ભાનુબા આખી કોલોનીમાં તેમના નાસ્તા માટે પ્રખ્યાત, પહેલાં આડોશી પાડોશી અને સગાં વ્હાલાંઓને હોંશે હોંશે પોતે જાતે બનાવેલા નાસ્તા પીરસતા અને બધાં વખાણ કરતાં એટલે તેઓ પોરસાતા અને રાજી થતાં.અચાનક જીવનસંજોગ બદલાયા અને તેમના પતિ ધંધામાં નુકસાન થવાને કારણે આઘાતથી મૃત્યુ પામ્યા. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. યુવાન દીકરી ધરા અને ભાનુ બા સામે હવે શું કરવું પ્રશ્ન થયો.એક રાત્રે બહુ વિચાર કરીને ભાનુ બાએ પોતાના નાસ્તા બનાવવાની આવડત અને શોખનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.તેમને નાસ્તા બનાવવાની, વેચવાની નાના પાયે શરૂઆત કરી.ધીમે ધીમે કામ સારું ચાલવા માંડ્યું અને મહેનત રંગ લાવી.ભાનુ બાએ પોતાના પગ પર ઊભા રહીને ઘરને સાચવી લીધું.
થોડાં વર્ષો બાદ યુવાન દીકરી ધરાનાં લગ્ન લીધાં.ધરાનાં સાસુ નીલાબહેન બહુ સારાં હતાં. તેમણે ભાનુબાને કહ્યું, ‘આજથી આપણે વેવાણ નહિ પણ બહેનપણી છીએ.કોઈ ચિંતા કરતાં નહિ.’ ભાનુ બાએ કહ્યું, ‘મારા વેવાણ સખી મને કોઈ ચિંતા નથી. દીકરી જમાઈનાં સપનાંઓ આપણે પૂરાં કરી શકીશું.’ ધામધૂમથી લગ્ન થયાં. લગ્ન બાદ એક દિવસ નીલાબહેને કહ્યું, ‘ભાનુબહેન, ઘણા વખતથી તમને એક વાત પૂછવી છે.’ ભાનુ બાએ કહ્યું, ‘પૂછો, આપણી વચ્ચે કયાં કોઈ પડદો છે.’ નીલાબહેને પૂછ્યું, ‘ભાનુબહેન, તમારા પતિના મૃત્યુનો આઘાત તમે જીરવી ગયાં અને વળી આવેલ આર્થિક મુસીબતને પણ પહોંચી વળ્યાં.આટલી હિંમત ક્યાંથી મેળવી?’ ભાનુ બા બોલ્યાં, ‘સખી, જો જીવનમાં દરેક સંજોગોની સામે લડવું હોય, ત્યારે હિંમત મેળવવાનો અને હિંમત ટકાવી રાખવાની મારી પાસે એક ફોર્મ્યુલા છે.’
નીલાબહેન બોલ્યાં, ‘એવી કઈ ફોર્મ્યુલા છે?’ ભાનુ બાએ કહ્યું, ‘જો જીવનમાં જે કંઈ પણ થાય તેનો સહજ સ્વીકાર કરી લેવો,જે કંઈ આપણું રહ્યું નથી , આપણી પાસે નથી તેના દુઃખને પકડી રાખવા કરતાં તે પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી તેને છોડી દેવું…મોહ છોડવાનો પ્રયત્ન કરવો અને આગળ જે થશે તે સારું થશે તેવો અડગ વિશ્વાસ રાખવો અને આગળ વધતાં રહેવું.મારા પતિના અચાનક મૃત્યુ બાદ મને લાગ્યું હતું કે મારી દુનિયા વેરવિખેર થઈ ગઈ પણ પછી મેં આ ફોર્મ્યુલા વિષે વિચાર્યું અને તેને જીવનમાં અપનાવી.મૃત્યુ સ્વીકાર્યું …આર્થિક મુશ્કેલીઓ સ્વીકારી ,લડવાનું નક્કી કરી હિંમત ભેગી કરી અને ધીમે ધીમે બધા સંજોગોનો સહજ સ્વીકાર કરતાં આગળ વધતી ગઈ.’ નીલાબહેન પ્રેમથી ભાનુ બા ને ભેટી પડ્યાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.