સ્વાદના શોખીન સુરતીઓને વાર-તહેવારે વિવિધ પ્રકારની અને સ્વાદિષ્ટ મીઠાઈઓ ચટ કરવા જોઈએ. વળી તેમાં પણ દૂધના માવાની મીઠાઈ એટલે સોનામાં સુગંધ ભળે. દૂધના માવાની વાત આવી છે તો તમને જણાવી દઈએ કે શહેરના વિખ્યાત મીઠાઈ વિક્રેતાઓ માટે શુદ્ધ ક્વોલિટીના માવા માટે વિશ્વાસનું સરનામું બની છે શહેરના રાજમાર્ગ ભાગળ વિસ્તારમાં 117 વર્ષથી અડીખમ ઉભી દુર્લભભાઈ છગનલાલ માવાવાલા પેઢી. 1905માં આ પેઢીનો પાયો દુર્લભભાઇ માવાવાલાએ નાંખ્યો હતો. તે સમયે ટ્રાંસપોર્ટેશન માટે ઘોડાગાડીનો ઉપયોગ થતો. આજે આ પેઢીનું સંચાલન ત્રીજી પેઢીએ દુર્લભભાઈના પૌત્ર હેમંતભાઈ અને પૌત્રવધુ નીતાબેન કરે છે. શરૂઆતમાં શુદ્ધ ક્વોલિટીનો માવો મહેસાણા અને આણંદથી અને વારે – તહેવાર માંગ વધારે હોય તો રતલામથી લાવવામાં આવતો. આ પેઢી સુરતના મીઠાઈ વિક્રેતાઓ માટે માવા માટે વિશ્વાસનું એડ્રેસ કેમ બની તે આપણે પેઢીના વર્તમાન સંચાલકો પાસેથી જાણીએ.
1965-68 માં 12 રૂપિયે કિલો માવો વેચાતો
1965થી 1968માં માવો 12 રૂપિયે કિલો વેચાતો. અને હવે આ માવો 300થી 320 રૂપિયે કિલો વેચાય છે. માવાને ટ્રેનમાં સ્ટોરેજની જરૂર નથી હોતી.પણ ઉનાળામાં માવાનો સ્ટોક આવતા જ ફ્રિજમાં મૂકી દેવો પડે. સવારે 7 વાગે દુકાનમાં માવો આવે અને બપોરના એક વાગ્યાં સુધી માવો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. માવાનું 25 કિલોનું પાર્સલ જે રતલામથી આવે છે તેને જિલેટીન પેપર અને કંતાનમાં એકદમ સુવ્યસ્થિત રીતે કોઇ પણ સિઝનમાં માવો બગડી ન જાય તે રીતે પેક કરવામાં આવે છે.
સુરતમાં સંપૂર્ણ માવો રતલામથી જ આવે છે
1996 પછી દૂધનો માવો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલાં રતલામમાં ભેંસનું સારી ક્વોલિટી હાઈ ફેટ દૂધ મળતું હોવાથી અને ત્યાં કોઈ ડેરી ઉદ્યોગ ન વિકસ્યો હોવાથી માવો બનવાનો શરૂ થયો. ત્યાંથી અવંતીકા એક્સપ્રેસમાં માવો મોકલાતો. જે સવારે 7 વાગે સુરત રેલવે સ્ટેશન પરથી ભાગળની આ દુકાન પર લાવવામાં આવે છે. આજે સુરતમાં સંપૂર્ણ માવો રતલામથી જ આવે છે.
2006ના પુરમાં 550 કિલો માવો બગડી ગયો
1968માં આવેલા પુરમાં આ દુકાનને કોઈ અસર નહીં થયેલી. પણ 2006ના વર્ષમાં શહેરમાં આવેલા ભયંકર પુર વેળા 500થી 550 કિલો દૂધના માવો બગડી ગયો હતો. એ વખતે દુકાનમાં એક ફૂટ પાણી ભરાયેલું. એ વખતે 2 દિવસ બાદ બળેવ હોવાથી દુકાનમાં ખાસ્સો માવાનો સ્ટોક ફ્રિજમાં હતો પણ પાવર સપ્લાય બંધ રહેતા માવો બગડી ગયેલ. તે સમયે અમારે એક થી દોઢ લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.
