તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. ખાસ કરી નાનપુરા ડચ ગાર્ડનના સ્થળે જે સ્થિતિનું સર્જન થાય, ઘોડાગાડી તેમજ ઘોડાવાળા દ્વારા તેને કારણે જીવલેણ અકસ્માત ગમે ત્યારે થઇ શકે છે. એમાં નિર્દોષ બાળકો કે અન્ય રાહદારીઓ ભોગ બની શકે છે. આ રોડ ઉપર વાહનોનું ભારણ હંમેશા હોય જ છે. લોકડાઉન પછી આર્થિક સ્થિતિ ઘણાની કથળી ગઇ છે.
એમા માનપૂર્વક મહેનત કરી સંબંધીત સત્તાવાળાઓ અકસ્માત રોકવાનો પણ પ્રયત્ન કરવો જોઇએ. આ રોડ ઉપરથી મનપા તેમજ પો. ખાતાના. ઉચ્ચકક્ષાનાં અધિકારીઓ લગભગ રોજ પસાર થતા જ હશે. ઘોડાગાડી તેમજ ઘોડા વાળાઓને રંગઉપવન પાસે કવોલીટી રેસ્ટોરા પાસેના રોડ ઉપર ખસેડવામાં આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે. અે લોકો રોજીરોટી કમાઇ શકે તેમજ અકસ્માતને રોકી શકાય. આજ રોડ ઉપર નાનપુરા લાઇબ્રેરી પાસેનાં ચાર રસ્તે થતું વાહનો અને રીક્ષા દ્વારા થતું દબાણ હટાવવું જરૂરી છે, વાહન ચાલકો કોઇપણ દિશામાંથી આવતા એક બીજાને જોઇ શકતા નથી. ટ્રાફિક નિયમન થવું જરૂરી છે. સત્તાવાળાઓ સક્રિય બની ઉકેલ લાવશે એવી આશા રાખીએ.
સુરત – પ્રદીપ આર. ઉપાધ્યાય