સુરત: (Surat) ચેમ્બરના સ્પાર્કલ 2021નું ઉદ્ઘાટન કરવા આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી (Jams and Jewelry) સેક્ટરનો એક્સપોર્ટ વધારવા ફોરેન ટ્રેડ પોલિસી લાવવામાં આવી રહી છે. ઇ-કોમર્સનો માધ્યમ આ સેક્ટર માટે ગેમ ચેન્જર સાબિત થશે. કેન્દ્ર સરકાર (Central Government) તરફથી ઈ-કોમર્સમાં મંજૂરી મળ્યા બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગકારો સરળતાથી દેશ-વિદેશમાં 800 ડોલર સુધીના હીરા-ઝવેરાતનું વેચાણ કરી શકશે ભવિષ્ય ઈ-કોમર્સનું છે. આ ક્ષેત્રની તકોને ઝડપી લેવા પ્રયાસ ચાલુ છે. કોમર્સ મિનીસ્ટ્રી આ અંગે માર્ગદર્શિકા બનાવશે, ત્યાર બાદ ઈ-કોમર્સનો લાભ પ્રત્યેક હીરા-ઝવેરાત ઉદ્યોગકાર લઈ શકશે.
આ સુવિધા પોસ્ટ ઓફિસ સાથે સાંકળવામાં આવશે. જેમાં કસ્ટમના તમામ નિયમોનું પાલન કરાશે અને દુનિયાન 200 જેટલી કંપનીઓ સાથે સીધો વેપાર કરી શકાશે. ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સુરત,મુંબઇ, જયપુર સહિત દેશમાં પાંચ પોસ્ટ ઓફિસને કુરિયર સર્વિસ માટે મંજૂરી આપશે. તેનાથી શીપમેન્ટનો ચાર્જ 200થી 1000 રૂપિયા સુધી લાવી શકાશે. કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભવિષ્યનો 25 ટકા સુધીનો વેપાર ઇ-કોમર્સ મોડથી ડેવલપ થશે.
કોલિન શાહે વધુમાં જણાવ્યુ હતું કે કેન્દ્રના નાણા મંત્રાલયે કાઉન્સિલની માંગણી સ્વીકારી છે જેમાં ટફ યોજનામાં ડાયમંડ જ્વેલરીની મશીનરી ઉપરાંત લેબગ્રોન ડાયમંડ જે મશીનરી પર તૈયાર થાય છે તે મશીનરીના અપગ્રેડેશન માટે ટફ યોજનાનો લાભ પણ મળી શકશે. એટલે કે આ ઇન્ડસ્ટ્રીને પણ સબસીડી હવે મળી શકશે. તે ઉપરાંત સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં પણ સુધારો કર્યો છે. સરકારે જ્વેલર્સને પણ આ યોજનાનો પણ લાભ આપવાનો નક્કી કર્યુ છે. દર વર્ષે 200 ટન સોનું આ સ્કીમથી જમા થઇ સિસ્ટમમાં આવશે. કેન્દ્ર સરકારે કાઉન્સિલની રજૂઆતને પગલે આ સેક્ટર પરથી 2.50 ટકાનો કૃષિ સેસ રદ કર્યો છે અને ટેક્નિકલી થયેલી ભૂલ સુધારી લીધી છે.
લેબગ્રોન ડાયમંડ પર ઇમ્પોર્ટ ડ્યૂટી બમણી થતા સુરતના ઉત્પાદકોને મહત્તમ લાભ મળશે
કોલિન શાહે વધુમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ બજેટમાં જીજેઇપીસીની મહત્વની માગણીઓ સ્વીકારવામાં આવી છે. જેમાં ગોલ્ડ અને સિલ્વર પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી છે. તથા લેબગ્રોન ડાયમંડ ની ડ્યૂટી બમણી કરી 15 ટકા સુધી કરી દીધી છે. તેને લીધે સુરતમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોને મહત્તમ લાભ મળશે. અત્યારે નેચરલ ડાયમંડ સામે 1થી2 ટકા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યુ છે. એટલે કે 200 કરોડના સિન્થેટિક ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યુ છે. કાઉન્સિલના અંદાજ પ્રમાણે આગામી 10 વર્ષમાં 10થી12 ટકા ગ્રોથ વધશે.
હીરાઉદ્યોગકારો પણ હવે શહેરમાં જ હીરા-ઝવેરાતની લીલામી કરી શકશે
જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે હીરા-ઝવેરાતના વેપારને સરળ બનાવવાના હેતુથી જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતેના ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરના ડી-નોટિફાઇડ ઝોનમાં ઓક્શન હાઉસ શરૂ કરવાની તજવીજ શરૂ કરી છે. અહીના ઓક્શન હાઉસમાં હાઉસ શરૂ થયા બાદ દેશ-વિદેશની ખાણકંપનીઓ ઉપરાંત સુરત-મુંબઈના હીરાઉદ્યોગકારો પોતાના હીરા અને ઝવેરાતની લીલામી તથા ટ્રેડિંગ કરી શકશે. આગામી પાંચેક મહિનામાં આ સેવા શરૂ થઈ જશે.
સુરતમાં નાના હીરા ઉદ્યોગકારો માટે મેગા કોમન ફેસિલિટી સેન્ટર બનાવાશે
જીજેઈપીસીના ડેપ્યુટી ડિરેક્ટર જિલ્પા શેઠે કહ્યું કે, સુરતમાં મેગા કોમન ફેસિલિટી સેન્ટર બનાવાવનો પ્રોજેક્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં રજૂ કરવામાં આવ્યો છે. જો આ પ્રોજેક્ટ મંજૂર થશે તો સુરતમાંજ નાના કારખાનેદારોને એડવાન્સ ટેક્નોલોજી, થ્રીડી પ્રિન્ટીંગ, ડેટા લાઈબ્રેરી જેવી સુવિધાઓ પૂરી પાડશે.