SURAT

સુરતમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો અને લોકોને ખબર પણ ન પડી!

સુરત: સુરત શહેરમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. નવાઈની વાત એ છે કે ભૂકંપના આંચકા વિશે સુરતના લોકોને જાણ પણ થઈ નહીં. શહેરના લોકો ઊંઘતા રહ્યાં. કોઈને ખબર પણ નહીં પડી કે ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકા નોંધાયા ત્યારે આ વાત બહાર આવી હતી.

સુરતમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ 12.52 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8ની નોંધાઈ હતી. ઓછી તીવ્રતાના લીધે તેનો અનુભવ લોકોને થયો નહોતો. વળી, મોડી રાત્રિનો સમય હોવાથી લોકો ઊંઘમાં હોય ભૂકંપના આંચકા અનુભવાયા નહોતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ સુરતથી 27 કિ.મી. દૂર હજીરાના દરિયા કિનારામાં નોંધાયું છે.

સુરત બાદ કચ્છમાં આવ્યો ભૂકંપ
મોડી રાત્રે સુરતમાં ભૂકંપના આંચકા અનુભવયા બાદ શનિવારે બપોરે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. કચ્છનાં દુધઈ ખાતે બપોરે 1.51 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર રણ ઓફ કચ્છ લેક નજીક નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા અનુભવાયા રહ્યા છે. ત્યારે હવે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 11 દિવસમાં ભૂકંપના 8 આંચકા અનુભવાયા
રાજ્યમાં છેલ્લાં 11 દિવસથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. વીતેલા 11 દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં કુલ 8 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ શુક્રવારે રાત્રે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ અગાઉ 7 વાર 3ની તીવ્રતાથી ઓછા આંચકા અનુભવાયા હતા, જેમાં કચ્છના ભચાઉમાં ગુરુવારે ભૂકંપ આવ્યો હતો, તેની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ સિવાય મોટા ભાગના આંચકા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ અનુભવાયા હતા. વીતેલા 11 દિવસની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ અમરેલીમાં 2.8ની તીવ્રતા, 4 ફેબ્રુઆરીએ અમરેલીમાં 3.2 અને ગોંડલમાં 2.5ની તીવ્રતા, 5 ફેબ્રુઆરીએ ભચાઉમાં 3.1ની તીવ્રતા, 6 ફેબ્રુઆરીએ અમરેલીમાં 3.2ની તીવ્રતા, 8 ફેબ્રુઆરીએ ભચાઉ-કચ્છમાં 3ની તીવ્રતા, 9 ફેબ્રુઆરીએ દુધઈ-કચ્છમાં 3ની તીવ્રતા અને કાલે 11 ફેબ્રુઆરીએ સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

Most Popular

To Top