કપડવંજ : રાજ્યની ગ્રામ પંચાયતોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રામ્ય કક્ષાની જનતા માટે પોતાના જ ગામમાં જરૂરી નકલો મેળવી શકે તે માટે સન-2008માં સુચારૂ વ્યવસ્થા કરી હતી. જેનું સંચાલન વીસીઈ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નેટવર્કના ધાંધિયાને લીધે જે તે વીસીઈ સ્વખર્ચે મોબાઈલ નેટવર્ક દ્વારા નકલો કાઢી રહ્યા છે. નેટવર્કની સમસ્યા અંગે તાલુકાના વીસીઈ મંડળે જવાબદારોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પરિસ્થિતિ જેસે થે જેવી જ છે. વીસીઈને સરકાર કોઈ મહેનતાણું નથી આપતી . પણ માત્ર કમીશન ઉપર જે તે ગામના વીસીઈ જીવન નિર્વાહ ચલાવે છે. જો જરૂરી નેટવર્ક ના હોય તો વીસીઈ લાચાર બનીને પોતાના મોબાઈલના નેટવર્કથી નકલો કાઢીને આપી રહ્યા છે.
કપડવંજ વીસીઈ મંડળના પ્રમુખ યોગેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા સુચારૂ વિચાર સાથે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત સન-2008માં કરી હતી. જેના થકી ગ્રામ્ય કક્ષાની જનતાને તાલુકા મથક ઉપર આવવું ના પડે અને પોતાના ગામમાં જ 7/12 તથા 8-અની નકલો, જન્મ-મરણ ના દાખલા, આકારણીની નકલ, બીપીએલના દાખલા, આવકના દાખલા વગેરેનો સમાવેશ થાય છે. જેનાથી જે તે ગામના યુવાનોને રોજગારી મળી રહે અને ગ્રામીણ જનતાનો સમય અને નાંણાનો બચાવ થાય તે રીતે યોજના અમલમાં મુકી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નેટવર્કના ધાંધિયાને લીધે કપડવંજની 102 ગ્રામ પંચાયતોના કુલ-88 વીસીઈ પોતાના જ મોબાઈલનો ઉપયોગ કરીને નકલો કાઢવા માટે મજબુર બન્યા છે.
કોમ્પ્યુટર પણ કામ કરતાં નથી
વર્ષ 2008થી જે કમ્પ્યુટર સિસ્ટમ છે. તે જુનું વર્જન હોવાને કારણે નવા સોફ્ટવેર કામ કરતા નથી. જેથી નકલો કાઢવા માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. કપડવંજ તાલુકા વીસીઈ મંડળે નેટવર્કની મુશ્કેલી અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી. કોન્ટ્રાક્ટ પધ્ધતિ દ્વારા નેટવર્કની સિસ્ટમ અમલી બની છે સરકારના કરોડો રૂપિયા પાણીમાં ડૂબી રહ્યા છે. અઢળક નાણા ખર્ચ કર્યા પછી પણ રાજ્યની કોઈપણ ગ્રામ પંચાયતમાં જરૂરીયાત મુજબ નેટવર્ક મળતું નથી. જેથી ના છુટકે પોતના પરિવારના ગુજરાન માટે વીસીઈ પોતાના મોબાઈલનો ડેટા ઉપયોગમાં લઈને કામ ચલાવી રહ્યા છે.