પહેલાંના સમયમાં એવું જોવા મળતું કે મહદ્ અંશે મા-બાપ જે નોકરી-ધંધો કરતાં એ વ્યવસાયમાં એમનાં સંતાનો જોડાઇ જતાં અને દીકરા-દીકરીઓનું સગપણ પણ વડીલો ગોઠવતા જે વ્યવસ્થામાં મોટા ભાગનાં દીકરા-દીકરીઓ કોઇ પણ જાતના વિરોધ વિના ગોઠવાઇ જઇ એમનું જીવન સુખરૂપ પસાર કરતાં. પરંતુ ભૂતકાળ અને આજના સમયમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે પહેલાં કરતાં શિક્ષણનું પ્રમાણ વધવા સાથે આજનાં યુવાનો પોતાની જિંદગી અંગે સ્વતંત્ર રીતે વિચારતાં અને નિર્ણય લેતાં થયા છે જે ઘણી વખત જે તે સમાજની વિચારસરણી સાથે મેળ ન ખાતાં કુટુંબના વડીલો, બે કુટુંબ કે બે ન્યાતો વચ્ચે ઘર્ષણનું કારણ બની શકે છે.
પણ ઘણાં કુટુંબોમાં આજે પણ જોવા મળે છે કે દિવસમાં એક વાર બધા સાથે બેસીને ભોજન કરે છે જે દરમિયાન થતી વાતો એકબીજા પ્રત્યેની પ્રેમની લાગણીમાં વધારો કરી બે પેઢી વચ્ચે એક સેતુનું કામ કરી શકે. બન્ને પેઢી વચ્ચેનું વૈચારિક અંતર ઘટી શકે એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન ઘણા મુશ્કેલ સવાલોનો ઉકેલ પણ આવી શકે જે દ્વારા ઉપર દર્શાવેલા પ્રસંગો બનતાં ઓછા થઇ શકે એટલું જ નહીં પરંતુ ઘરનાં કે બે કુટુંબનાં સભ્યો વચ્ચે સંવાદિતા પણ જળવાઇ રહે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.