યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો તથા અન્ય કેટલાક દેશોએ રશિયા પર જે આર્થિક પ્રતિબંધો લાદવા માંડ્યા તેની બહુ ગંભીર અસર રશિયા પર નહીં થાય એમ શરૂઆતમાં લાગતું હતું, પરંતુ હાલ એવું લાગે છે કે આ પ્રતિબંધોની ધાર્યા કરતા ઘણી ગંભીર અસર રશિયાના અર્થતંત્ર પર થઇ રહી છે. અમેરિકા અને યુકે જેવા દેશોએ જે પ્રતિબંધો રશિયા પર લાદ્યા, ખાસ કરીને રશિયન બેન્કો પર જે પ્રતિબંધો લાદ્યા તેની વધુ ઘેરી અસર રશિયા પર થઇ રહી છે. ખાસ કરીને રશિયાનું ચલણ રૂબલ ખૂબ ગગડી ગયું છે અને તેના કારણે હવે રશિયાના સામાન્ય લોકોને સખત મોંઘવારી જેવા સંજોગોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આજે વિશ્વના લગભગ તમામ દેશોનું અર્થતંત્ર એવી સ્થિતિમાં છે કે તેમને સંપૂર્ણપણે સ્વાવલંબી કહી શકાય તેમ નથી. કોઇ પણ દેશના ચલણનું મૂલ્ય ગગડી જાય તો તે દેશના અર્થતંત્રને આવા સંજોગોમાં ભારે ફટકો પડે છે અને સખત ફુગાવો કે મોંઘવારી જેવા સંજોગોનો સામનો તેમને કરવો પડે છે, જે આપણે હાલ કેટલાક સમય પહેલા ઝિમ્બાબ્વેના કિસ્સામાં બરાબર જોઇ લીધું છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકા સહિતના અનેક દેશોએ રશિયા પર સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા તેના પછી રશિયન ચલણ રૂબલ ખૂબ ગગડી ગયું છે. આ ચલણ અમેરિકી ડૉલર સામે ૩૦ ટકા જેટલું ગગડી જતાં રશિયન પ્રજામાં ભારે ગભરાટ ફેલાયો છે. યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું તે પહેલા રૂબલ ડોલર સામે ૧૦૯ પર ચાલતો હતો, તેના કેટલાક દિવસ પહેલા તો રૂબલ ડોલર સામે ૯૦ પર જ ચાલતો હતો. આ રૂબલ હવે આંતરરાષ્ટ્રીય ચલણ સામે ૧૧૯ થઇ ગયો છે એટલે કે એક ડોલરના ૧૧૯ રૂબલ ચુકવવા પડે છે. રૂબલને વધુ ગગડતો રોકવા માટે રશિયાની મધ્યસ્થ બેન્કે વ્યાજ દર ૯.પ ટકા પરથી વધારીને ૨૦ ટકા કરી નાખ્યો છે. રશિયન સેન્ટ્રલ બેન્કના આ ઝડપી પગલાં પછી જો કે રૂબલનો વિનિમય દર થોડો સુધર્યો હોવાનું કહેવાય છે.
વિશ્લેષકો કહે છે કે રૂબલનું મૂલ્ય ખૂબ ગગડી જવાનો અર્થ એ કે સરેરાશ રશિયન પ્રજાજનનું જીવન ધોરણ કથળશે. રશિયનો હજી પણ અનેક આયાતી વસ્તુઓ પર આધાર રાખે છે અને રૂબલ ગગડતા આ આયાતી વસ્તુઓ ખૂબ મોંઘી બની શકે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહેલ રશિયાનું ચલણ રૂબલ સખત રીતે ગગડી ગયા બાદ ગભરાયેલા લોકોએ બેન્કો પર અને એટીએમ બૂથો પર નાણા ઉપાડવા માટે લાઇનો લગાવી હતી. લોકોને ચિંતા છે કે પ્રતિબંધોની સખત અસર તેમના દેશના અર્થતંત્ર પર થશે અને તેમણે બેન્કોની શાખાઓ અને એટીએમ્સ પર સોમવારે તો ભારે ધસારો કર્યો હતો, જેમાં સોશ્યલ મીડિયા પર એવા પણ અહેવાલો હતા કે મશીનોમાં નાણા ખૂટી ગયા છે. સોમવારે સવારના સોદાઓમાં રૂબલ ગગડીને ડોલર સામે ૧૧૯ પર પહોંચી ગયો હતો.
યુક્રેન પર આક્રમણ પહેલા તનાવના દિવસોમાં તે ૧૦૯ પર ચાલી રહ્યો હતો, જેના પહેલા ડોલર સામે ૯૦ રૂબલ જ ચુકવવા પડતા હતા. ખાસ કરીને પશ્ચિમી દેશોના પ્રતિબંધોના પછી રૂબલ સખત રીતે ગગડી ગયો છે અને રૂબલને વધુ ગગડતો અટકાવવા માટે રશિયાની મધ્યસ્થ બેન્કે વ્યાજનો દર નોંધપાત્ર વધારી દીધો હોવા છતાં અર્થતંત્ર કથળવા અંગેનો રશિયનોનો ગભરાટ ઓછો થયો નથી. વિષ્લેશકો ભય વ્યક્ત કરી રહ્યા છે કે આગામી દિવસોમાં રશિયનો સખત મોંઘવારીનો સામનો કરી શકે છે અને તેમને આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં પણ મુશ્કેલીઓ પડી શકે છે. રશિયન બેન્કો પર પ્રતિબંધો ઉપરાંત આ બેન્કોને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ સ્વીફ્ટમાંથી પણ બાકાત કરવામાં આવી છે આથી આંતરરાષ્ટ્રીય નાણા તબદીલી વ્યવહારોમાં પણ રશિયન બેન્કોને મુશ્કેલીઓ પડી શકે છે.
રશિયા પર આર્થિક પ્રતિબંધોની બહુ અસર નહીં થાય તેવું શરૂઆતમાં લાગતું હતું પરંતુ ધાર્યા કરતા વધુ અસર ત્યાં જણાઇ રહી છે. ચીન જેવા દેશો તરફથી રશિયાને પૂરતો ટેકો છે અને પરિણામે પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોની નહીંવત અસર રશિયન અર્થતંત્ર પર થશે એવી ધારણા હતી પરંતુ આ ધારણા ખોટી પડતી હાલ તો જણાય છે. રશિયામાં જે સ્થિતિ સર્જાઇ છે તેના અનેક કારણો અને કેટલાક આગવા કારણો હોઇ શકે છે. રશિયા ઇંધણ સહિત અનેક બાબતોમાં સ્વાવલંબી હોવા છતાં રશિયન પ્રજા તેની અનેક વપરાશી વસ્તુઓ માટે વિદેશી વસ્તુઓ પર વધુ આધાર રાખે છે એમ કહેવાય છે અને આ બાબત પણ રશિયાના અર્થતંત્રમાં ગભરાટ સર્જવા માટે કારણભૂત હોઇ શકે છે. જો સમયસર યોગ્ય રીતે ક્રાઇસીસ મેનેજમેન્ટ કરીને સ્થિતિને સાચવી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રશિયામાં સ્થિતિ વધુ બગડી શકે છે. યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા વિજેતા પણ બને તો પણ તેને આર્થિક મોરચે આગામી દિવસોમાં કપરા સંજોગોનો સામનો કવો પડે તેવું હાલના સંજોગો પરથી જણાઇ રહ્યું છે.