National

કોંગ્રેસ પરની ટિપ્પણીઓ બાદ KCR પાસે ECએ 18 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો, જાણો શું છે મામલો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમજ નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ દરમિયાન તેલંગાણાના (Telangana) પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, KCRની મુશ્કેલીઓ વધી ગઇ છે. ચૂંટણી પંચે તેમની કોંગ્રેસ વિષયક ટિપ્પણીઓને લઈને નોટિસ મોકલી હતી અને સમગ્ર મામલે 18 એપ્રિલ સુધીમાં તેમની પાસે જવાબ માંગ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચૂંટણી પંચે કેસીઆરને 5 એપ્રિલે સરસિલ્લામાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ જારી કરી હતી. પંચે તેમને 18 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં ટિપ્પણી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા જી નિરંજનની ફરિયાદ પર કાર્યવાહી કરતા પંચે કહ્યું કે કેસીઆરે 5 એપ્રિલે સરસિલ્લામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ટીકા કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

કમિશને એમ પણ કહ્યું કે કેસીઆરને તેમના ભાષણ અંગે અગાઉ ઘણી સલાહ અને સૂચનાઓ આપવામાં આવી હતી. પંચને 6 એપ્રિલના રોજ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજન તરફથી ફરિયાદ મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેસીઆરએ સરસિલામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર અભદ્ર, અપમાનજનક અને વાંધાજનક આરોપો લગાવ્યા હતા.

ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો લીધી?
સમગ્ર મામલે ચૂંટણી પંચે કડક શ્વરે કહ્યું હતું કે જો નિર્ધારિત સમયની અંદર KCR તરફથી કોઈ જવાબ નહીં મળે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત સાથે 16 માર્ચથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ત્યારથી EC દ્વારા લેવાયેલા પગલાંની પણ માહિતી આપી હતી.

ECએ કહ્યું હતું કે અત્યાર સુધીની કુલ ફરિયાદોમાંથી 51 ભાજપ તરફથી મળી છે, જેમાંથી 38 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ કોંગ્રેસ તરફથી 59 ફરિયાદો મળી હતી, જેમાંથી 51 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય પક્ષકારો તરફથી 90 ફરિયાદો મળી હતી જેમાંથી 80 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી પંચે એ પણ સ્ટષ્ટ કરી દીધુ છે, તે કોપઇ પણ પોલીટિકલ પાર્ટીના પક્ષમાં નથી. તે માત્ર ને માત્ર ભારતના નાગરિકો અને લોકશાહીના પક્ષમાં છે.

Most Popular

To Top