ગાંધીનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED)ની ટીમોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીની અલગ-અલગ ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાન તેમજ વઢવાણના રાવળવાસ વિસ્તારમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક સ્થળો પર પણ તપાસ ચાલી રહી છે, ખાસ કરીને બેનામી સંપત્તિના મામલે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાની માહિતી મળી છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરના નિવાસ્થાને ચાલી રહેલી ઈડીના દરોડાની કાર્યવાહીના પગલે છેક ગાંધીનગરમાં આઈએએસ અધિકારીઓમાં ધ્રુજારી વ્યાપી ગઇ છે.
ઈડીની આ તપાસમાં 8થી વધુ વાહનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિ સંબંધિત આરોપોને લઈને હાથ ધરવામાં આવી છે. બેનામી સંપત્તિ ઉપરાંત જમીન સંબંધિત અનિયમિતતાઓનો પણ ઉલ્લેખ છે. જોકે, ઈડી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને તપાસના મુદ્દા અંગેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ 2015 બેચના આઈએએસ અધિકારી છે અને વર્તમાનમાં સુરેન્દ્રનગરના જિલ્લામાં કલેકટર તરીકે તરીકે ફરજ બજાવે છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા છે. આ ઈડીના દરોડાની કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારથી જ ઈડીના અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે. વઢવાણ શહેરમાં બે જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જયારે ઈડી દ્વારા કલેક્ટરના બંગલા પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.અલગ અલગ સાતથી આઠ સ્થાન પર તપાસ હાથ ધરવામાં આવી છે.કલેકટરના બંદલે ઈડીની ટીમ દ્વારા સતત બે કલક કરતાં વધુ સમય માટે તપાસ હાથ ધરાઈ છે. જેમાં ઈડીની ટીમને વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા છે.
આ લોકો ED ની રડારમાં આવ્યા.
ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ
ચંદ્રસિંહ મોરી
મયુરસિંહ ગોહિલ
ચેતન કણઝરીયા
અન્ય અધિકારીઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી જ ઈડીએ દરોડા પાડયા હતાં. ઈડીના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઈડીના અધિકારીઓએ વહેલી સવારથી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું
દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચાં ચાલી રહી છે. સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, એના ત્યાં પણ ઇડીના અધિકારીઓ ગયા હતા. આ ઉપરાંત કલેક્ટરના પીએની પણ આમાં ભૂમિકા હોવાની ચર્ચાં છે.