નવી દિલ્હીઃ મતદાનના એક દિવસ પહેલાં આજે તા. 12 નવેમ્બરને મંગળવારના રોજ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક ઠેકાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને પગલે ચકચાર મચી ગઈ છે. ઈડીએ ઝારખંડના રાંચી અને પાકુરમાં દરોડા પાડ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. EDએ ઝારખંડ અને બંગાળમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા છે.
ઝારખંડમાં ઇડી સતત કાર્યવાહી કરી રહી છે . હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરી સંબંધિત મની લોન્ડરિંગની તપાસ માટે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. આ અગાઉ ઈડીએ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશી મહિલાઓની ઘૂસણખોરીના મામલામાં પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો. આ જ કેસના સંદર્ભમાં આ દરોડો પાડવામાં આવી રહ્યો છે.
ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ગરમ છે
ઝારખંડમાં ચૂંટણી દરમિયાન ભાજપ જોર જોરથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવી રહી છે. ખુદ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ હેમંત સોરેન સરકાર પર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનો આરોપ છે કે ઘૂસણખોરોને સ્થાયી કરીને આદિવાસી વિસ્તારોની વસ્તી બદલવામાં આવી રહી છે.
આવતીકાલે પ્રથમ તબક્કાની ચૂંટણી
ઝારખંડમાં 43 વિધાનસભા બેઠકો માટે બુધવારે 13 નવેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો માટે મતદાન થશે.