ઘરની લેડીઝને દુકાનમાં આવવાનું અલાઉડ નહીં હતું: નીતાબેન માવાવાલા
હેમંતભાઈના પત્ની નિતાબેને જણાવ્યું કે મારા સસરાએ પેઢી હસ્રગત કરી ત્યારે પ્રશ્ન ઉભો થયો હતો કે તેમની ધંધામાં સહાય કોણ કરશે? ત્યારે હું સામે ચાલીને સહાય માટે તૈયાર થઈ. પહેલાં દુકાન પર રીલિવર તરીકે ત્રણ કલાક માટે આવતી બાદમાં ફુલટાઇમ દુકાન પર બેસતી. 2011માં સસરા ચંપકલાલના સ્વર્ગવાસ બાદ સંપૂર્ણ ધંધોમે સંભાળી લીધો. તે સમયમાં જ્યારે લેડિઝને દુકાનમાં જવાનું અલાઉડ નહોતું ત્યારે મારા સસરાએ મારા વિશ્વાસ મૂક્યો અને ત્યારે મારા પરિવારમાં 18 દીકરાઓ હોવા છતાં પેઢીની ગાદી પર બેસવાનો લ્હાવો મને મળ્યો એ મારા માટે ગર્વની વાત હતી. દુકાન ચલાવવાનો અનુભવ મેં મારા સસરા પાસેથી લીધો. જોકે ફુલટાઇમ દુકાન પર બેસવાનું થતા સોશ્યલ ગૃપ્સમાંથી નીકળી જવું પડયું. સાસુ સસરાના નિધન બાદ અને તે સમયે મારો દીકરો USA જતા રહેતા હું ડિપ્રેસ થઇ ગઇ હતી. પરંતુ આ પેઢીમાં કામ કરી મેં મારું મન વાળ્યું અને સ્વસ્થ થઇ. હું જયારે પેઢી પર બેસતી ત્યારે કોઇ ઓળખીતા જ્યારે પણ ભાગળ આવતા ત્યારે ખાસ મને આવીને મળી જતા.
1942માં એન.જી. ઝવેરી જૈન સ્કૂલનાં ગેટ પર બૉમ્બ ફૂટ્યો હોવાથી અભ્યાસ છોડ્યો
દુર્લભભાઈના 5માં નમ્બરના પુત્ર અને હેમંતભાઈના પિતા ચંપકલાલનો જન્મ 1926માં થયો હતો. તેઓએ એન.જી.ઝવેરી જૈન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો. પરંતુ 1942માં હિંદ છોડો આંદોલન દરમિયાન આ સ્કૂલનાં દરવાજા પાસે બૉમ્બ ફૂટ્યો હતો, જેથી ગભરાઈને ચંપકલાલ માવાવાલાએ ભણતર છોડી દીઘું હતું.
સ્ટેશનથી ભાગળ ચાલીને દૂધનો માવો દુકાને લાવતા
પેઢીના સંચાલક હેમંતભાઈ જણાવે છે કે 1905માં જ્યારે મારા દાદા દુર્લભભાઈએ આ પેઢીનો પાયો નાંખ્યો ત્યારે આપણાં વિસ્તારના પ્રમાણમાં મહેસાણા તરફ વધુ સારું ફેટ વાળું ભેંસનું દૂધ મળતું હોવાથી ખેરાલુ ગામમાં 9 ભઠ્ઠીઓ અને આણંદ જીલ્લામાં બોરસદ તાલુકામાં 2 ભઠ્ઠીઓ એમ 11 મેન્યુફેકચરીંગ યુનિટ્સ હતા જેનું સંચાલન હેમંતભાઈના કાકા નવીનભાઈ દુર્લભભાઈ અને મગનભાઈ દુર્લભભાઈ વારંવાર ત્યાં જઇને કરતાં. આ ભઠ્ઠીઓમાં પગરદાર કારીગાર રાખી માવો બનાવવામાં આવતો. ત્યારે રેલ મારફતે આ માવો સુરત લાવવામાં આવતો તે સમયે મારા દાદા અને મારા મોટા કાકા ડાહ્યાભાઈ માવાના પર્સલ ઊંચકીને ચાલતા સ્ટેશનથી ભાગળની દુકાન પર લાવતા. તે વખતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહીં હોવાથી અને ઘોડાગાડીની સવારી મોંઘી પડતી હોવાથી તેનો ઉપયોગ ભાગ્યે જ થતો. વખત જતાં ડેરી ઉદ્યોગ વિકસતા અને સરકારી સંગઠનો આવતા ખૂડેતો અમારા સેન્ટર્સમાં દૂધ ઓછું આપતા અને દૂધની આવક ન થતાં અમારે 1996માં અમારા સેન્ટર્સ બંધ કરવા પડયા.
