દેશની અર્થવ્યવસ્થાને (Economy) લઈને સારા સમાચાર છે. ભારતનો વિકાસ (India Growth) દર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2023)માં જીડીપી (GDP) 8.4 ટકા નોંધવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્પાદન, ખાણકામ અને બાંધકામ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે આ શક્ય બન્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરને લઈને નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડામાં આ વાત સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ 7.6 ટકા રહેવાનો અંદાજ છે. ડેટા અનુસાર આ નાણાકીય વર્ષ 2022-23ના 7 ટકાના સુધારેલા આંકડા કરતાં વધુ છે.
સમાચાર અનુસાર NSOએ જાન્યુઆરી 2024ની શરૂઆતમાં રજૂ કરેલા તેના પ્રથમ એડવાન્સ અંદાજમાં ચાલુ નાણાકીય વર્ષ માટે 7.3 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. એનએસઓએ 2022-23 માટે જીડીપી વૃદ્ધિને અગાઉના 7.2 ટકાના અંદાજથી 7 ટકા કરી હતી. અગાઉ ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% અને આગામી ક્વાર્ટરમાં 7.6%ના દરે વૃદ્ધિ પામ્યું હતું. આ પછી ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સંપૂર્ણ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના જીડીપી અનુમાનને 6.5 ટકાથી 7 ટકામાં સુધારવું પડ્યું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ નાણાકીય વર્ષ 2024 માં ભારત માટે 6.7 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં ધીમી વૃદ્ધિ છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે તેનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતા છે. IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર ચીન (4.6%), યુએસ (2.1%), જાપાન (0.9%), ફ્રાન્સ (1%), યુકે (0.6%) અને જર્મની (-0.5%) જેવી મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દેશે. હાલમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.