Business

વ્યાજના દરમાં વધારો છતાં વિશ્વમાં ઝડપભેર આર્થિક અને રાજકીય પરિવર્તનો કેમ થઇ રહ્યા છે?

વિશ્વમાં આર્થિક અને રાજકીય ક્ષેત્રે જેટ સ્પીડે ફેરફારો થઇ રહ્યા છે. વ્યાજદરના વધારા સતત ચાલુ છે. ગયે અઠવાડિયે અમેરિકા અને બ્રિટને આ ઘટનાક્રમ જારી રાખ્યો. વ્યાજના દરના વધારા છતા અમેરિકામા રોજગારીના આંકડા સુધારા તરફી છે. ઇઝરાઇલ અને બ્રાઝિલમા સરકારો બદલાઇ છે. ચીનની આર્થિક સ્થિતિ બગડતી જાય છે. પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે. ટવીટર અને સીલીકોન વેલીની આઇટી કંપનીઓમાં ઉચ્ચ કક્ષાના અમલદારો સહિત સ્ટાફની છટણી થવાની શરૂઆત થઇ છે. ભારતની આર્થિક પરિસ્થિતિ સુધારા તરફી છે.

બેંક ધિરાણ (છૂટક લોન સહિત) વધી રહ્યા છે જે વધતી માંગનો નિર્દેશ કરે છે. ગયે અઠવાડિયે દેશના વિદેશી હૂંડિયામણમાં છેલ્લા 13 મહિનાનો સૌથી મોટો વધારો થયો છે. ઓકટોબર મહિને ઉત્પાદન અને સેવાના ક્ષેત્રના પીએમઆઇ વધ્યા છે. તો જીએસટીની આવક અત્યાર સુધીની બીજા નંબરની સૌથી વધારે છે. ગાડીઓ માટેના વેઇટ લીસ્ટ મોટા થયા છે.
વિદેશી પોર્ટ ફોલિઓ મૂડી રોકાણનો ઇન્ફલો ફરી એકાવર ચાલુ થયો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે રાજકારણ ભર શિયાળે ગરમાશે એ ચોક્કસ છે. મુંબઇ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના નગારા પણ વાગવામાં છે. ‘આપ’ની વધતી જતી મહેચ્છાઓ અને દિલ્હી બહાર અન્ય રાજયો (ગુજરાત, પંજાબ)માં વધતાજતા વ્યાપને કારણે દેશની પોલીટીકલ અને ફીનાન્સીઅલ કેપીટલ (દિલ્હી અને મુંબઇ) કબ્જે કરવા માટે રાજકીય પક્ષોમાં હોડ જામે તે સ્વાભાવિક છે.

યુક્રેનના દક્ષિણના વિસ્તારોમાંથી રશિયાની પીછેહઠ ચાલુ હોવાના અહેવાલ છે. યુક્રેનિયનોને વીજળી અને પાણીનો પૂરવઠો પૂરો પાડતી માળખાકીય સવલતો પર રશિયાના મિસાઇલ્સ અને ડ્રોનના હુમલા ચાલુ છે. યુક્રેન આવા હુમલાઓને ‘એનર્જી ટેરરિઝમ’મા ખપાવે છે. એ જે હોય તે, વિશ્વના કોઇ દેશો (અમેરિકા અને ચીન સહિતના) કે મલ્ટીલેટરલ સંસ્થાઓ, સમૂહો રશિયાને સમજાવીને યુધ્ધ સમાપ્તિની જાહેરાત કરવા માટે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. રહી વાત રિઝર્વ બેંકના ભાવ વધારા અંગેના વલણની.

ભારતના મેક્રો-ઇકોનોમિક પેરામીટર્સ (ખાસ કરીને વિદેશી પોર્ટ ફોલિઓ મૂડી રોકાણનો ઇન્ફલો, સ્થિર થવા મથી રહેલ વિદેશી હૂંડિયામણ અને વધતી જતી માંગ, જીએસટીના ઉત્સાહપ્રેરક આંકડા) રિઝર્વ બેંકને ભાવ વધારાના અંકુશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે (વ્યાજના દર વધારવા માટે) સાનુકૂળ પરિસ્થિતિ સર્જી છે તેમ કહી શકાય. ભાવ વધારો રોકવામાં સતત નવ મહિના સફળન થતા સરકારને મોકલવાના કમ્યુનિકેશનમા અને ડિસેમ્બરની મોનેટરી પોલિસીની જાહેરાતમાં આનુ પ્રતિબિંબ પડવાની ધારણા રાખી શકાય.
મેક્રો-ઇકોનોમિક પેરામીટર્સ પર એક નજર

  1. દશેરા-દિવાળીની પૂર્વ સંધ્યાએ સપ્ટેમ્બર મહિને વ્યાજના વધતા જતા દર વચ્ચે પણ છૂટક લોનમાં 20 ટકાનો વધારો થયો (માર્ચ 2020મા મહામારીની શરૂઆત પછીનો સૌથી મોટો વધારો). હોમ લોન (જેનો હિસ્સો છૂટક લોનમાં 50 ટકા છેોમા 16 ટકાનો વધારો બીજી પર્સનલ લોન ટ્રાવેલ અને ટુરિઝમ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો માટેમા 24 ટકાનો વધારો. જે સ્પષ્ટપણે ગ્રાહકની વધી રહેલ માંગનો સૂચક છે.
    વપરાશની ટકાઉ ચીજવસ્તુઓની લોનમાં તો 61 ટકા જેટલો વધારો થયો.
    ગયા વરસના નીચા બેઇઝને કારણે સતત વધી રહેલ માંગને કારણે વૈશ્વિક સ્લોડાઉનને હંફાવીને ફીસ્કલ 23ના ઉત્તરાર્ધ ઓકટોબરથી માર્ચ 2023 છૂટક લોન માટેની માંગ વધતી રહેવાનું અનુમાન કરાય છે.
    20 ઓકટોબર મહિને ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝીંગ મેનેજર્સ ઇન્ડેકસ (પીએમઆઇ) લાંબા ગાળાની એવરેજ (53.7)થી ઉપર (55.3) હતો. સેવાના ક્ષેત્રનો ઓકટોબરનો પીએમઆઇ સપ્ટેમ્બર (છ મહિનાનો સૌથી નીચો) કરતા વધ્યો (55.1).
  2. રેલવે દ્વારા થતા માલસામાનના પરિવહનમાં (ફ્રેઇટ ટ્રાફિક) ફીસ્કલ 23ના પ્રથમ સાત મહિના (એપ્રિલ-ઓકટોબર)મા નવ ટકાનો વધારો (79 કરોડ ટનમાંથી 86 કરોડ ટન).
  3. યુપીઆઇ દ્વારા કરાતા સોદાઓમાં ઓકટોબર મહિને વધારો થયો. (8 ટકા) આ સોદાઓની કુલ કિંમત વધી (12 લાખ કરોડ રૂપિયા).
  4. જીએસટીની આવકમા ઓકટોબર મહિને વધારો (17 ટકા). કુલ આવક 1.52 લાખ કરોડ (જીએસટીના ઇતિહાસમાં મીડ 2017થી ઓકટોબર 2022) બીજા નંબરની સૌથી વધુ આવક. ઓકટોબર મહિને વધારાની ઝડપ ધીમી હોવા છતા ફીસ્કલ 23ની જીએસટીની આવકનું લક્ષય સિધ્ધ થઇ જવાની સંભાવના છે.
    જીએસટીની વધતી જતી આવક પણ માંગમાં થઇ રહેલ વધારાનું સૂચન કરે છે.
  5. કોર સેકટર ઇન્ડેકસ (જેમા કોલસો, સ્ટીલ, ક્રૂડ જેવા આઠ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.)મા સપ્ટેમ્બર મહિને આઠ ટકાનો વધારો (બે મહિનાના ઘટાડા પછી.)
  6. મૂડી ખર્ચના 50 ટકાના વધારા છતા અને ફૂડ અને ફર્ટિલાઇઝર સબસીડીના વધારા પછી પણ કરવેરાની આવકના વધારાને કારણે ફીસ્કલ 23ના પૂર્વાર્ધમાં ફીસ્કલ ડેફિસિટ આખા વરસના લક્ષયાંકના 37 ટકા જેટલી જ. (ફીસ્કલ22ના 6.7 ટકા સામે ફીસ્કલ 23માં ફીસ્કલ ડેફિસીટનું લક્ષયાંક જીડીપીના 6.4 ટકા) આ લક્ષયાંક જળવાઇ રહે અને સરકારનું વધારાનું બોરોઇંગ મર્યાદિત રહે તો વધતા જતા વ્યાજના દર મર્યાદામાં રહે.
  7. દસ મહિનાપછી સેન્સેકસે ફરી એક વાર 61000ની સપાટી કૂદાવી.
  8. કાર અને એસયુવી માટેનું વેઇટ લીસ્ટ આઠ લાખનું છે.
    દિવાળીના અઠવાડિયે ચલણમાં ફરતી નોટોનો ઘટાડો આવકાર્ય
    સતત વધી રહેલ ડિજિટલ પેમેન્ટ સીસ્ટમને કારણે વીસ વરસમાં પ્રથમ વાર દિવાળીના અઠવાડિયે ચલણમા ફરતી નોટોમા ઘટાડો થયો. (2009ના વરસે અપવાદરૂપે આર્થિક સ્લો ડાઉન અને વૈશ્વિક નાણાકીય કટોકટીને લીધે આઘટના બનેલ.
    આ વરસે દિવાળીના અઠવાડિયે ચલણમા ફરતી નોટોમાં 7600 કરોડ રૂપિયાનો ઘટાડો થયો (2020મા 43800 કરોડનોવ ધારોઅ ને 2021મા 44000 કરોડનો વધારો)
    આ ઘટાડાને કારણે બેંકોની ડિપોઝીટમા વધારો થાય છે જેને પરિણામે વધારે બેંક ધિરાણ આપી શકાય છે. ધિરાણની માંગ વધી છે એટલે ડિપોઝીટનો વધારો (ધિરાણ માટેની રકમનો વધારો) પણ વ્યાજના દર મર્યાદિત કરી શકે.
    ચલણમા ફરતી નોટોનો ઘટાડો રિઝર્વ બેંક દ્વારા કેશ-ડિપોઝીટ રેશિઓમાં કરાતા ઘટાડા જેવો ગણાય. આ ઘટાડાને કારણે પણ બેંકોની ડિપોઝીટ વધતા ધિરાણપાત્ર રકમનો વધારો થાય છે.
    પેમેન્ટ સીસ્ટમમાં રોકડનો હિસ્સો 88 ટકામાંથી ઘટીને 20 ટકા
    રિઝર્વ બેંક દ્વારા છપાતી ચલણી નોટોમા સતત વધારો થતો રહે છે. તો પણ ચીજવસ્તુઓની ખરીદી માટે કરાતી નાણાની ચૂકવણીમાં રોકડનો હિસ્સો છ વરસના ટૂંકા ગાળામાં 88 ટકા (ફીસ્કલ 16) માંથી ઘટીને માત્ર 20 ટકા જેટલો નજીવો (ફીસ્કલ 0.22) થયો છે. સ્ટેટ બેંકના અહેવાલ પ્રમાણે ફીસ્કલ 27મા તે ઘટીને માત્ર 11 ટકા થશે. ધીમે ધીમે ભારત જેમપાંચ ટ્રીલીયન અને દસ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર બનવા તરફ આગળ વધતુ જાય છે તેમ પેમેન્ટ સીસ્ટમમાં થઇ રહેલઆવા મોટા માળખાકીય ફેરફારો તેને ડિજિટલ પેમેન્ટ બાબતે પણ વિશ્વના પાંચ મોટા દેશોમાં સ્થાન અપાવે તો નવાઇ નહીં.
    ફેડનો સંકેત: વ્યાજના વધારાનો દર ધીમો પડશે, વ્યાજના દરનું અંતિમ લક્ષય ઉંચું જશે
    ગયે અઠવાડિયે ફેડરલ રિઝર્વે ચોથી વાર વ્યાજના દરમાં 75 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો જે ધારણા પ્રમાણે હોવાથી સ્ટોક માર્કેટોએ અગાઉ ડિસ્કાઉન્ટ થઇ ગયેલ આ વધારાને પચવી લીધો. ફેડના અધ્યક્ષે આ સાથે બે મજબૂત સંકેત આપ્યા. 1. વ્યાજના વધારાનો દર હવે પછીની એક કે બે જાહેરાત બાદ ધીમો પડશે. 2. પણ સબૂર! વ્યાજના દરનો ટોચનો બેંચ માર્ક અગાઉના લક્ષય કરતા ઉંચો હશે.
    આ જાહેરાત સાથે ભારતમાં બોંડ પરનો દર વધ્યો (7.49 ટકા) અને રૂપિયો થોડો તૂટયો (82.89).
    બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ બીજીવાર વ્યાજના દરમા 75 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો. આ બેંકે પણ ભાવ વધારાને લક્ષયાંક સુધી નીચો લાવવા માટે ભાવિના વ્યાજના દરના વધારાનો નિર્દેશ કર્યો છે.

