National

1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ ફરજિયાત: જૂના વાહનો પર શું પડશે અસર?

1 એપ્રિલ, 2026થી દેશભરમાં E20 પેટ્રોલ વેચાણ ફરજિયાત બનશે. 17 ફેબ્રુઆરીના જાહેરનામા મુજબ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ તમામ તેલ કંપનીઓને ભારતીય માનક બ્યુરોના નિયમો મુજબ ઓછામાં ઓછા 95 RON ધરાવતું અને 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ વેચવાનો આદેશ આપ્યો છે. આ નિયમ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડશે. E20 પેટ્રોલની કિંમત અંદાજે 97થી 106 પ્રતિ લિટર વચ્ચે રહી શકે છે, જ્યારે ખાસ પરિસ્થિતિમાં થોડા સમય માટે કેટલીક જગ્યાએ છૂટછાટ પણ મળી શકે છે. E20 એટલે 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ. ઇથેનોલ શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે અને તે પેટ્રોલ કરતાં વધુ સ્વચ્છ રીતે બળે છે. આ નિર્ણયનો હેતુ કાચા તેલની આયાત ઘટાડવો, પ્રદૂષણ ઓછું કરવું અને ખેડૂતોને ફાયદો પહોંચાડવો છે. સરકારના જણાવ્યા મુજબ, ઇથેનોલ મિશ્રણથી દેશે છેલ્લા કેટલાંક વર્ષોમાં ₹1.40 લાખ કરોડથી વધુનું વિદેશી ચલણ બચાવ્યું છે.

95 RON એટલે ઇંધણની ગુણવત્તા માપવાનું પ્રમાણ. RON જેટલું વધુ હોય, એન્જિનને એટલું વધુ રક્ષણ મળે છે અને “નૉકિંગ” જેવી સમસ્યા ઓછી થાય છે. ઇથેનોલનું ઓક્ટેન મૂલ્ય ઊંચું હોવાથી E20 પેટ્રોલ એન્જિન માટે વધુ સારું માનવામાં આવે છે. 2023-25 પછી બનેલા મોટાભાગના નવા વાહનો E20 માટે તૈયાર છે, તેથી તેમને ખાસ અસર નહીં થાય. પરંતુ જૂના વાહનોમાં 3% થી 7% સુધી માઇલેજ ઓછું મળી શકે છે અને કેટલાક રબર અથવા પ્લાસ્ટિકના ભાગો પર થોડી અસર થઈ શકે છે. કુલ મળીને, આ પગલું દેશને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં અને પર્યાવરણ સુરક્ષામાં મદદરૂપ બનશે.

Most Popular

To Top