બોલેલા અવાજનું પાછું સંભળાવું તે પ્રતિધ્વનિ. વનકુંજમાં, તીર્થસ્થળના ઘુમ્મટમાં અને મોટા વાવ કૂવાદિ નવાણોમાં થતા અવાજની સામે વાતાવરણમાંથી સામો થતો અવાજ એટલે પ્રતિઘોષ, પડઘો કહેવાય. પહાડોમાં પડઘાનો અનુભવ સારી રીતે કરી શકાય. જે બોલો તેનો ફરીથી પ્રતિઘોષ મળે. માનવવ્યવહારમાં કોઈ આપણા માટે સારું કહે તે સૌને ગમે. બીજા આપણી વાહવાહ કરે તે વધુ ગમી જાય. કોઈ આપણું થોડું ઘસાતું બોલે તો પછી ગુસ્સો આસમાને પહોંચીને ગર્જના કરે. વ્યક્તિ પોતાની અકકડ છોડે નહિ ને બીજા નમે તેવી આશા રાખે. વિચારે કે વળી આપણે કંઈ નમવાનું હોય! મારું કહેલું જ થવું જોઈએ. નહિતર પછી જોવાજેવું થશે. બસ, આમ જ થાય. મને પૂછ્યા વિના કોઈ પણ કામ કર્યું છે તો પછી જોઈ લેજો-એમ વિચારે. આજકાલ આવી માન્યતા ધરાવનાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થતો જાય છે. શુભ પ્રસંગોમાં તો સૌ કુટુંબીજનો આવા સ્વભાવવાળી વ્યક્તિને સાચવી સાચવીને વ્યવહાર કરે. ક્યારેક પ્રસંગ બગડી જવાનાં દૃશ્યો જોવા મળે છે, જે બરાબર નથી. શુભ પ્રસંગોએ અવસરની શોભામાં અભિવૃદ્ધિ થવી જોઈએ. શાણા માણસો કહે છે: જેવા વર્તનની તમે અપેક્ષા રાખતા હો, એવું વર્તન તમે સામા પ્રત્યે કરો. માંગતાં પહેલાં આપો. તમે જે આપો છો એ જ પ્રતિધ્વનિત થઈને પાછું મળે છે. સુખ આપશો તો સુખ મળશે અને દુઃખ આપશો તો દુઃખ મળશે. જગત એક ઈકો પોઇન્ટ કે એક દર્પણ જેવું છે.બાવળ વાવીને ક્યારેય આંબાનાં મીઠાં ફળ પામી શકાતાં નથી. નમે તે સૌને ગમે છે. આંબાનાં વૃક્ષ પર ફળ આવતાં તે નીચું નમે છે. પ્રકૃતિ પણ સંદેશો આપે છે ત્યારે સ્વભાવમાં સુધારો કરી, નમે તે સૌને ગમે તેવું વર્તન કરવાનાં શ્રીગણેશ કરીએ તોય ઘણું.
નવસારી – કિશોર આર. ટંડેલ
પ્રતિધ્વનિત
By
Posted on