    રિઝર્વ બેંકની હવે પછીની ચાલ
    રૂપિયાની કિંમત ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક ફેડને અનુસરીને વ્યાજના દર વધારવાની બાબતે આવતા વરસની શરૂઆતમાં પૂર્ણ વિરામ મૂકવાને બદલે આ વધારો લાંબા સમય માટે ચાલુ રાખશે. વધારાનો દર ઓછો હોઇ શકે. રેપોરેટ 6.5 ટકા સુધી વધારાશે એટલે કે હાલના રેટમાં તબક્કાવાર 60 બેસીસ પોઇન્ટો વધારો કરાશે. ડિસેમ્બરમા 35 બેસીસ પોઇન્ટનો વધારો થઇ શકે. ત્યારબાદ ભાવ વધારો નીચો આવવાની સંભાવના હોવાથી વધારાનો દર ઓછો થઇ શકે. જો કે તેનો મુખ્ય આધાર રૂપિયાની બાહ્ય કિંમતના ફેરફાર પર પણ રહેવાનો.

    વિકસિત દેશો દ્વારા અપનાવાયેલ આક્રમક મોનેટરી પોલિસીને રિઝર્વ બેંકના ગવર્નર ડો. દાસે કોવિડ અને રશિયા-યુક્રેન યુધ્ધ પછીના ત્રીજા મોટા આંચકા તરીકે ઓળખાવી છે. આ સંદર્ભમા રિઝર્વ બેંક ફેડ દ્વારા કરાતા ફેરફારોને અનુરૂપ પોલિસી દરના ફેરફાર કરતા જરાપણ નહીં અચકાય એવો ભરોસો તેના દ્વારા મોકલાવવાના કમ્યુનિકેશનમાં સરકારને આપશે એમ માની શકાય. મે મહિનાથી બેંકે કરેલ 190 બેસીસ પોઇન્ટનો વધારો થોડા ટાઇમ ગેપ સાથે આવતા છ મહિનામા માંગના ઘટાડામા પરિણમશે એવુ આશ્વાસન પણ રિઝર્વ બેંક સરકારને આપશે.
    ભાવ વધારો કેમ અંકુશમા ન રહ્યો એના પોસ્ટ મોર્ટમમાં નહીં પણ હવે તે માટે રિઝર્વ બેંક શું વિચારે છે અને કેવા પગલા લેશે તે પર બજારની નજર હોય તે સ્વાભાવિક છે. વધારામાં રિઝર્વ બેંક ભાવ વધારો કાબૂમાં લાવાવનું લક્ષય સિધ્ધ કરવા સરકારને પણ સાથે લેવાનું અને કરવેરા ઘટાડવાનું સૂચન કરે છે કે કેમ તે પણ એટલું જ મહત્વનું છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ (દર મહિને) અને અન્ય દેશોની કેન્દ્રવર્તી બેંકો તેમની સરકારોને આ બાબતે નિયમિત લખે જ છે. આપણે ત્યાં આ વિચાર નવે છે એટલે તે અંગેની આતુરતા વધારે હોય તે સ્વાભાવિક છે.

Most Popular

To Top