SURAT

માથાભારે સજ્જુ કોઠારીએ ગુનાખોરીથી ભેગી કરેલી મિલકતો EDએ ટાંચમાં લીધી

સુરત(Surat): માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી (Sajju Kothari) ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડીએ (ED) ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરીંગ (PMLA) હેઠળ કાર્યવાહી કરી છે.

સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર 6 કેસ નોંધ્યા હતા. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે ગુનાખોરીથી સજ્જુએ 4.29 કરોડની મિલકત ભેગી કરી હતી. સજ્જુએ પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામ પર 31 સ્થાવર મિલકત ઉભી કરી હતી. આ તમામ મિલકતો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.

બે વર્ષ પહેલાં સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ હતી
માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો. બે વર્ષ પહેલાં 26 માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કોઠારીએ નાનપુરાના જમરુખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. તે રૂમમાંથી પોલીસે તેને પકડ્યો હતો.

સરકારી જમીન પર કર્યું હતું દબાણ
કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top