ગાંધીનગર: દ્વારકા (Dwarka) નજીક આવેલા શિવરાજપૂર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રથમ તબક્કની પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે જાતનિરીક્ષણ કર્યુ હતું. શુક્રવારે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરીને ગુજરાતના સર્વાંગી કલ્યાણની પ્રાર્થના કરી હતી. દ્વારકાધિશ મંદિરમાં અર્ચન-દર્શન કર્યા બાદ શિવરાજપૂર બીચ પર પહોંચ્યા હતા. તેમણે શિવરાજપૂર ખાતે અંદાજે રૂ. ર૩.૪૩ કરોડના ખર્ચે ફેઇઝ-૧ અંતર્ગત અરાઇવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
પ્રવાસન સચિવ હારિત શુકલાએ આ તકે મુખ્યમંત્રીને શિવરાજપૂર બીચના ડેવલપમેન્ટની વિગતો આપતાં કહ્યું હતું કે, ફેઇઝ-૧ના કામો પૈકી પ૬ ટકા કામો પૂર્ણ થઇ ગયા છે. સમગ્રતયા પ્રવાસન સુવિધાના કુલ અંદાજે 135 કરોડના વિવિધ કામો શિવરાજપૂરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. શિવરાજપૂર ખાતે ફેઇઝ-રમાં ૧૭ જેટલા વિવિધ ટુરિસ્ટ ફેસેલિટીઝના રૂપિયા 71.80 કરોડની કિંમતના કામોની વિગતો પણ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીને આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે હાઇ-વેથી શિવરાજપૂર પહોંચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરી પણ નિહાળી હતી. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે ૪૦ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું ૪૯ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.