જીએસટી માટેનું પોર્ટલ તૈયાર કરવાની કામગીરી સરકારે ઇન્ફોસીસ કમ્પનીને આપેલી. શરૂઆતથી અત્યાર સુધી એમાં જે અગવડો, અડચણો પડી તેને વેપારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનુભવી ચૂક્યા છે. અનેક ધાંધિયા પછી પોર્ટલની અઢાર વાંકા જેવી સ્થિતિ છે. આ અંગે સરકારનું નાણાં વિભાગ સુપેરે પરિચિત છે. છતાં જુઓ, ઇન્કમટેક્સનું નવું પોર્ટલ તૈયાર કરવાનું કામ કરોડોના ખર્ચે એ જ ઇન્ફોસીસ કમ્પનીને અપાયું..! પોર્ટલ ચાલુ થયું પણ એ જ રામાયણનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જતાં અનેક મુશ્કેલીઓ પડે છે. રિટર્ન ભરી શકતા જ નથી..!
મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જે કમ્પની સાથે ભૂતકાળનો અનુભવ સારો ન હોય એ જ કમ્પનીને નવો કોન્ટ્રાકટ શા માટે, કોના કહેવાથી અને કયા સ્વાર્થ કે ફાયદા માટે અપાયો? આ દેશમાં ટીસીએસ જેવી કેટલીક ઉત્તમ આઈ.ટી. કમ્પનીઓ છે એને શા માટે તક ન અપાઈ? નવું પોર્ટલ, નવા સોફ્ટવેરની પૂરતી ચકાસણી કર્યા વિના એને ખુલ્લું શા માટે મૂકાયું..? હજી જીએસટી ભરવા માટેની તકલીફોનો અંત નથી આવ્યો ત્યાં બીજો નવો દુખાવો શરૂ થઈ ગયો છે. સમયસર રિટર્ન ફાઇલ ન થાય તો દંડ પ્રજાએ ભરવાનો થાય પણ સરળ,સફળ રીતે કામ કરતું પોર્ટલ સ્થાપવામાં નિષ્ફળ ગયેલ કમ્પનીને કોઈ દંડ નહીં..!! કોના માટે (કામ કરતી..!) સરકાર છે..? સુરત – સુનીલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.