પ્રતાપ રોડ તરીકે ઓળખાતા બારડોલી–વિહાણ રોડ પર વસેલું બારડોલી (Bardoli) તાલુકાનું આર્થિક જ નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને સહકારી ધોરણે પણ સમૃદ્ધ એવા ખરવાસા ગામની સુવિધા શહેરોને પણ શરમાવે તેવી છે. પાટીદાર સમાજના ઘરદીઠ એનઆરઆઈ (NRI) હોય તેમનો પણ ગામના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. ગાયકવાડી સ્ટેટમાં પડતું હોવાથી ખરવાસા (Kharvasa) ગામ અન્ય ગામો કરતાં સામાન્ય પ્રાથમિક સુવિધા પહેલાથી જ વિકસીત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
પાટીદારોનું વર્ચસ્વ ધરાવતું આ નાનકડું ગામ 267 હેક્ટરમાં પથરાયેલું છે. ગામના વડીલ અને સહકારી અગ્રણી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલના કહેવા મુજબ અહીં વસતા લેઉવા પાટીદારો મૂળ ખેડા જિલ્લાના કેશોર ગામના વતની હતા. લગભગ પોણા ત્રણસો વર્ષ અગાઉ ઇ.સ.1734માં કેશોરથી હિજરત કરી આવેલા લેઉવા પાટીદારના પરિવારો અહીં વસ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ બાબેન નજીક આવેલ જ સિમરક ગામ હાલ ઉજ્જડ ગામ છે ત્યાં વસતા પાટીદારોએ પણ ખરવાસાને જ પોતાની માતૃભૂમિ બનાવી દીધી હોવાની લોકવાયકા ચાલી આવે છે.
હાલ ગામમાં પાટીદાર ઉપરાંત હળપતિ, રાજપૂત, આહીર સમાજના લોકો સુખશાંતિથી રહે છે. ગાયકવાડી સ્ટેટના શાસન બાદ વર્ષ 1953-54ની આસપાસ ગામના યુવાનોએ આર્થિક પ્રગતિ માટે ઈંગ્લેન્ડ તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે આજે પાટીદારોના અનેક પરિવારો ઈંગ્લેડ, યુએસએ, કેનેડા સહિતના દેશોમાં સ્થાયી થયા છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં અહીંના લોકો મૉટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યાં સ્થાયી થયેલા લોકો આજે પણ વતનને ભૂલ્યા નથી અને વારે તહેવારે કે જ્યારે પણ ગામને જરૂર જણાય ત્યારે વિદેશથી તાત્કાલિક મદદ મોકલી ગામનું ઋણ અદા કરી રહ્યા છે.
માત્ર સાત ધોરણ સુધી ભણેલા ભીખાભાઈ પટેલ સહકારી ક્ષેત્રે કોર્પોરેટ જગતના CEO કે MDને પણ શરમાવે એવા ધુરંધર
ભીખાભાઇ પટેલની વાત કરવામાં આવે તો 19 જાન્યુઆરી-1951ના રોજ ખરવાસાના ખેડૂત ઝવેરભાઈ નરસિંહભાઈ પટેલ અને પાર્વતીબેન ઝવેરભાઈ પટેલના ઘરે તેમનો જન્મ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કરનાર ભીખાભાઈ પટેલ આજે મોટા કોર્પોરેટ જગતના CEO કે MDને પણ શરમાવે એ રીતે ગામથી લઈ રાષ્ટ્રીય લેવલ સુધી સહકારી ક્ષેત્રનો વહીવટ કરી રહ્યા છે. તેમણે પોતાની સહકારી કારકિર્દીની શરૂઆત ગામની જ દૂધમંડળીમાં માનદ ઓડિટર તરીકે કરી હતી. આજે પાંચ દાયકા બાદ આ વિસ્તારના લોકો તેમને સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખી રહ્યા છે. સુરત જિલ્લામાં તો તેઓ 4500થી વધુ મંડળીના બનેલા સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે છેલ્લાં 23 વર્ષથી સતત કાર્યરત છે. તેમણે શરૂઆતમાં 1970થી 1996 સુધી સંસ્થા કોંગ્રેસ અને જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. 1972માં ખેડૂત સમાજની પ્રવૃત્તિમાં સક્રિય કામગીરી કરી હતી. 