કેવડિયા સરદાર સરોવર નજીક 43 દિવસ બાદ ફરી ભૂકંપ – Gujaratmitra Daily Newspaper

Gujarat

કેવડિયા સરદાર સરોવર નજીક 43 દિવસ બાદ ફરી ભૂકંપ

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર હોવા છતાં ડેમ અને SOUને 2.7 ની તીવ્રતાના ભૂકંપથી કોઈ જોખમ નથી. આંચકાની સ્થાનિકો અને SOUના પ્રવાસીઓને કોઈ અમુભતી થઈ ન હતી.

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે શુક્રવારે 12.58 કલાકે 2.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 34 KM દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ ઉપર 2.7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અંગે કેવડિયાના રહીશો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને કોઈ ખ્યાલ કે અસર અનુભવાય ન હતી.

જોકે, નર્મદા ડેમને કોઈ ખતરો નથી. કારણ કે, નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મળસકે 12:58 કલાકે કેવડિયામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે.

કેવડિયા વિસ્તારમા ગત 8 જુલાઇએ 43 દિવસ પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી 50 કિમી નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં 50 વર્ષમાં 26 આંચકા
ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિતેલાં 50 વર્ષમાં 26 ભૂકંપના આંચકા નોંધાયા છે. ડેમના નિર્માણ બાદ નદી નીચેથી પસાર થતી ફોલ્ટ લાઈન સક્રિય થઈ જતાં અવારનવાર ભૂકંપના આંચકા આવ્યા કરે છે. હાલ રક્ષાબંધનને 2 દિવસનો જ સમય બાકી છે. ત્યારે ગત વર્ષે પણ રક્ષાબંધનને જ ભરૂચ અને નર્મદાની ધરા ધ્રૂજી ઊઠી હતી

Most Popular

To Top