છતાં છેતરાવા માટે પડાપડી કરતાં લોકોની સંખ્યા આપણા દેશમાં ઓછી નથી! છેતરવું અને છેતરાવું એ આપણો સ્થાયીભાવ બની ગયો છે!! સંશોધનોનાં તારણો તો એમ કહે છે કે અભણ માણસો કરતાં કહેવાતા શિક્ષિતો વધુ અંધશ્રધ્ધાળુ અને વહેમીલા હોય છે!

આપણે ઘણી વાર કહીએ છીએ, ‘આપણે વિજ્ઞાનયુગમાં જીવીએ છીએ.’ હા, આપણે માત્ર જીવીએ છીએ એ ખરું, પરંતુ પાયાનો પ્રશ્ન તો કેવી રીતે જીવીએ છીએ એ છે. આપણે વિજ્ઞાન યુગમાં જીવીએ છીએ છતાં વિજ્ઞાન યુગને છાજે તેવી વૈજ્ઞાનિક વૃત્તિ જોઇએ તેટલા પ્રમાણમાં ભારતીય સમાજમાં જોવા મળે છે ખરી? વિજ્ઞાન અને વહેમનાં વહેણો તો આપણામાં અડખેપડખે સમાંતર ચાલી રહ્યાં છે! ઊંડાણના ગામડાં સુધી વીજળી, ટી.વી., મોબાઇલ પહોંચ્યાં તેને આપણે વિજ્ઞાનનો વિકાસ ભલે કહીએ, પરંતુ વિજ્ઞાન તો ત્યારે જ પહોંચ્યું ગણાય જયારે ગામડાનો એકાદ આદિવાસી વહેમ, અંધશ્રધ્ધાથી છૂટે! વિજ્ઞાનની અસીમ કૃપા વચ્ચે પણ આપણી મનોવૃત્તિ જરીપુરાણી જ! ઇલેકટ્રોનિકસના ચમત્કારે આપણું ઘર અને રસોડું બદલી નાખ્યું છતાં હજી આપણે વૈચારિક રીતે તો એવા જ કોરા કટ્ટ! જાતિ, જ્ઞાતિ, ધર્મ, પંથ, પેટા પંથના કવચમાં સુરક્ષિત! હવે જરૂર છે આ કવચમાંથી બહાર આવવાની.

વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ જ આ કવચને ભેદી શકે તે છે. આ માટેની શરૂઆત વર્ગખંડમાં વિજ્ઞાન શિક્ષક દ્વારા થવી જોઇએ. શિક્ષક તાલીમી કોલેજના અધ્યાપકો દ્વારા થવી જોઇએ. કેમકે શિક્ષકોને ઘડવાનું કાર્ય બી.એડ. કોલેજોમાં થતું હોય છે. શિક્ષક અધ્યાપક દ્વારા એવી ભાવના વિદ્યાર્થીઓમાં જન્મવી જોઇએ કે જે આજે નથી સમજાતું તે રહસ્યમય જરૂર છે છતાં એટલા જ પૂરતું તે દૈવી કે ચમત્કારી બની જતું નથી. આવતી કાલે એ જરૂર સમજાતું થશે. વિદ્યાર્થીઓને હંમેશા પ્રશ્નો થવા જોઇએ. આવું શા માટે? આમ જ કેમ? આમ કેમ નહિ? આવા પ્રશ્નો વિદ્યાર્થીઓ વર્ગમાં પૂછતા થાય એવું વાતાવરણ સર્જવું જોઇએ. પોતાના પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ તેને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જંપીને ન બેસે અને હંમેશા પ્રશ્નોના ઉકેલો માટે મથામણ કરતો રહે તો જ તેની તર્કશકિત, વિચારશકિત, મૌલિકતા અને સર્જનશીલતા વિકસે અને તો જ પેલું અવૈજ્ઞાનિક વલણ તૂટે!

વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ એટલે માત્ર અંધશ્રધ્ધા અને વહેમથી દૂર રહેવું એમ નહિ પરંતુ સારી ટેવોનું ઘડતર એ પણ વૈજ્ઞાનિક મૂલ્ય શિક્ષણનો એક ભાગ છે. સૌ પ્રથમ પોતાના શરીરની સ્વચ્છતા,આરોગ્ય અંગે વિદ્યાર્થીઓ સભાનતા કેળવે એ જરૂરી છે. દાંતની નિયમિત સફાઇ કરવી, આંખની સંભાળ રાખવી, રોગચાળો ચાલતો હોય તો પાણી ઉકાળીને પીવું, પીવાનું પાણી ઢાંકેલું રાખવું. બહારનો ઉઘાડા ખોરાકનો ઉપયોગ નહિ કરવો, ઘરની આસપાસ ગંદકી નહિ કરવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું વગેરે નાની છતાં પાયાની બાબતો અંગે એમને જાણકારી અને તાલીમ આપવી જોઇએ.

વિદ્યાર્થીઓ વ્યસનોના, કેફી દ્રવ્યોના ભોગ ન બને તે માટે તેના ભયસ્થાનથી તેમને માહિતગાર કરવા જોઇએ. જાહેર મિલકતો, સાર્વજનિક સંસ્થાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને શીખવવું જોઇએ. ખનીજ તેલ આપણી મોટી રાષ્ટ્રીય સંપત્તિ છે. જરૂર ન હોય તો કાર કે સ્કૂટરનો ઉપયોગ ટાળે, ગમે ત્યાં તે પાર્ક ન કરે. પાણીનો અને વાણીનો દુરુપયોગ ન કરે. એ જ પ્રમાણે વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે. વીજચોરી ન કરે. વૃક્ષો પ્રત્યે અહોભાવથી જુએ.તેનું જતન કરે. વધુ વૃક્ષો ઉગાડે. વસ્તી વધારો આપણા રાષ્ટ્રીયવિકાસને અવરોધે છે તેથી વસ્તી શિક્ષણ આપવું એ પણ વૈજ્ઞાનિક મૂલ્ય શિક્ષણનો એક ભાગ છે. આ પ્રકારનું વૈજ્ઞાનિક મૂલ્યોનું શિક્ષણ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી કક્ષાએ અનિવાર્ય બનવું જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top