1975માં કટોકટી વખતે પણ જેલવાસ ભોગવ્યો હતો. હાલ તેઓ સરદાર બારડોલી તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ મંડળીના 2001થી ચેરમેન, વર્ષ 2000થી આજપર્યંત સ્વરાજ આશ્રમના પ્રમુખ તરીકે, બારડોલી એપીએમસીના પ્રમુખ તરીકે, બારડોલી પ્રદેશ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વર્ષ 2010થી કૃષક ભારતી કો-ઓપરેટિવ લિ.માં પણ આજપર્યંત ડિરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેંટ ગાંધીનગરમાં ડિરેક્ટર ઉપરાંત સરદાર મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી તરીકે પણ હાલ પોતાની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અન્ય અનેક સહકારી, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભીખાભાઇએ કૃષિ અને સહકારિતાના અભ્યાસ અર્થે 21થી વધુ દેશોનો પ્રવાસ કરી અહીંના સહકારી ક્ષેત્રના સુધાર તેમજ કૃષિ અને સહકારી ઉદ્યોગોમાં નવી ટેક્નોલોજી માટે સતત તત્પર રહ્યા છે. તેમને ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મિલેનિયમ એવોર્ડ નેપાળ 2007, ઇન્ટરનેશનલ કોહિનૂર એવોર્ડ બેંગકોક 2007, સહકાર રત્ન એવોર્ડ ઇફકો, શાલીન માનવ રત્ન એવોર્ડ-અનુપમ મિશન મોગરી, લેઉવા પાટીદાર સમાજ બારડોલી તરફથી સહકાર રત્ન એવોર્ડ, જલારામ ટ્રસ્ટ બારડોલી તરફથી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ફોટો: ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ
ભીખા પટેલ અને રમણ પટેલની જોડી એટલે ગામનું ઘરેણું
ખરવાસા એ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ અને રમણભાઈ સુખાભાઈ પટેલનું જાણે પર્યાય બની ગયું છે. ખરવાસાનું નામ આવે એટલે દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ભીખાભાઈ અને રમણભાઈનું નામ અવશ્ય લેવાય. આ બંને જોડીએ સહકારી અને શૈક્ષણિક જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ રાજ્યથી લઈ રાષ્ટ્રીય લેવલે પણ સારું એવું કાઠું કાઢ્યું છે. સાવ સામાન્ય કુટુંબમાંથી આવેલા આ ખેડૂતપુત્રો આજે ગામનું ઘરેણું બની ચૂક્યા છે.
કદાવર સહકારી નેતા રમણલાલ પટેલ
સહકારિતા બાબતે ક્યારેય બાંધછોડ નહીં કરતાં રમણલાલ પટેલને સહકારિતાના એક કદાવર નેતા તરીકે ઓળખવામાં આવે છે. 1-1-1943ના રોજ જન્મેલા રત્ન રમણલાલ પટેલની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1967થી ગામના સરપંચ તરીકે પોતાની જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકીય સફરમાં 25 વર્ષ સુધી બિનહરીફ ગામના પ્રથમ નાગરિક તરીકે સેવા આપ્યા બાદ અનામત રોસ્ટરને કારણે સરપંચ પદ ખાલી કરી તાલુકા પંચાયતમાં ઝંપલાવ્યું હતું. અને 1975થી 1980 સુધી તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી. ત્યારબાદ 1988માં બારડોલી સુગર ફેક્ટરીના ડિરેક્ટર તરીકે ચુંટાઈ આવ્યા હતા. પ્રથમ વખત 11મી જૂન 1989ના રોજ બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. સતત દસ વર્ષ સુધી તેમની સુકાનીમાં સુગર ફેક્ટરીને નોંધપાત્ર સફળતા અપાવી હતી. જેમાં 7000 દૈનિકની પીલાણ ક્ષમતા ધરાવતા પ્લાન્ટને 10000 દૈનિકની ક્ષમતા ધરાવતો બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં સુગર ફેક્ટરી ફરતેની ઝૂપડપટ્ટી હટાવી રસ્તા પહોળા કરવામાં પણ તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું. ત્યારબાદ 2005માં ફરી વખત બારડોલી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળ્યું અને આજપર્યંત તેઓ એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે કાર્યરત છે. બારડોલી સુગર ફેક્ટરીની સાથે સાથે તેઓ વાલોડ તાલુકાના દાદરીયા ખાતે આવેલી કોપર કો-ઓપરેટિવ સુગર લીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કન્યા વિદ્યાલય અસ્તાન અને ઇસરોલી (તાજપોર) ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી છે. હાલમાં જ સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટીની રજત જયંતી પ્રસંગે તેમનું કેમ્પસમાં સ્ટેચ્યુ મૂકી હૃદયપૂર્વક સન્માન આપવામાં આવ્યું છે. તેઓ બારડોલી વિભાગ ગ્રામ વિકાસ કો-ઓપરેટિવ સોસાયટી લી.ના સ્થાપક અને પાયોનિયર બોર્ડ ઓફ ડિરેક્ટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બારડોલીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વર્ષ 1983 સતત કાર્યરત છે. તેઓ વર્ષ-1989થી બારડોલીની સૌથી મોટી સરદાર સ્મારક હોસ્પિટલના ટ્રસ્ટી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. હાલમાં તેઓ કેદારેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર મહાદેવ મંદરી ટ્રસ્ટના પ્રમુખ ઉપરાંત બારડોલી પ્રદેશ કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વાત કરવામાં આવે તો રમણલાલે ગુજરાત સ્ટેટ કો-ઓપ. માર્કેટિંગ ફેડરેશન, નેશનલ હેવી એન્જિનિયરિંગ કો-ઓપ. લિ, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કૃષકભારતી કો-ઓપ. લિ., સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર, નેશનલ એગ્રી કો-ઓપ. માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપ. સુગર ફેક્ટરીઝ સહિતની સંસ્થામાં અલગ અલગ સમયગાળા દરમિયાન બારડોલી વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ગામના વિકાસમાં NRIઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
વિદેશમાં વસેલા જ નહીં લોકો જ નહીં, પરંતુ અહીં રહેલા યુવાનો પણ ખરવાસા ગામ અને બારડોલી પ્રદેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. ખરવાસાને નેતાઓના ગામ તરીકે ઓળખી શકાય એમ છે. ખરવાસાએ બારડોલી વિસ્તારને સામાજિક, શૈક્ષણિક, સહકારીથી લઈ રાજકીય નેતાઓની ફોજ આપી છે. અને એટલે જ ખરવાસામાં નેતાગીરી કેમ આવી તેનો જવાબ આપતા ખરવાસા ગ્રામ સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ભુલાભાઈ પટેલ જણાવે છે કે, અહીંના લોકોના લોહીમાં જ નેતાગીરી વહે છે. અહીંથી નીકળેલો નેતા પર લોકોને વિશ્વાસ છે.
જે પણ વ્યક્તિ બારડોલી વિસ્તારના સહકારી, સામાજિક, શૈક્ષણિક કે પછી રાજકીય ક્ષેત્રમાં આગળ વધે છે તે ત્યાં જઈને પૂરતી લગન અને ધગશથી કામ કરે છે. પછી તે કોઈ પણ કામ હોય અને એટલે જ લોકો પણ ખરવાસા ગામના નેતાઓને પસંદ કરે છે. એક ધ્યેય લઈને ચાલતા હોય છે. જેનું ઉદાહરણ આપતા તેઓ વધુમાં કહે છે કે, આથી જ બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલ અને સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઇ ઝવેરભાઈ પટેલ આજે લોકોના દિલમાં રાજ કરે છે.
