ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં એક જ શિક્ષકવાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ (School) છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
- રાજ્યમાં એક જ શિક્ષકવાળી પ્રાથમિક શાળાઓની સંખ્યા 1606
- આવી તમામ શાળાઓમાં સત્વરે શિક્ષકો મુકવા શિક્ષણમંત્રીની ખાતરી
વિધાનસભામાં રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના લેખિત જવાબમાં મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં ૩૦ વિદ્યાર્થી દીઠ ૦૧ શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે.
પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ
રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુઘડ બનાવવા માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૫૭.૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાદિઠ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રતિમાસ રકમ ચૂકવવામાં આવ્યો છે. જેમાં ૦ થી ૧૦૦ સુધીની સંખ્યા હોય તો શાળાને પ્રતિ માસ રૂ. ૧૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ સુધી પ્રતિમાસ રૂ. ૧૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ સુધી પ્રતિમાસ ૪૦૦૦/- જ્યારે ૫૦૦ કે થી વધુ સંખ્યા હોય તેવી શાળાને પ્રતિ માસ રૂ. ૫૦૦૦/-ની રકમ સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે.