Editorial

અરવિંદ કેજરીવાલને ઇડી નું ચોથું સમન, લોકસભાનો પ્રચાર જેલમાંથી કરવો પડે તેવી સ્થિતિ

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સીએમ અરવિંદ કેજરીવાલ ની ધરપકડ તરફ પહેલા થી જ ઈશારો કરી દીધો છે. હવે જ્યારે કેજરીવાલ ને ઇડી એ ચોથું સમન આપ્યું છે ત્યારે લોકસભા ની ચુંટણીનો પ્રચાર કેજરીવાલે જેલમાંથી જ કરવો પડશે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે.

તેમને પણ ઇડીએ પકડી લીધાં છે. અને હવે ભાજપના મંત્રીઓ, સાંસદો અને નેતાઓના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તપાસનો રેલો અરવિંદ કેજરીવાલ સુધી પહોંચશે. અહીં સવાલ એ થાય કે શું અરવિંદ કેજરીવાલ સામે મજબૂત પુરાવા છે? હવે સમજીએ કે, કેજરીવાલ સામે શું પુરાવા છે? એપ્રિલના મધ્યમાં સીબીઆઈએ આ કેસના સંબંધમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને બોલાવ્યા હતા. જોકે, તેને આરોપી તરીકે નહીં, પરંતુ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા. સીબીઆઈએ પૂછપરછ બાદ તેમને જવા દીધાં હતા, પરંતુ ઈડીનો દાવો છે કે કેજરીવાલ સામે એક સાક્ષી છે, જેનું નામ છે દિનેશ અરોરા.

કૌભાંડમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવેલા એક વેપારી. જે બાદમાં સરકારી સાક્ષી બની ગયા હતા.  ઈડીને આપેલા દિનેશ અરોરાના નિવેદન અનુસાર, તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેમના જ નિવાસસ્થાને મળ્યા હતા. ત્યાં સાંસદ સંજય સિંહ પણ હાજર હતા. સૂત્રોનું કહેવું છે કે સંજય સિંહને મળ્યા બાદ જ દિનેશ, મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો હતો. ભાજપના નેતાઓનો દાવો છે કે જેલમાં બંધ AAPના નેતા અથવા સરકારી સાક્ષીઓમાંથી એક કેજરીવાલનું નામ લેશે.

કેસને સમજીએ તો, દિલ્હીની દારૂની નીતિમાં કથિત અનિયમિતતાઓને ટાંકીને દિલ્હીના એલજી વીકે સક્સેનાએ તત્કાલીન સમયે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી કેજરીવાલે આ પોલિસી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ આ કેસમાં એક પછી એક ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીબીઆઈએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ વિજય નાયરની આ મામલે ધરપકડ કરી હતી. કથિત રીતે આ કંપની AAP સાથે સંબંધિત હતી. સીબીઆઈ એફઆઈઆર મુજબ, નાયર એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓમાં સામેલ હતો. જોકે, AAPએ કહ્યું હતું કે નાયર માત્ર પાર્ટીના કાર્યકર હતા અને તેનો દારૂની નીતિ સાથે કોઈ સંબંધ નથી. તે પછી તે જ મહિનામાં ઇડીએ દારૂના રિટેલર સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી.

આ કેસમાં સીબીઆઈની બીજી ધરપકડ – રોબિન ડિસ્ટિલરીઝના ડિરેક્ટર અભિષેક બોઈનપલ્લી હતા. તેમના પર એક બિઝનેસમેનના ફાયદા માટે લોબિંગ કરવાનો આરોપ હતો. ત્યારબાદ નવેમ્બર 2022માં ઇડીએ અરબિંદો ફાર્માના સરથ રેડ્ડી અને લિકર મેજર પેર્નોડ રિકાર્ડના એક્ઝિક્યુટિવ બેનોય બાબુની ધરપકડ કરી હતી. સરથ રેડ્ડી પણ આ કેસમાં સરકારી સાક્ષી બની ગયા છે. ત્યારપછી આ વર્ષે ફેબ્રુઆરીમાં સૌથી મોટી ધરપકડ થઈ – 8 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની. આ મહિને ઇડીએ YSRCP સાંસદના પુત્ર એમ રાઘવનની ધરપકડ કરી હતી.

હવે હાલમાં ધરપકડ કરાયેલા સંજય સિંહ પર શું ગંભીર આક્ષેપો છે, એ સમજીએ. દિનેશ અરોરા દિલ્હી લિકર કેસનો મુખ્ય આરોપી અને રેસ્ટોરાં બિઝનેસમેન છે. મે મહિનામાં ઇડીએ ફરિયાદમાં સંજય સિંહનું નામ લીધું હતું અને કહ્યું હતું કે દિનેશ અરોરા સંજય સિંહને પ્રથમ મળ્યા હતા. સંજય સિંહે જ દિનેશ અરોરાનો પરિચય મનીષ સિસોદિયા સાથે કરાવ્યો હતો. ત્યારબાદ સંજય સિંહે ઇડીને કાનૂની નોટિસ મોકલી હતી, જેના જવાબમાં ઇડીએ કહ્યું હતું કે સંજય સિંહનું નામ ‘અજાણતા’થી લેવાઈ ગયું છે.

મે મહિનામાં જ ઇડીએ સંજય સિંહના બે સહયોગીઓ અજીત ત્યાગી અને સર્વેશ મિશ્રાના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય મનીષ સિસોદિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પણ સંજય સિંહનું નામ સામે આવ્યું હતું. દિનેશ અરોરાએ સંજય સિંહના કહેવા પર જ દિલ્હી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવાનું કામ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ માટે સંજય સિંહે કથિત રીતે દિનેશ અરોરાને ફોન કરીને કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે અને પાર્ટીને પૈસાની જરૂર છે. કેટલાક રેસ્ટોરાંનો સંપર્ક કરો.

આરોપ છે કે અરોરાએ ઘણા રેસ્ટોરાં માલિકો સાથે વાત કરી હતી. તેના સંપર્કમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. સિસોદિયાને 82 લાખ રૂપિયાનો ચેક પણ સોંપવામાં આવ્યો હતો. ઇડીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સંજય સિંહે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત દિનેશ અરોરાનો એક મુદ્દો પણ સેટ કરી આપ્યો હતો. આરોપ એવો પણ છે કે દિનેશે સંજય સિંહને કેટલાક અન્ય બિઝનેસમેન સાથે મુલાકાત કરાવી હતી, જેમાં અમિત અરોરા નામના વ્યક્તિનું નામ મુખ્ય રીતે લેવામાં આવી રહ્યું છે. ત્યારપછી મનીષ સિસોદિયાના ઘરે એક બેઠક થઈ હતી. તેમાં મનીષ સિસોદિયા, દિનેશ અરોરા, અમિત અરોરા અને સંજય સિંહ સામેલ હતા. આ બેઠકમાં સિસોદિયાએ કથિત રીતે કહ્યું હતું કે તેઓ દિલ્હીની દારૂની નીતિમાં ફેરફાર કરશે.

Most Popular

To Top