ખરવાસા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો રહ્યો છે. અહીં વસતા હળપતિ સમાજના લોકો મુખ્યત્વે ખેતમજૂરી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. આહીર સમાજ પણ પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવતો આવ્યો છે. જ્યારે પાટીદાર અને રાજપૂત સમાજના લોકો ખેતીનો વ્યવસાય કરી રહ્યા છે. બારડોલી સુગર ફેક્ટરી નજીક હોવાથી મોટા ભાગના ખેડૂતો રોકડિયા પાક તરીકે શેરડીનું જ વાવેતર કરે છે. તો કેટલાક ખેડૂતો ડાંગરના પાક પર પણ હાથ અજમાવી લેતા હોય છે.
ગામના અગ્રણી અને હાલમાં જ USAથી આવેલા કિરીટભાઇ પટેલ જણાવે છે કે, હાલમાં સહકારી ક્ષેત્રમાં એશિયામાં આગળ પડતી બારડોલી સુગર ફેક્ટરી જ્યારે શરૂ થવાની હતી ત્યારે તેના શેર ભંડોળ એકત્રીકરણ માટેની પ્રથમ સભા પણ ખરવાસાના જ સ્વ. નાથુભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ઘરે મળી હતી. જોગાનુજોગ આજે વર્ષોથી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે પણ ખરવાસાના જ વતની એવા રમણભાઈ સુખાભાઇ પટેલ સેવા આપી રહ્યા છે. જે અમારા માટે ગૌરવની બાબત છે.
આઝાદી બાદથી ગામમાં સરપંચ અને સભ્યો બિનહરીફ ચુંટાય છે
બહુ ઓછા ગામ એવા હશે જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડાતી હોય છે. પરંતુ ખરવાસાની વાત કરવામાં આવે તો અહીં તો પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદથી ચૂંટણી જ નથી થઈ. આ અંગે ગામ અગ્રણી અને ભાવિ ઉપસરપંચ એવા દીપકભાઈ અમથાભાઈ પટેલ જણાવે છે કે, ગામમાં બનાવવામાં આવેલી ગ્રામ વિકાસ સમિતિ દ્વારા જ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો નક્કી કરવામાં આવે છે. જે સર્વે ગ્રામજનોને માન્ય હોય અહીં ચૂંટણીનો પ્રશ્ન જ ઉપસ્થિતિ થતો નથી. હાલમાં જ સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ જેમાં અમારું ગામ સમરસ થયું છે અને ગામના સરપંચ તરીકે વિજયભાઈ રમણભાઈ હળપતિને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયતની બિનહરીફ થયેલી સમિતિ
વિજયભાઈ રમણભાઈ હળપતિ – સરપંચ
દીપકભાઈ અમથાભાઈ પટેલ – સભ્ય
મુકેશભાઈ નરેશભાઇ રાઠોડ – સભ્ય
જગદીશભાઈ ભાણાભાઈ હળપતિ – સભ્ય
દિવ્યાબેન બ્રિજેશભાઈ પટેલ – સભ્ય
પ્રીતિબેન શૈલેષભાઈ પટેલ – સભ્ય
રંજનબેન વિનોદભાઈ રાઠોડ – સભ્ય
રેખાબેન સન્મુખભાઈ રાઠોડ – સભ્ય
ભાવિનભાઈ સુરેશભાઈ ટેલર – સભ્ય
માલતીબેન છલાળિયા – તલાટી કમ મંત્રી
નોંધ : ઉપરોક્ત સરપંચ અને સભ્યોની હાલમાં જ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમણે હજી સુધી સત્તાવાર રીતે ચાર્જ લીધો નથી. આગામી દિવસોમાં સરકારના માર્ગદર્શન મુજબ નવી બોડી ચાર્જ સંભાળશે
લટકતા વાયરોથી મુક્ત બન્યું ફળિયું
વીજળી, ટી.વી. અને ઇન્ટરનેટનું અંડરલાઇન કનેક્શન સાથે સીસીટીવી અને સ્પીકરથી પાટીદાર ફળિયાને સજ્જ કરવામાં આવ્યું છે. તબક્કાવાર પાટીદારના તમામ ફળિયામાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. NRI અને લોકફાળાની મદદથી ગામમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગામ ઠેર ઠેર લટકતા વાયરોથી મુક્ત થશે. પ્રથમ તબક્કામાં એક ફળિયામાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં સીસીટીવી કેમેરાથી માંડી વીજળી, ટી.વી. કેબલ અને ઇન્ટરનેટના તમામ વાયરો અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા થોડા અંતરે સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેમાં સવાર અને સાંજના સમયે ભજન-ધૂન સહિતનું સંગીત વાગતું હોય છે.
