World

તિબેટમાં એક બાદ એક 6 ભૂકંપ, 53ના મોત, ભારતના આ પ્રદેશો પણ ધ્રુજ્યા

નવી દિલ્હીઃ નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશ શિજાંગમાં આજે તા. 7 જાન્યુઆરીને મંગળવારે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપ આવ્યા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું નુકસાન થયું છે અને લગભગ 53 લોકોના મોત થયા છે. તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.

ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે ઝિચાંગ ઓટોનોમસ રિજન (તિબેટ)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 53 લોકોના મોત થયા છે અને 62 લોકો ઘાયલ થયા છે.

ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે સિક્કિમ, અન્ય પૂર્વોત્તર રાજ્યો, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી શેરીઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી આવ્યા હતા.

ચીની મીડિયા અનુસાર ભૂકંપના કેન્દ્રની નજીક ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ છે. ચીનના જાહેર પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, ડીંગરી કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

કાઠમંડુની રહેવાસી મીરા અધિકારીએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, હું સૂઈ રહી હતી, અચાનક બેડ ધ્રુજવા લાગ્યો. મને લાગ્યું કે મારું બાળક પથારીને હલાવી રહ્યું છે. મેં બહુ ધ્યાન ન આપ્યું પણ બારી ધ્રૂજવાથી મને અહેસાસ થયો કે જોરદાર ધરતીકંપ આવ્યો છે. હું ઝડપથી મારા બાળક સાથે ઘરની બહાર દોડી ગયો અને ખુલ્લા મેદાનમાં ગયો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 6:35 વાગ્યે નેપાળ-તિબેટ સરહદ નજીક શિજાંગમાં 7.1ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો. આ તીવ્રતાના ધરતીકંપને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને તે ગંભીર નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. ચીનના અધિકારીઓએ તિબેટના બીજા સૌથી મોટા શિગાત્સે શહેરમાં ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી હતી.

એક કલાકની અંદર તે જ શિજાંગ વિસ્તારમાંથી વધુ 5 ભૂકંપ અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 અને 4.9 માપવામાં આવી હતી. ભારત અને યુરેશિયાની ટેક્ટોનિક પ્લેટો જ્યાં અથડાય છે ત્યાં ભૂકંપનું કેન્દ્ર હતું. આ ટેકટોનિક પ્લેટોના અથડામણને કારણે હિમાલયની રચના થઈ છે. આ પ્લેટોની અથડામણથી હિમાલયની પર્વતમાળામાં એટલો મજબૂત બલ્જ સર્જાય છે કે વિશ્વના કેટલાક સૌથી ઊંચા શિખરોની ઊંચાઈ બદલાઈ શકે છે.

સીસીટીવી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં શિગાત્સે શહેરની 200 કિમીની ત્રિજ્યામાં રિક્ટર સ્કેલ પર 3 કે તેથી વધુની તીવ્રતાવાળા 29 ભૂકંપ આવ્યા છે. જોકે આ તમામ ભૂકંપ મંગળવારે સવારે આવેલા ભૂકંપ કરતાં ઓછા શક્તિશાળી હતા. શિજાંગમાં આવેલા 7.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું અને તે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

Most Popular

To Top