શિક્ષણ સંસ્થાઓમાં હવે વિરામ છે. ઔપચારિક શિક્ષણમાં હવે વેકેશન છે. સમાજની થોડી પણ ચિંતા હોય તો આપણાં ઘર, પરિવારમાં નજર નાખવાની જરૂર છે. સમાજમાં વ્યાપક અરાજકતા ફેલાઈ રહી છે પણ આપણે તેને ગંભીરતાથી લેતાં નથી. વ્યવસાયલક્ષી શિક્ષણની દોટમાં મૂળભૂત કેળવણી સતત આઘી હડસેલાતી જાય છે. ગુજરાતનાં મધ્યમવર્ગીય પરિવારોમાં જરા નિસ્બત સાથે નજર નાખો તો આપણને દેખાય છે કે આપણાં યુવાન પરિવારજન સવારે વહેલાં ઊઠતાં નથી. પોતાનાં રોજિંદાં કામો પણ જાતે કરતાં નથી.ઘર, પરિવારનાં સામાન્ય કામો તો તેમની વિચારપ્રક્રિયાના વર્તુળમાં પણ નથી.
જરા જુવો, ઘરનાં યુવાનો કદી ઘરમાં પીવાનું પાણી ભરે છે. ઘરમાં અઠવાડિક શાકભાજી લાવવાનું કામ જાતે કરે છે. પોતાનો દૂધ કે કોફીનો ગ્લાસ જાતે તૈયાર કરે છે? પોતાના રૂમ કે પથારી સાફ કરે છે? ભારતની કેટલીક મૂળભૂત સમસ્યા છે જેમાંની એક સમસ્યા છે કામની. જાતિ આધારિત અને જ્ઞાતિ આધારિત વહેંચણી એટલે કે –“આ કામ સ્ત્રીએ કરવાનાં અને આ કામ પુરુષે…વળી આ કામ આ જ્ઞાતિનાં લોકોએ કરવાનાં અને આ કામ આ જ્ઞાતિનાં લોકો કરે” !
આ કાર્ય વહેંચણી અવૈજ્ઞાનિક અને નવા સમયમાં તદ્દન અવ્યવહારુ છે. દુનિયાના વિકસિત દેશોનો ઈતિહાસ તપાસો. ત્યાં બધે જ કામની વહેંચણી આવડત મુજબ થાય છે. જન્મ આધારિત કે સ્ત્રી- પુરુષના માપદંડથી થતી નથી. માટે જ ત્યાં જે વ્યક્તિ જે કામમાં કુશળતા મેળવે છે તે તે કામ કરે છે.આપણે ત્યાં કામની પરમ્પરાગત અને રૂઢિગત વહેંચણી જાહેર જીવનમાં ઓછી થતી જાય છે. બંધારણ અને કાયદાના શાસનનો આ ફાયદો કે ચોકકસ કામ ચોક્કસ જ્ઞાતિ નથી કરતી પણ ચોક્કસ ડીગ્રી હોય તે કરે છે.
અર્થતંત્ર કે જાહેર જીવનમાં ભલે કામની વહેંચણીમાં ભેદ ઘટતો જાય પણ આપણા અંગત સામાજિક જીવનમાં તે યથાવત્ છે. ઘરમાં આજે પણ સ્ત્રીઓનાં કામ સ્ત્રીઓ જ કરે છે અને મધ્યમ વર્ગીય પરિવારો તો હવે કામવાળાથી ચાલે છે, જ્યાં ગરીબ પરિવારનાં લોકો કચરાં, પોતાં, વાસણ સફાઈ, કપડાં સફાઈ જેવાં કામ કરે છે .એટલે સ્થિતિ એ છે કે કાં તો રોજિંદાં કામ કામવાળાં કરે અથવા ઘરની સ્ત્રીઓ કરે પણ ઘરનાં કિશોર કે યુવાન પુરુષ વર્ગ તો ના જ કરે! આપણે આ માનસિકતામાંથી બહાર આવવાનું છે. હાલ ગુજરાતના વસ્તીનાં વલણો તપાસો તો ખબર પડે છે કે ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોમાં એક જ સંતાનનું ચલણ વધ્યું છે, જ્યાં પ્રથમ બાળક સ્ત્રી હોય ત્યાં કદાચ બીજું બાળક પુત્ર છે પણ જ્યાં પ્રથમ જ બાળક પુત્ર છે ત્યાં એક બાળકનું કુટુંબ છે.
આવા સંજોગોમાં ઘરનો પુત્રરત્ન કદી કોઈ કામ જાતે કરતો જ નથી . માટે જ ઘણા ગમ્મતમાં હવે એમ પણ કહેતાં થયાં છે કે જો તમે તમારા દીકરાને પરદેશ મોકલવા માંગતા હો તો તેને ઘરમાં કચરાં પોતાં કરતાં ,મશીનમાં કપડાં ધોતાં , અઠવાડિયામાં એકાદ વાર જાતે રાંધતાં શીખવાડો.કામ લાગશે. પરદેશમાં પોતાનાં વ્યક્તિગત કામો જાતે કરવાની જ ટેવ છે. મોટામાં મોટો માણસ પણ પોતાનાં વ્યક્તિગત કામો જાતે જ કરે છે માટે જ રાજનીતિમાં પણ નેતાઓ ખાસ સગવડો ભોગવતા નથી.પ્રેસિડેન્ટ કક્ષાનાં લોકો પોતાની છત્રી જાતે જ પકડે છે! ભોજનમાં પોતાની ડીસ જાતે જ લે છે.
