એક યુવાન ખૂબ જ તાકાતવર પહેલવાન હતો. રોજે રોજ કસરત કરી પોતાની જાતને તંદુરસ્ત રાખતો. પોતાની શક્તિ અને બળથી તે જાતે જ વાકેફ હતો. પરંતુ આ યુવાન પોતાની શક્તિ, પોતાની તાકાત સારા માર્ગે વાપરવાને બદલે ખોટા માર્ગે વાપરતો. અન્ય લોકોના બીજા સાથેના ઝઘડા માટે વચ્ચે પડી માર ધાડ કરતો. રોજે રોજ સવાર સાંજ કોઈને ને કોઈ સાથે ક્યાંક ને ક્યાંક મારામારી કરતો. દાદાગીરી કરતો. યુવાનના આવા વર્તાવથી તેની છાપ ચારે બાજુ ખરડાઈ રહી હતી. બધા મોટે ભાગે તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા.
યુવાનના વડીલોએ યુવાનને રોજ ઝઘડા ન કરવા, મારામારી ન કરવા માટે ખૂબ સમજાવ્યો પરંતુ યુવાનના વર્તનમાં કોઈ સુધારો થતો ન હતો. પહેલવાન યુવાન રોજે રોજ ઝઘડા કરતો, મારામારી કરતો. તેનો સ્વભાવ પણ રોજે રોજ વધુ ને વધુ ગુસ્સાવાળો થતો જતો હતો અને તે લોકોથી દૂર થતો જતો હતો. યુવાનને સમજાવવા માટે હવે તેના વડીલો પ્રખ્યાત ચિંતક સોક્રેટિસ પાસે ગયા. બધી પરિસ્થિતિ સમજાવી યુવાનની સતત ગુસ્સે થવાને કારણે,રોજેરોજ મારામારી કરવાને કારણે થતા નુકસાન વિશે યુવાનને સમજણ આપવા માટે વિનંતી કરી.
સોક્રેટીસે કહ્યું, ભલે તેને મારી પાસે મોકલજો. હું તેને સમજાવીશ. બીજે દિવસે સવારે યુવાન સોક્રેટિસને મળવા માટે આવ્યો. તેમણે યુવાનને જોયો. ઊંચા કદ કાઠી અલમસ્ત પહેલવાન જેવું શરીર. તેમણે યુવાનને પૂછ્યું, ‘તું બળવાન અને બહુ તાકાતવાળો છે પણ હવે હું તને જે પૂછું એનો ખૂબ જ વિચાર કરીને સમજણપૂર્વક મને જવાબ આપજે.’યુવાને કહ્યું, ‘હા પૂછો, તમે જે પૂછશો તેનો હું મારી સમજણ પ્રમાણે જવાબ આપીશ.’સોક્રેટીસે કહ્યું, ‘કોઈ તારા જેવો યુવાન જે ખૂબ તાકાતવર પહેલવાન હોય તે આવીને તને ગાલીગલોચ કરે, મુક્કો મારે તો તું શું કરે? તને કયું કામ અઘરું લાગે પેલા યુવાનને સામે મુક્કો મારવાનું કે પછી તે સમયે પોતાના બંને હાથ ખિસ્સામાં રાખી, શાંત રહી, તે જે બોલે તે સાંભળી લેવાનું અને હસીને આગળ વધી જવાનું?’ યુવાન બે ઘડી વિચારમાં પડી ગયો. પછી તેણે વિચારીને જવાબ આપ્યો.
બંને હાથ આવા સમયે ખિસ્સામાં રાખી મૂકવાનું કામ મને અઘરું લાગે કારણ કે હું તો પળવારમાં સામેવાળાને મુક્કો મારી સહેલાઈથી નીચે પાડી દઉં. મુક્કો મારવાનું કામ જ સહેલું પડે.સોક્રેટીસે કહ્યું, ‘મને તારો આ જવાબ હશે તેની તો ખબર જ હતી પણ હવે તું મને કહે કે તારા જેવા વીર બહાદુર યુવાને કેવું કામ કરવું જોઈએ? સાવ સહેલું કે અઘરું કામ કરવું જોઈએ. યુવાન બોલ્યો, આમ તો મને ચેલેન્જ લેવી ગમે છે એટલે અઘરું કામ જે હોય તો તે જ કરવું જોઈએ.’અને યુવાન પોતાનો જ જવાબ સાંભળીને વિચારમાં પડી ગયો.જવાબ સાંભળતાં જ યુવાનની આંખો ઉઘડી ગઈ અને યુવાને પછી ધીરજ, શાંતિ અને ક્ષમાના ગુણો કેવી રીતે મેળવવા તે વિશે સેક્રેટિસને જ માર્ગ દેખાડવાની વિનંતી કરી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
