નવી દિલ્હી: IPL અને ખાસ કરીને CSKના ફેન માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ (Dwayne Bravo) IPLમાંથી સંન્યાસ (retired) લેવાની જાહેરાત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) આઈપીએલની આગામી સિઝન પહેલા બ્રાવોને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ થોડાક દિવસ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. પરંતુ બ્રાવો IPL સાથે જોડાયેલો રહેશે.
તમને જણાવી દઈએ કે IPLમો સૌથી વધુ વિકેટ લેનાર બ્રાવો CSKની ટીમ સાથે જોડાયેલો રહેશે. કારણ કે CSK તરફથી તેને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડ્વેન બ્રાવો IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સના લીન બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મીપતિ બાલાજીએ આગામી સિઝન માટે બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.
39 વર્ષીય બ્રાવોએ એક નિવેદનમાં કહ્યું, ‘હું આ નવી સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કારણ કે આ એવી વસ્તુ છે જે હું મારી ક્રિકેટ કારકિર્દીના અંત પછી કરી રહ્યો છું. મને બોલરો સાથે કામ કરવાની મજા આવે છે અને તે એવી ભૂમિકા છે જેને લઈને હું ઉત્સાહિત છું. મને નથી લાગતું કે મને આ રોલ કરવામાં કોઈ મુશ્કેલી પડશે.
બ્રાવોએ કહ્યું, ‘જ્યારે હું રમું છું, ત્યારે હું હંમેશા બોલરો સાથે કામ કરું છું અને બેટ્સમેન કરતાં એક ડગલું આગળ રહેવા માટે યોજનાઓ અને વિચારો સાથે આવવાનો પ્રયાસ કરું છું. માત્ર એટલો જ તફાવત છે કે હું હવે મિડનઓન અથવા મિડઓફ પર ઊભો રહીશ નહીં. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીશ. પરંતુ હું આઈપીએલ ઈતિહાસનો હિસ્સો બનીને ખુશ છું.
બ્રાવો આઈપીએલમાં ત્રણ ટીમો તરફથી રમ્યો હતો
બ્રાવોએ 2017ની આઈપીએલ સીઝન સિવાય દરેક વર્ષે આઈપીએલમાં ભાગ લીધો છે. તેને 2008માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સૌપ્રથમ સાઈન કરવામાં આવ્યો હતો અને તે ત્રણ સીઝન સુધી મુંબઈ સાથે રહ્યો હતો. આ પછી, 2011 ની હરાજીમાં, CSKએ બ્રાવોને પોતાની ટીમ માટે પસંદ કર્યો હતો. CSK પર બે વર્ષનો પ્રતિબંધ હોવાથી, વર્ષ 2016માં ગુજરાત લાયન્સે તેને પોતાની ટીમમાં લીધો હતો. વર્ષ 2018 માં, બ્રાવો ફરીથી CSKમાં પાછો ફર્યો અને 2022 સીઝન સુધી તેનો ભાગ રહ્યો હતો.
IPLમાં બ્રાવોના નામે સૌથી વધુ વિકેટ
બ્રાવો IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બ્રાવોએ IPL 2022 સીઝન દરમિયાન જ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ આઈપીએલની 161 મેચોમાં 23.82ની એવરેજથી 183 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન બ્રાવોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં ચાર વિકેટ લીધી હતી. બ્રાવોએ બેટ વડે પણ IPLમાં ધમાલ મચાવી હતી. બ્રાવોના આઈપીએલમાં 22.61ની એવરેજથી 1560 રન છે.