અત્યારે ઔપચારિક શિક્ષણમાં વેકેશન ચાલે છે ત્યારે આપણે ઈરાદાપૂર્વક આપણાં સંતાનોના સર્વાંગી ઘડતર માટે ધ્યાન આપવાની જરૂર છે. ખાસ તો દીકરાઓને કામની ટેવ પડવાની જરૂર છે. ગુજરાતમાં મા બાપ જ યુવાન દીકરાઓને ઘરનાં રોજિંદાં કામથી દૂર રાખે છે . તેમાંય તમામ કામ કામવાળા પાસે કરાવવાની ટેવ વધતી જાય છે. આ સંજોગોમાં આપણા યુવાન દીકરાને માત્ર નોકરીનું કામ અને બાકીના સમયમાં સૂઈ જવું ,મિત્રો સાથે ગપ્પાં મારવાં, રખડવું અને …મોબાઈલ ..એ જ જીવન થઇ ગયું છે.
ગુજરાતમાં ગાંધીવિચાર હવે લુપ્ત થતો જાય છે.એક સમય હતો જ્યારે ગાંધી વિચારની અસર વ્યાપક હતી. ઉચ્ચ સવર્ણ વર્ગોમાં પણ ઘરનાં કામ, પોતાનાં કામ જાતે કરવાનું ચલણ હતું. ઘરનાં સંડાસ, બાથરૂમ પણ વારા મુજબ સાફ કરવામાં આવતાં. ઘણાં ટ્રસ્ટોની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શિસ્તના પાઠ, જાત મહેનતના પાઠ શીખવાડવામાં આવતા. હવે તો ખાનગી શાળાઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ લાખો રૂપિયા લે છે એટલે આવાં કામ તો ના શીખવાડે ને! તો ગાંધીને ફરી જીવાડવા પડશે. આપણાં બાળકોને સ્વનિર્ભર કરવાં પડશે.હવે લાંબો સમય શ્રમ સસ્તો નથી રહેવાનો. મોંઘવારીએ જીવનખર્ચ વધારી દીધો છે. વળી દરેક વસ્તુની કિંમત ચૂકવવાની છે તો આરામ અને આળસની પણ કિંમત ચૂકવો!
આવનારા સમયમાં ઓછા પગારોમાં ઘર ચલાવવાનું થશે અને ઘર કામ કરવાવાળા મોંઘા પગાર માંગશે ત્યારે કેટલાંક કામ જાતે જ કરવાં પડશે. ઘરમાં હવે દીકરીઓ કે વહુઓ પણ ભણેલી હશે, નોકરી કરતી હશે તો નવરા યુવાનોને બેઠાં બેઠાં પાણી કે દૂધ કાયમ મળવાનાં નથી. આત્મનિર્ભર ભારતનું એક લક્ષણ આ પણ હોય કે સૌ પોતાનાં કામ જાતે કરે. ખરેખર એક લીસ્ટ સૌ તૈયાર કરો કે શું આપણને શર્ટ કે કોટમાં બટન ટાંકતાં આવડે છે? શું આપણે ઘરમાં પીવાનું પાણી પતી જાય ત્યારે તે માટલું કે વાસણ વીછળીને ભરી શકીએ છીએ, આપણે એકલા હોઈએ ત્યારે કદી નાસ્તો બનાવી ઘરે જ ખાધો છે? ફ્રીઝ સાફ કર્યું છે? ઊંઘ્યા હતા તે પલંગ સાફ કર્યો છે? ચાદર વાળી મૂકી છે /- શું આ વેકેશનમાં આવું કાંઈ કરી જોવાનો ,શીખવાનો ઈરાદો છે?
કોરોના કાળમાં માત્ર રમૂજ કે એ મજબુરીથી ટાઈમ પાસમાં ઘર કામની જે જે પ્રવૃત્તિઓ કરી હતી તે તે નિયમિત જીવનમાં કરવાની જરૂર છે. આપણે ઘણું શીખવાનું બાકી છે. આપણે આપણા વ્યક્તિગત જીવનમાં ખૂબ પરાવલંબી છીએ. આપણે કામ કરતા નથી માટે જ એ કામોની કિંમત પણ સમજતાં નથી. કદી પોતાના ઘરની ચોકડી કે બાથરૂમમાં ભરાયેલાં પાણીને જાતે સાફ કર્યું હોય તો ગટર સાફ કરનારાની કિંમત સમજાય ને. યાદ રાખો, આ બધું આપણા નિયમિત શિક્ષણનો ભાગ નથી. આમાં ટકા આવતા નથી. જિલ્લામાં કે બોર્ડમાં પ્રથમ અવાતું નથી. આ ઘડતર છે, જીવનલક્ષી કેળવણી છે. આ બધું શાળામાં નહીં, ઘર પરિવારમાં બાળક શીખે છે. આ બધું કહેવાથી નહિ બાળક જોઈને શીખે છે. માટે આ કામ પહેલાં વડીલો એ કરવાના છે. બાળકો જોઇને શીખશે.
ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા સરકાર આધીન છે. આપણે સરકારની ખૂબ ટીકા કરીએ છીએ પણ શિક્ષણનું એક કામ તો ઘર પરિવારમાં પણ થાય છે ત્યાં આપણે કદી ધ્યાન આપતાં નથી. નવી આખી પેઢી થોડાક અપવાદને બાદ કરતાં મહા પરાવલંબી બનતી જાય છે તે એક્લી પડે તો કીટલી પર ચા પીવે ,જોમેતોમાં ફુડ મંગાવે અને પલંગમાં પડ્યા પડ્યા મોબાઈલમાં સમય પૂરો કરે! આ આપણી ચિંતાનો વિષય બનવું જોઈએ.આ વેકેશન આ બાબત પર પણ ધ્યાન આપીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.