સુરત એક સમયે દેશની આર્થિક રાજધાની હતું. કાળક્રમે તેનું આ સ્થાન મુંબઈએ છીનવી લીધું પરંતુ આગામી દિવસોમાં સુરત ફરી વિકાસના પંથે અગ્રેસર થશે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકાસની જે તાકાત છે તેને કેન્દ્ર સરકારે પારખી લીધી છે. કેન્દ્ર સરકારે આગામી 23 વર્ષમાં વિકાસનો માપદંડ દર્શાવતા ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન માટે દેશના ચાર શહેરોની પસંદગી કરી હતી. આ ચાર શહેરમાં મુંબઈ, વારાણસી, વિશાખાપટ્ટનમ અને સુરતની પસંદગી થઈ હતી. જોકે, અન્ય શહેરો પોતાનો ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવે તે પહેલા સુરતે પ્લાન તૈયાર પણ કરી દીધો. આ પ્લાનમાં સુરત શહેરથી શરૂ કરીને છેક ઉમરગામ સુધીના વિસ્તારોનો તેની ખાસિયત પ્રમાણે વિકાસ કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. આ માટે સુરતને ગ્રોથ હબ તરકે પણ રજૂ કરવામાં આવ્યું છે. જો આ પ્લાન પ્રમાણે વિકાસ થશે તો સુરતને ચાર ચાંદ લાગી જશે. જે વિકાસના આયોજનો કરવામાં આવ્યા તેમાં ડાંગમાં પુર્ણા વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરી અને વાંસદાનો નેશનલ પાર્કની સાથે સાથે ડાંગના બામ્બુ ફેસ્ટિવલ પણ કરાશે. ઉકાઈના કેચમેન્ટ એરિયાને પણ ડેવલપ કરાશે. રૂરલ ટુરિઝમ વધારાશે. પર્વતીય વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમનો વિકાસ કરાશે. તેમાં પણ સુરતને ખાસ કેવી રીતે વિકસાવાશે તે જોવા જેવું છે….
સુરતમાં ક્રુઝ ટુરિઝમનો વિકાસ કરાશે
સુરતમાં જળમાર્ગની પણ એટલી જ સુવિધા હોવાથી ક્રુઝ ટુરિઝમનો પણ વિકાસ કરવામાં આવશે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના આયોજન પ્રમાણે ક્રુઝ ટુરિઝમનો વિકાસ કરવા બે સર્કિટ બનાવાશે. પ્રથમ સર્કિટમાં સુરતથી દીવ, સોમનાથ, પોરબંદર, દ્વારકા અને માંડવી સુધી અને બીજી સર્કિટમાં સુરતથી દમણ, મુંબઈ અને ગોવા સુધીની ક્રુઝ સર્વિસ શરૂ કરાશે. 3થી 4 દિવસની આ ક્રુઝ સર્વિસમાં ડોકિંગ પોઈન્ટ સાથે ટુરિસ્ટો માટે અનેક એક્ટિવિટી હશે.
એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, હાઈવે, એરપોર્ટ અને સી-પોર્ટની વચ્ચે ત્રિકોણીય વિસ્તારમાં રહેલા સુરતમાં વિશાળ ગ્રોથ પોટેન્શિયલ…
સુરત એક એવું શહેર છે કે જેની ચારે તરફ કનેક્ટિવિટી છે. કદાચ સુરત દેશમાં એકમાત્ર એવું શહેર હશે કે જેની પાસે ત્રણેય દિશામાં જવા માટે હાઈવે છે. આ હાઈવેમાં દિલ્હી-મુંબઈ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, હજીરા-કોલકત્તા હાઈવે તેમજ સુરત-ચેન્નાઈ એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીજીએ કરેલી દાંડીકૂચના માર્ગ પર બનાવાયેલો દાંડી હાઈવે કે જે દાંડીથી અમદાવાદને જોડે છે. આટલું જ નહીં ડેડિકેટેડ રેલવે ફ્રેઈટ કોરિડોર સુરત પાસેથી પસાર થાય છે. સુરત પાસે ઈન્ટરનેશન એરપોર્ટ છે. સુરત પાસે હજીરા અને મગદલ્લા, એમ બે સી-પોર્ટ છે. આગામી દિવસમાં સુરતને જોડતી અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેન પણ દોડશે. સુરતની ફરતે હાઈવે અને સી તેમજ એરપોર્ટની જે જાળ છે તેમાં સુરત ત્રિકોણીયા પ્રદેશ તરીકે સમાઈ ગયો છે. આ કનેક્ટિવિટી એવી છે કે સુરતથી કોઈપણ દિશામાં જઈ શકાય છે. આ કનેક્ટિવિટી જ સુરતનો ગ્રોથ કરી રહી છે અને કરશે.
