SURAT

પહેલાં જ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં વિદેશીઓ હીરા ખરીદવા આવ્યા

સુરત (Surat) : વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં (Surat Diamond Burse) આજે તા. 21મી નવેમ્બરના રોજથી હીરાનો વેપાર શરૂ થયો છે. મુંબઈ અને સુરતના 135 હીરાના વેપારીઓએ આજે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ કર્યા છે. સુખદ વાત એ છે કે આજે બુર્સના પહેલાં દિવસે જ વિદેશીઓએ સુરત ડાયમંડ બુર્સમાં આવી હીરાની ખરીદી કરી હતી.

દશેરાના શુભ દિવસે 983 વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં કુંભ ઘડાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ આજે તા. 21મી નવેમ્બરે 135થી વધુ હીરાના વેપારીઓએ વિધિવત રીતે બુર્સમાં હીરાની ઓફિસો શરૂ કરી હતી. અન્ય વેપારીઓ આગામી થોડા દિવસોમાં ઓફિસો શરૂ કરશે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણીની કંપની કિરણ જેમ્સે મુંબઈમાંથી પોતાનો હીરાનો વેપાર આટોપી લીધો છે અને આજે બુર્સમાં સૌથી પહેલી ઓફિસ કિરણ જેમ્સની જ શરૂ થઈ હતી. બુર્સના 15માં માળે કિરણ જેમ્સ ગ્લોબલ કંપનીના માલિક દિનેશ લાખાણી દ્વારા વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સ્ટાફ સાથે દિનેશ લાખાણીએ બુર્સની નવી ઓફિસમાં વિધ્નહર્તાની પૂજા કરી હતી. ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

વલ્લભ લાખાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓએ આજે પોતાના ધંધા વેપારની શરૂઆત કરી છે, તે તમામ વેપારી ખુશ છે. હવે ડાયમંડ સિટી સુરતની ઓળખ સુરત ડાયમંડ બુર્સ બનશે. સાત વર્ષની મહેનત બાદ આ સપનું સાકાર થયું તેનો આનંદ છે. ધીરે ધીરે ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો ધમધમતી થશે. આગામી એક વર્ષમાં 4000 જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે.

સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડીયાએ કહ્યું કે, છ વર્ષની અંદર સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થઈ રહ્યું છે. દેશના વડાપ્રધાને ટ્વીટ કરીને સુરત ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ઘોષિત કર્યા બાદ સુરત ડાયમંડ બુર્સ વિશ્વભરમાં જાણીતું થયું છે. આજે 135 વેપારીઓએ અહીં ઓફિસો શરૂ કરી છે. આનંદની વાત એ છે કે મુંબઈના 26 હીરાના વેપારીઓએ મુંબઈમાંથી પોતાનો વેપાર આટોપી લઈ સુરતમાં ઓફિસો શરૂ કરી છે.

દરમિયાન આજે પહેલાં જ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં વિદેશીઓ ખરીદી કરવા આવ્યા હતા. ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરને મંગળવારથી 135 હીરા વેપારીઓએ ઓફિસ શરૂ કરી અને પહેલાં દિવસે અમેરિકા, દુબઈ સહિતના દેશોમાંથી 25 બાયરો હીરા ખરીદવા માટે આવ્યા. બુર્સમાં ઓફિસ શરૂ કરનાર વેપારીઓ દ્વારા ભારતના અલગ અલગ રાજ્યો અને વિશ્વના અલગ અલગ દેશોના બાયરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 150 અને અમેરિકા, દુબઈ, તુર્કી, હોંગકોંગ સહિતના દેશોમાંથી 25 બાયરો પહેલાં દિવસે સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ખરીદી કરવા માટે આવ્યા હતાં. પહેલાં દિવસે વેપારીઓને સારો પ્રતિસાદ મળ્યો હતો. પહેલાં દિવસે અંદાજીત 20 હજારથી વધારે લોકોએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી.

તુર્કીથી કિરણ જેમ્સ સાથે વેપાર કરતા હીરાના વેપારી ઈલોરોઝિય ખાસ આવ્યા હતા. તેઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસોની ઓપનિંગ સેરેમનીનો આનંદ માણ્યો હતો. તેમજ પહેલાં જ દિવસે તેઓએ હીરાની ખરીદી કરી વેપારની શરૂઆત કરાવી હતી.

ઈલોરોઝિયએ કહ્યું કે, હું પહેલી જ વાર સુરત આવ્યો છે. લાંબા સમયથી કિરણ જેમ્સ સાથે વેપાર કરું છું. અત્યાર સુધી હું મુંબઈથી હીરા ખરીદતો હતો. જોકે, આજે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધા બાદ મને લાગે છે કે અહીંથી જ સરળતાથી વેપાર થશે. સુરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરીંગ યુનિટ છે, તેથી અહીં ડાયમંડની ખરીદીના વધુ વિકલ્પ મળશે. મારો પહેલાં દિવસનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આવનારા દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે વેપાર કરવાનો આનંદ રહેશે.

તમને જણાવી દઈએ કે આગામી તા. 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું વિધિવત ઉદ્દઘાટન કરશે.

Most Popular

To Top