હાલમાં એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ ગયો. મુખ્યમંત્રી સહિત તેમના મંત્રી તથા આઇ. એ. એસ, આઇ.પી.એસ, આઇ. એફ. એસ જેવા ત્રણસો સડસઠ ક્લાસવન ઓફિસરો તથા પાંચ હજાર કરતાં પણ વધારે સરકારી નોકરો આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં ફરી બત્રીસ હજાર કરતાં પણ વધારે ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. તો બીજી તરફ આખા ભારત દેશમાં આઠ-દસ ધોરણ પછી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યાં છે. કેન્દ્ર સરકારે ક્યાં કારણોસર બાળકો શાળા છોડી રહ્યાં છે તે જાણી તેનું નિરાકરણ લાવવું પડશે.
નહીં તો 2030 સુધીમાં સો ટકા સાક્ષરતા મેળવવા માટેનો જે લક્ષ્યાંક નક્કી કર્યો છે તેમાં નિષ્ફ્ળતા મળશે. અર્ધશિક્ષિતોની સંખ્યામાં અસાધારણ ઉછાળો આવશે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધી જશે. કોરોનાના કારણે ઘણાં પરિવારોની થયેલી આર્થિક બરબાદીને કારણે ઘણાં વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હતો. નબળા અને ગરીબ વર્ગનાં વિદ્યાર્થીઓ રોજીરોટી કમાવવા અધવચ્ચેથી શિક્ષણ છોડી ન દે એટલા માટે તેઓને મફતમાં ઉચ્ચ શિક્ષણ મળે તેવું ગોઠવવું જોઈએ. યુવાનો દેશનું ભવિષ્ય છે.
જો યુવાનોને સકારાત્મક, જોશીલા બનાવવામાં આવશે તો જ દેશની તસ્વીર બદલાશે. ગામડાંઓમાં સ્કૂલ માટે પાયાની સગવડો ધરાવે તેવી પાકાં મકાનો, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થાવાળી શાળાઓ બનાવવાની ખાસ જરૂર છે. બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાથી છવ્વીસસોથી પણ વધારે આશાસ્પદ અને મા-બાપના ઘડપણના સહારા જેવાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે તેનુ નિષ્ણાતો પાસે મંતવ્યો માંગી તેનો અમલ કરી તેઓનો તણાવ ઓછો થાય એવી કાયમી વ્યવસ્થા કરવી જોઈએ. ગાંધીજીએ પણ કહ્યું છે કે શિક્ષા વ્યક્તિને સબળ બનાવે છે.
વ્યારા – સંજય ઢીમર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.