સુરતમાં એશિયાનું પ્રથમ ડિઝનીલેન્ડ બનશે
હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં જેવી રીતે ડિઝનીલેન્ડ બનાવવામાં આવ્યું છે તેવું જ ડિઝનીલેન્ડ સુરતમાં પણ બનાવવામાં આવશે. સમગ્ર એશિયાનું આ પ્રથમ ડિઝનીલેન્ડ બનશે. જેમાં અનેક થીમ પાર્કની સાથે સંખ્યાબંધ એક્ટિવિટીનો પણ સમાવેશ કરવામાં આવશે.
પારસી સર્કિટ પણ તૈયાર કરવામાં આવશે
દેશમાં પારસીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વસેલા પારસીઓના કલ્ચર, લેન્ડમાર્ક, ફુડ, ક્રાફ્ટ અને ફીલોસોફીને લોકો સમજી શકે તે માટે પારસી સર્કિટ તૈયાર કરવામાં આવશે. આ માટે 3 સર્કિટ નક્કી કરવામાં આવી છે. પ્રથમ સર્કિટમાં સુરતથી મુંબઈ (2થી 4 દિવસ), બીજી સર્કિટમાં સુરત શહેર (અડધાથી એક દિવસ) તેમજ ત્રીજી સર્કિટ નવસારી શહેર (અડધાથી એક દિવસ) રહેશે.
સુરતમાં હાઈ સ્પેન્ડિંગ ટુરિસ્ટો માટે બે બીચ હોટલ બનાવાશે
પ્લાનમાં સુરતમાં ટુરિસ્ટોને વધુ આકર્ષી શકાય અને વિશાળ દરિયાકાંઠાનો ઉપયોગ કરી શકાય તે માટે દરિયાકિનારે બે બીચ હોટલ બનાવાશે. આ બીચ હોટલ હાઈ સ્પેન્ડિંગ ટુરિસ્ટો માટે હશે. આ ઉપરાંત 15થી 20 બીજા રિસોર્ટ અને હોટલ બનાવાવમાં આવશે કે જે અલગ અલગ પ્રકારના પ્રવાસીઓ માટે કેટરિંગની સુવિધા આપી શકે.
દરિયાકાંઠાના બીચનો વિકાસ કરાશે
સુરતની નજીકમાં સુંવાલી, ઉભરાટ બીચ આવ્યા છે. આ બંને બીચનો પણ વિકાસ કરવામાં આવશે. બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ કરીને હાલના ગંદાગોબરા બીચની જગ્યાએ જેમ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવે છે તેમ બીચફ્ર્ન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે.
હેરિટેજ સાઈટનો રિયુઝ કરાશે
એક્સપેરિએન્શિયલ ટુરિઝમ હેઠળ સુરત તેમજ અર્બન રિજયનમાં આવેલી હેરિટેજ બિલ્ડિંગને હોટલ, વિલેજ, આર્ટિઝન સ્ટુડિયો, કલ્ચરલ સેન્ટર તેમજ ઈવેન્ટ વેન્યુસમાં તબદીલ કરવમાં આવશે. કે જેથી તેની જાળવણી થાય અને તેનો ફરી ઉપયોગ પણ કરી શકાય.