World

મ્યાનમારમાં ફરી ભૂકંપના આંચકા, 5.1 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી, અત્યાર સુધી 1000 થી વધુના મોત

શનિવારે બપોરે 2:50 વાગ્યે મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ રીતે 2 દિવસમાં 5 થી વધુ તીવ્રતાના ત્રણ ભૂકંપ આવ્યા છે. શુક્રવારે આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારમાં ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધી 1000થી વધુના મોત થયા છે. મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ આશંકા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂકંપના આંચકા થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા.

શનિવારે (29 માર્ચ, 2025) મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) ના અહેવાલ મુજબ દેશમાં આવેલા ઘાતક ભૂકંપના એક દિવસ પછી 5.1 ની તીવ્રતાનો નવો ભૂકંપ અનુભવાયો હતો.

મ્યાનમારની રાજધાની નેપીતા નજીક બપોરે 2.50 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે તાજેતરના ભૂકંપના આંચકાઓને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેપીતામાં છેલ્લો ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે અધિકારીઓ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરી રહ્યા હતા, જ્યારે શહેરના મોટાભાગના ભાગોમાં વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ હતી. તેવા સમયે બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલી આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રએ રાહત કાર્યક્રમ શરૂ કરવા માટે મ્યાનમારને 5 મિલિયન ડોલર (રૂ. 43 કરોડ) આપ્યા. રશિયાના કટોકટી મંત્રાલયે 120 બચાવ કાર્યકરો અને આવશ્યક પુરવઠો ધરાવતા બે વિમાનો મોકલ્યા. ચીની બચાવ ટીમ સૌથી પહેલા પહોંચી. હોંગકોંગ, સિંગાપોર અને મલેશિયા પણ બચાવ ટીમો મોકલશે. જ્યારે ભારતે પણ પોતાની બચાવ ટીમ અને રાહત સામગ્રી મ્યાનમાર મોકલી દીધી છે.

Most Popular

To Top