National

ટ્રેઈની ડોક્ટરનો જ્યાં રેપ થયો હતો કોલકત્તાની તે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ પર EDના દરોડા

નવી દિલ્હીઃ ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલા કોલક્તાના આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર આજે શુક્રવારે તા. 6 ઓગસ્ટની વહેલી સવારથી દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કોલકાતામાં 5 થી 6 સ્થળો પર EDના દરોડા કાર્યવાહી ચાલુ છે. આ દરોડા સંદીપ ઘોષ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોના ઠેકાણાઓ પર પાડવામાં આવી રહ્યા છે.

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આરજી કર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે EDએ સંદિપ ઘોષના ઘર સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓના ઘર પણ સામેલ છે.

આ અગાઉ CBIએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોની નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. ઘોષના સિક્યોરિટી ગાર્ડ અફસર અલી (44) અને હોસ્પિટલના સેલ્સમેન બિપ્લવ સિંઘા (52) અને સુમન હજારા (46)ની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા.

જણાવી દઈએ કે, હાઈકોર્ટે રેપ-મર્ડર કેસ અને હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિની તપાસ 13 ઓગસ્ટે સીબીઆઈને સોંપી હતી. આ દરમિયાન સીબીઆઈએ 2 સપ્ટેમ્બરે સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ, ઘોષને અલીપોર જજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને અને અન્ય ત્રણને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

પ્રિન્સિપાલ તરીકે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલી દ્વારા સંસ્થામાં ઘણા કેસોમાં નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં લાવારીસ મૃતદેહોની દાણચોરી, બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં ભ્રષ્ટાચાર અને બાંધકામના ટેન્ડરોમાં ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસ પહેલા આ મામલે તપાસ કરી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ પણ આ તપાસ પોતાના હાથમાં લીધી હતી.

કોલકાતા પોલીસે 19 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો
19 ઓગસ્ટે કોલકાતા પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ 24 ઓગસ્ટે તપાસ સંભાળી હતી. સંદીપ ઘોષની આ કલમો હેઠળ જ ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top