વહેલા આવી પહોંચેલા વરસાદને લીધે ઠંડક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી છે, પરંતુ આ વહેલો વરસાદ ખેડૂતોને પસંદ પડ્યો નથી. હાલમાં ડાંગરની સિઝન હોય ખેડૂતોએ ડાંગર સુકવવા મુક્યો હતો, જે વહેલા વરસાદમાં ભીંજાઈ ગયો છે, જેના લીધે ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે. આજે સવારે ખેડૂતોએ ભીંજાયેલો ડાંગર લઈ મંડળીમાં જમા કરાવવા દોટ મુકતા મંડળી બહાર ટ્રેક્ટરની લાંબી લાઈન જોવા મળી હતી.
સુરત જિલ્લાની ડાંગર ખરીદી મંડળી ધ પુરુષોત્તમ ફાર્મર કો-ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ બહાર 1 કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની લાઈન જોવા મળી હતી. ખેડૂતોએ કહ્યું કે સવારે 6 વાગ્યાથી મંડળી બહાર ઉભા છે, પરંતુ હજુ સુધી અંદર જવાની મંજુરી મળી નથી.
ખેડૂત હિતેશભાઈએ જણાવ્યું હતું કે, અંદર જગ્યા નથી એટલે અમે બહાર ઊભા છીએ. અમને લાઇનમાં ઊભા રહેવા માટે ટ્રેક્ટર મૂકવાનું કહેવામાં આવ્યું છે. ધીમે ધીમે ટ્રેક્ટર અંદર જાય છે, એટલે અમારો વારો આવશે. ખેડૂતોનું કહેવું છે કે, ગોડાઉનમાં જગ્યા જ નથી. અમે તાડપત્રી ઢાંકીને ડાંગર બચાવવાનો પ્રયાસ કરીએ છીએ.
આ તરફ મંડળી ભીંજાયેલો ડાંગર લેવા તૈયાર નથી. મંડળીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે ભીંજાયેલી ગુણના લીધે અન્ય સુકી ગુણ પણ ભીની થવાનો ડર રહે છે. તેથી ખેડૂતો પોતાનો પાક પાછો લઈ જાય અને સુકવીને લાવે.
ધી પુરુષોત્તમ ફાર્મર કો-ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ ટ્રેક્ટરની લાંબી લાઈન જોઈ ખેડૂતોને મળવા દોડી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, હાલમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવતો માલ ભીનો છે અને તેમાં ઉપરની ગુણ પલળી જાય છે. જેના કારણે જો આ માલ સારી ગુણવત્તાવાળા પાક સાથે મૂકવામાં આવે તો તે પણ બગડી જાય છે. અમે ખેડૂતોને સમજાવવા માટે આવ્યા છીએ કે ભીની ગુણ પાછી લઈ જઈને સુકવીને પાછી લાવે. એમના પાસે માલ વધુ નથી, છતાં સુકાવાનું કામ તો તેમને કરવું જ પડશે.
આ તરફ ખેડૂત સંજય બલદાણિયાએ કહ્યું કે, વરસાદ શરૂ થઈ ગયો છે. ખેડૂતનો અડધો પાક હજુ ખેતરમાં છે અને અડધો પાક લઈને મંડળી પાસે પહોંચ્યા છે. મંડળી આ પાક લેવાની ના પાડે છે. તેમનું કહેવું છે કે, વરસાદ પૂરો થયા પછી જ અમે પાક લઈશું. અમે મેનેજમેન્ટ અને સરકારને એટલું જ કહીએ છીએ કે જલ્દીથી કોઈ ઉકેલ લાવવામાં આવે. ભેજ લાગી જશે તો વેપારીઓ ખરીદશે નહીં અને જે નુકસાન થયું છે તેમાં અમને સહાય મળવી જોઈએ.
વરસાદને લીધે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરવા માંગ
સુરત જીલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર પાકની કાપણી કરી ભેજ સુકાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરનાં તૈયાર થયેલા પાકમાં નુકસાન થયું છે. ખાસ કરીને, સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સુકાવા માટે રાખેલો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો છે.

આ પલળી ગયેલો ડાંગરના ગ્રેડિંગ નીચે આવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે એ વાત ચોક્કસ છે. આ જ રીતે તલનાં પાકને પણ નુકસાન થયું છે તેમજ ભારે પવનનાં કારણે કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે.આ ઉપરાંત ભારે પવન સાથે થયેલ વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસના થયું છે. જેથી તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદ ને કારણે ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તત્કાલ સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરી નુકસાની વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.