ગામનાં ફળિયા
હળપતિવાસ
પટેલ ફળિયું
આહીરવાસ
મંદિર ફળિયું
બાવા ફળિયું
ડેરી ફળિયું
વસતીવિષયક માહિતી (2011)
કુલ વસતી – 1231
મહિલા – 590
પુરુષ – 641
સાક્ષરતા દર – 82.1%
ઘર – 265
અનુસૂચિત જનજાતિ – 630
ખરવાસાના ઊભરતા નેતાઓ
ખરવાસાની ભૂમિને નેતાઓની ભૂમિ તરીકે ઓળખીએ તો ખોટું નથી. હાલમાં પણ ખરવાસા ગામમાંથી બારડોલી અને સુરત જિલ્લાની સહકારી, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બારડોલી સહિત જિલ્લાની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અજિત પટેલ
ગામના અજિતભાઈ જગુભાઈ પટેલ હાલ સુમુલ ડેરી, આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી, જનતા સાર્વજનિક કેળવણી મંડળ, લેઉવા પાટીદાર સમાજ, સરદાર ડો-ઓપ.ક્રેડિટ સોસાયટી, ખરવાસા દૂધ મંડળી તેમજ ખરવસા ગ્રામ કમિટીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ હાલ બારડોલી તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે પણ કાર્યરત છે. હંમેશાં કોંગ્રેસના કબજામાં રહેતી વરાડ બેઠક પર ભાજપમાંથી અજીતભાઇએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો.
સહકારી અને રાજકીય ક્ષેત્રમાં કાઠું કાઢનાર દીપક પટેલ
ગામના દીપકભાઈ અમથાભાઈ પટેલે પણ સહકારી અને રાજકીય બંને ક્ષેત્રમાં સારું એવું કાઠું કાઢ્યું છે. તેઓ બારડોલી તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત ગામમાં સ્થાપવામાં આવેલી ખરવાસા સેવા સહકારી મંડળીના તેઓ સ્થાપક અને વર્તમાન પ્રમુખ તરીકે સતત કાર્યરત છે. બાબેન ખાતે આવેલ ખેડૂત સહકારી જિનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિ. બાબેન જીનના ઉપપ્રમુખ તરીકે પણ સ્થાન શોભાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં તેમને ઉપસરપંચ તરીકેની જવાબદારી આપવામાં આવનાર હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.
સંનિષ્ઠ સહકારી સંચાલક બાબેન જીનના જનરલ મેનેજર ભૂપેન્દ્રસિંહ સોલંકી
ગામના અન્ય એક યુવા આગેવાન ભૂપેન્દ્રસિંહ તખ્તસિંહ સોલંકી બાબેન ખાતે આવેલી ખેડૂત સહકારી જીનીંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિ. બાબેન જીનના જનરલ મેનેજર તરીકે છેલ્લાં 30 વર્ષથી કાર્યરત છે. તેઓ જનરલ મેનેજર પદની સાથે સાથે વિસ્તારની સામાજિક, શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. ખરવાસા મોવાછી પિયત મંડળીમાં મંત્રી તરીકે, બારડોલી સ્મશાન ભૂમિના ટ્રસ્ટી તરીકે, જનતા સાર્વજનિક કેળવણી મંડળના કમિટી સભ્ય તરીકે, ખરવાસા સેવા સહકારી મંડળીના કમિટી સભ્ય તરીકે, વાત્સલ્ય વિદ્યામંદિરના ટ્રસ્ટી તરીકે અને બારડોલી વિભાગ રાજપૂત સમાજના ટ્રસ્ટી ઉપરાંત પ્રમુખ તરીકે હાલ કાર્યરત છે. તેમને અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કિસાન રત્ન એવોર્ડ મુંબઈ 2005, અખિલ ભારતીય સહકાર ભારતીય રાષ્ટ્રીય એવોર્ડ ન્યૂ દિલ્લી 2006 અને સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ દ્વારા સંનિષ્ઠ સહકારી સંચાલકનો એવોર્ડ એનાયત થયા છે.
