Gujarat

દ્વારકા: પેસેન્જર ભરેલો છકડો પુલ પરથી સીધો નીચે ખાબક્યો, ઘટના સ્થળે જ ત્રણના મોત

દ્વારકા: (Dwarka) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તરફ જતા પેસેન્જરથી (Passenger) ભરેલો એક છકડો પુલની રેલિંગ તોડી 25 ફૂટ નીચે ખાબક્યો હતો. જેને કારણે સ્થળ પર જ 3 લોકોના મોત થયા હતા. છકડો રિક્શામાં લગભગ એક ડઝન પેસેન્જર સવાર હતા. આ અકસ્માતમાં (Accident) ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે પુલ પર લોકોની ભીડ જામી ગઈ હતી તેમજ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ શનિવારે બપોરના સમયે આ ઘટના બની હતી જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુરના ​​​​​​ધ્રાફા ગામેથી છકડો પેસેન્જરોને લઈ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના રોજીવાળા ગામે જઈ રહ્યો હતો. તે સમયે છકડાના ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજ પરથી છકડો પુલની દીવાલ તોડી 25 ફૂટ નીચે પાણીમાં પડ્યો હતો. જોકે અહીં પાણી વધુ ન હતું. પરંતુ આટલી ઉંચાઈથી ધડાકાભેર છકડો પડવાને કારણે રિક્શામાં સવાર 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં 8 જેટલા પેસેન્જરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાણવડ તાલુકાના જામરોજીવાળા પાસે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 મારફત જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top