SURAT

અમદાવાદ, નાસિક, મુંબઈ સહિત સુરતમાં ઈડીના દરોડાઃ માલેગાંવના હવાલા કૌભાંડ સાથે છે કનેક્શન

સુરતઃ અમદાવાદ, મુંબઈ સહિત સુરતમાં આજે તા. 14 નવેમ્બરની સવારથી ઈડીના દરોડા પડ્યા છે. અંદાજે 23 ઠેકાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના માલેગાંવના રૂપિયા 100 કરોડના હવાલા કૌભાંડના કનેક્શનમાં આ દરોડા કાર્યવાહી થઈ રહી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માલેગાંવ ખાતે બોગસ બેન્ક એકાઉન્ટ્સ થકી કરોડો રૂપિયા સગેવગે કરવાના પ્રકરણમાં ઈડી દ્વારા હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આજે વહેલી સવારથી ઈડીની અલગ અલગ ટીમો દ્વારા દરોડા કાર્યવાહી શરૂ કરાઈ છે.

વધુમાં મળતી માહિતી અનુસાર માલેગાંવ ખાતે સિરાજ અહમદ નામના વ્યક્તિ દ્વારા ગરીબ અને અભણ લોકોને રૂપિયા અને નોકરીની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવ્યા બાદ સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. સિરાજે બેન્ક એકાઉન્ટ્સમાં 2200થી વધુ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. અંદાજે 112 કરોડ રૂપિયા આ વ્યવહારોથી સગેવગે કરાયા હતા.

માલેગાંવમાં ચા અને કોલ્ડ્રીંક્સની એજન્સી ધરાવતાં સિરાજ દ્વારા બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલવા માટે ગરીબ અને અભણ લોકોને ટાર્ગેટ કર્યા હતા. આરોપી દ્વારા રૂપિયાની લાલચ આપી ગરીબોના ડોક્યુમેન્ટ્સ મેળવ્યા બાદ માલેગાંવ નાસિક મર્કેન્ટાઈલ બેન્કમાં અસંખ્ય બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા હતા. તેના થકી 100 કરોડ રૂપિયાથી વધુ રકમ સગેવગે કરાઈ હતી.

ઈડીને જાણ થતાં સિરાજ અહમદના ઘર-ઓફિસ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સિરજ અને તેના સાગરિતોની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આ સ્કેમમાં બેન્કના અધિકારીઓથી માંડીને અન્ય આરોપીની સંડોવણીની આશંકા હતી, તેના પગલે આજે સવારથી સુરત, અમદાવાદ, નાસિક સહિત મુંબઈમાં 23 સ્થળોએ દરોડા પાડ્યા છે. માલેગાંવ નાસિક મર્કન્ટાઈલ બેન્કના અધિકારીઓની પણ આ સ્કેમમાં ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા થઈ રહી છે.

Most Popular

To Top