જિલ્લા પંચાયતનાં સભ્ય રોશન પટેલ
ગત વર્ષે થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વરાડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયેલા રોશનભાઈ અરવિંદભાઈ પટેલનું ભાવિ પણ એક નેતા તરીકે ઉજળું દેખાઈ રહ્યું છે. તેઓ હાલ જિલ્લા પંચાયતમાં વરાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગામના વિકાસમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હોવાનું ગ્રામજનોનું માનવું છે.
ગામમાં સુવિધાઓ
આંગણવાડી – 1
પેટા આરોગ્ય કેન્દ્ર – 1
ગેસ પાઇપલાઇન
લાઈબ્રેરી – 1
પ્રાથમિક શાળા (ધો.1થી 8) – 1
સસ્તા અનાજની દુકાન – 1
પાણીની ટાંકી – 2
બેન્ક – 1 (સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ.બેન્ક)
પોસ્ટ ઓફિસ – 1
ખેડૂતોને નાણાકીય વ્યવસ્થા સમયસર મળી રહે એ માટે કાર્યરત સેવા સહકારી મંડળી
ગામમાં 2017થી ખરવાસા સેવા સહકારી મંડળી કાર્યરત છે. સ્થાપક પ્રમુખ તરીકે કાર્યરત દીપકભાઈ પટેલ જણાવે છે કે, અમારી સંસ્થા ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર અને ધિરાણ આપવાનું કામ કરે છે. સંસ્થામાં 200 જેટલા સભાસદ છે. જેમને મંડળી દ્વારા કિસાન કેશ ક્રેડિટની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને દરેક ખેડૂતોને ખેતી માટે નાણાકીય વ્યવસ્થા સમયસર મળી રહે એ હેતુથી મંડળીની સ્થાપના કરવામાં આવી છે.
હળપતિ સમાજના લોકો સ્વસહાય જૂથથી પોતાની આર્થિક મુશ્કેલી દૂર કરે છે
ગામના હળપતિ સમાજની વસતી વધુ હોવા છતાં લોકો સંપીએ રહે છે. ગામના હાલમાં જ બિનહરીફ જાહેર થયેલા સરપંચ વિજયભાઈ રમણભાઈ હળપતિ જણાવે છે કે, ગામના પાટીદારોનો અમને સારો એવો સહકાર મળી રહે છે. તેમના થકી અમારા વિસ્તારમાં પણ સારો વિકાસ થયો છે. તેઓ જણાવે છે કે, અમે ફળિયામાં અલગ અલગ સ્વસહાય જૂથ ચલાવીએ છીએ. જેના થકી જેમને પણ પૈસાની જરૂર હોય તો વગર વ્યાજે લોન આપી તેમને મદદરૂપ થઈએ છીએ. રામદેવ પ્રગતિમંડળ નામના સ્વસહાય જૂથ વિષે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, દર મહિને 300–300 રૂપિયા ઉઘરાવીએ છીએ અને આમાંથી જો કોઈ સભ્યને આકસ્મિક પૈસાની જરૂર પડી તો વગર વ્યાજે લોન તરીકે આપીએ છીએ. ગામમાં આવાં અલગ અલગ જૂથ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.