આણંદ : સુરતની યુનિવર્સિટીમાં નવરાત્રિના પર્વને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અનુમતિ, સહમતી અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે આયોજન કર્યું હતું. આ દરમિયાન ગરબાના ગ્રાઉન્ડમાં યુનિવર્સિટી પ્રશાસનની મંજૂરી વગર સુરતની પોલીસ ઘુસી આવી હતી અને તેમણે ગુંડાગર્દી તથા દાદાગીરી કરી હતી. આ બાબતે આણંદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરી હતી.
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈન અનુસરીને નવરાત્રિની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન સુરતની પોલીસ ગ્રાઉન્ડમાં પરમિશન વગર આવી ગઈ હતી અને દાદાગીરી કરી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આણંદના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આક્ષેપ કર્યો હતો કે, થોડા સમય પહેલા ગાંધીનગરમાં નાના બાળકના પ્રકરણને ઉકેલીને પોલીસને ખૂબ જ વાહવાહી મળી હતી.
પરંતુ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરતની ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કરણ મોદી અને પીએસઆઇ, કોન્સ્ટેબલ સહિત પોલીસ જવાનોએ નશાની હાલતમાં નિર્દોષ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ધરપકડ કરી હતી. આ ઉપરાંત કેસ કરીને જિંદગી પૂરી કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ પોલીસ કર્મીઓ સામે જલ્દીથી કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે ચોવીસ કલાકની અંદર આ માંગ નહીં પૂરી કરવામાં આવે તો રાજ્યભરના વિદ્યાર્થીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે.