- ડિરેક્ટર : રંજન ચંડેલ
- કલાકાર : વામિકા ગબ્બી, ઝોયા હુસેન, પવન મલ્હોત્રા, પૂર્વા પરાગ
- રેટિંગ : 3 /5
ડિઝની હોટસ્ટાર ઉપર આઠ એપિસોડની સીરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે, અનુરાગ કશ્યપે લખનૌની ઝોયા હુસેનને તેની ફિલ્મમાં લોન્ચ કરી હતી અને ત્યારે ઝોયા હુસેન ચર્ચામાં આવી હતી. હવે ફરી ગ્રહણ વેબ સિરીઝને કારણે ઝોયા ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, ઝોયા બાદ વામિકાના ખુબ જ વખાણ થઈ રહ્યા છે, વામિકાના સહજ અભિનયે બધાનું મન મોહી લીધું છે.
ડિઝની હોટ સ્ટાર ઉપર રજૂ થયેલ આ વેબ સીરીઝ હિન્દી સાહિત્યના સુપરહિટ લેખક સત્યવ્યાસના ઉપન્યાસ ‘ચોરાસી’ ઉપરથી પ્રેરિત છે , આ વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશ – બિહાર બોર્ડર ઉપર આવેલા ‘બોકારો’ શહેરની વાત કરવામાં આવી છે, 1984 માં બોકારો શહેરમાં શીખ સમુદાયના શીખોના સંહારની પૃષ્ઠભૂમિમાં મનુ અને રિશીના પ્રેમની વાત છે. તમે નવલકથાને વાંચો અને રૂપેરી પરદે નિહાળો એમાં ફર્ક હોય છે , સાહિત્યમાં કથાકન ભિન્ન હોય છે અને રૂપેરી પરદે વિઝ્યુલાઇઝ થાય અને નરેટ થાય એ પેટર્ન બદલાય જાય છે. વેબ સીરીઝમાં જયારે નવલકથા કન્વર્ટ થાય ત્યારે ઓડિયન્સના ટેસ્ટ મુજબ એને રસપ્રદ બનાવવામાં આવે છે , નોવેલની સ્ટોરી મજબૂત હોય તો જયારે વેબના પરદે આવે તો પણ પ્લોટ સશક્ત જ રહેવાનો છે કારણકે મુળીયું જ મજબૂત છે એટલે છોડ નબળો ઉગવાનો નથી. ઓરીજીનલ નોવેલનું નામ ‘ચોરાસી’ છે પણ નામ બદલીને ‘ગ્રહણ’ કેમ કરવામાં આવ્યું છે તે બાબત સમજાય એમ નથી, હિન્દી બેલ્ટના ઓડિયન્સ વાંચનના શોખીન હોય છે એટલે ઓરીજીનલ નોવેલનું ‘ચોરાસી’ નામ રાખવામાં આવ્યું હોત તો વધુ અનુકૂળ હતું.
સ્ટોરી પ્લોટ
ઝારખંડના પાટનગર રાંચીમાં વર્ષ 2016માં એસ.પી અમૃતા સિંહને ઉત્તર પ્રદેશ – બિહાર બોર્ડર ઉપર આવેલ શહેર બોકારોમાં વર્ષ 1984માં થયેલ શીખ વિરોધી રમખાણની તપાસની જવાબદારી મળે છે , એસ.પી અમૃતા તપાસ શરૂ કરે છે ત્યાં એને ખબર પડે છે કે રિશી રંજન જ રમખાણનો આગેવાન હતો , બધાએ તેને જ જોયો હતો અને આ રિશી રંજન બીજો કોઈ નહિ પણ એસ.પી અમૃતાના પિતા ગુરૂસેવક સિંહ છે. શું શીખ વિરોધી રમખાણમાં શું સાચે રિશી શામેલ હતો? તો પછી તે ગુરૂસેવક કેવી રીતે બન્યો હતો. મંજીત છાબડા ઉર્ફ મનુનું શું થયું જેને તે પ્રેમ કરતો હતો? ગુરૂસેવક સિંહ પોતાની પ્રેમિકા મનુ અને બોકારો શીખ વિરોધી રમખાણના રહસ્ય પોતાના હૃદયમાં દબાવીને બેઠો છે, શું છે આ રહસ્ય આ જાણવા માટે તમારે આઠ એપિસોડની સીરીઝ જોવી પડશે.
પ્લસ પોઇન્ટ
આ વેબ સિરીઝમાં રાજકીય ઘટનાક્રમ, સરકારી દબાણ સિવાય સસ્પેન્સ થ્રિલર તડકા પણ છે અને સાથે સાથે મનુ અને રિશીનો પ્રણય સંબંધ,મનુ અને રિશીનો પ્રણય સંબંધ તમને તરો તાજા રાખશે, રિશી અને મનુ બંનેની કેમેસ્ટ્રી પણ ખુબ જામે છે. મનુ અને રિશીના પ્રેમનો માર્ગ પડકારભર્યો છે, અહીંયા તોફાની સમુદ્રને પાર કરવા જેવી બાબત છે અને તેમનો પ્રેમ તેમનું દુઃખ પણ તમને પીડા આપશે.
માઈનસ પોઇન્ટ
સીરીઝ રાઈટરે નોવેલના પાનાંને વેબ માધ્યમ ઉપર લાવવા માટે અને દર્શકોમાં રોમાંચ ઉભો કરવા માટે ચિયુંગ્મની જેમ વાર્તાના એપિસોડને વધુ પડતા લંબાવી દીધા છે એટલે તમને બોરિયત થશે. મોટેભાગે કહેવાય કે દેવ અને દાનવમાં દાનવની હાર થાય છે અને દેવોની જીત થાય છે, પણ અહીંયા ખરાબ તત્ત્વો જીતી જાય છે અને સજ્જનના ભાગે નિષ્ફ્ળતા આવે છે એ બાબત ઓડિયન્સને પણ હજમ થઇ નથી વળી તમે વેબના માધ્યમથી ખોટા સંદેશ પાઠવી રહ્યા છો કે જે ખરાબ છે તેનો જ વિજય થાય છે એટલે સોસાયટીમાં તમે ખોટા સંદેશ અને ખરાબ વિચારધારાનો પ્રસાર કરી રહ્યા છો.
– એશ દેસાઇ