Gujarat

દક્ષિણ ગુજરાતમાં લાકડાની તસ્કરી મામલે ઈડીએ 11.3 કરોડની સંપત્તિ કબજે કરી

અમદાવાદ: અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના અધિકારીઓની ટીમ દ્વારા લાકડાની દાણચોરી અને તેમાંથી ઉપજેલી આવકના મામલે મોટી કાર્યવાહી કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડિરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ઈડીના અધિકારીઓની ટીમે આરીફ અલી અમજદ અલીખાન સહિત અન્ય સામે તપાસના અંતે અસ્થાયી કબજા આદેશ (PAO) જારી કરી ગુજરાતના ગોધરા જિલ્લામાં અંદાજે 11.3 કરોડ રૂપિયા મૂલ્યની કુલ 14 સ્થાવર સંપત્તિઓ કબજે લીધી છે. આ કાર્યવાહી સુરત વન વિભાગ, માંડવી દક્ષિણ રેન્જના રેન્જ વન અધિકારી દ્વારા નોંધાયેલી પ્રથમ ગુનાહિત રિપોર્ટના આધારે શરૂ કરાયેલી તપાસ પછી કરવામાં આવી છે. આ કેસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની વિવિધ જોગવાઈઓના ભંગ હેઠળ ખેરના લાકડાની ગેરકાયદે કાપણી અને તસ્કરીના આરોપો નોંધાયા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુસ્તાક આદમ તાસિયા, મોહ. તાહિર અહમદ હુસેન સહિત અન્ય આરોપીઓએ ગુજરાતના વ્યારા, તાપી, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં આવેલા વન્યજીવ અભયારણ્યોમાંથી વન અધિકારીઓની મંજૂરી વિના ખેરના વૃક્ષોની ગેરકાયદે કાપણી કરી હતી. ત્યારબાદ આ લાકડું રાજ્યની સીમા બહાર લઈ જઈને વેચવામાં આવ્યું, જેના કારણે વન્યજીવોના કુદરતી આવાસને ભારે નુકસાન પહોંચ્યું હતું.

ઈડીની તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓએ આ ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિઓથી કરોડો રૂપિયાની આવક મેળવી હતી, જેના કારણે સરકારને મોટું નાણાકીય નુકસાન થયું છે. આ ગુનાથી પ્રાપ્ત થયેલી આવકમાંથી બનાવવામાં આવેલી સંપત્તિઓને ઈડીએ ઓળખી 11.3 કરોડની સંપત્તિ કબ્જે કરી છે. ઈડી દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top