આજે પણ માવાની ક્વોલિટી તરફ સજાગ રહેવું પડે છે: હેમંતભાઈ માવાવાલા
પેઢીના હાલના સંચાલક અને દુર્લભભાઈના પૌત્ર હેમંતભાઈ જણાવે છે કે જમનાદાસ ઘારીવાલા, મોતી હરજી મિઠાઈવાલા, ઇન્ડિયા બેકરી, ઉમરાવ કેક્સ એન્ડ બેક્સ વગેરે વ્યાપારીઓ વર્ષોથી મારા ગ્રાહક છે. જમનદાસવાલા આજે પણ મારો માલ દરેક પેકીંગમાંથી ક્વોલિટી ચેક કરીને જ ખરીદે છે એટલે મારે ખૂબ સજાગ પણ ક્વોલિટી ચેક રાખવો પડે છે. મારી SBIની નોકરી દરમ્યાન સવારે અને સાંજે મારી પત્ની નીતાને મારી દુકાનના સંચાલનમાં મદદ કરતો. 2019માં 39 વર્ષની જોબ પછી રિટાયરમેન્ટ લઇ હવે સંપૂર્ણપણે પેઢીમાં મદદ કરું છું. સાથે સાથે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અમદાવાદી ઘાંચી વાડી મંડળમાં સામાજિક પ્રવૃત્તિઓ કરું છું સાથે જ નાટકોમાં બેક સ્ટેજ મેનેજમેન્ટ કરવું મારી હોબી છે.
શહેરમાં 1970 સુધી દૂધ માવાની 2 જ પેઢી હતી
1905માં માવાવાલા પેઢીની શરૂઆત થઈ ત્યારે ભાગળના શાક માર્કેટ વિસ્તારમાં 1970ની સાલ સુધી દૂધના માવા વેચતી 2 જ પેઢી હતી. દુર્લભભાઈનો સ્વર્ગવાસ 1968માં થયા પછી આ પેઢીનું સંચાલન એમના પુત્ર ચંપકલાલે હસ્તગત કર્યું. તે બાદ ફેમિલિ મેમ્બર્સમાં મતભેદ થવાથી સંયુકત ધંધો 2000ની સાલમાં વિર્સજીત થયો. તે સમયે ચંપકલાલના દિકરા હેમંતભાઈની SBIમાં જોબ હતી. જેથી એવો પ્રશ્ન થયો કે ચંપકલાલને ધંધામાં સહાય કોણ કરશે. તે વેળા ચંપકલાલના પુત્ર વધુ હેમંતભાઈના પત્ની નીતાબેન માવાવાલા આગળ આવ્યા અને એમણે સસરા સાથે મળી પેઢી સંભાળવાની શરૂઆત કરી જે 2011 બાદ સંપૂર્ણપૂણે નીતાબેને હસ્તગત કરી.
દ્વીધાનો સામનો કર્યો
હેમંતભાઈના પિતા ચંપકલાલના સ્વર્ગવાસ પછી એમની સામે એક સામાજિક પ્રશ્ન ખડો થયો. લોકો એમને કહેતા હતા કે કાં તો તું જોબ છોડી દે અથવા પેઢી બંધ કરી દે. પરંતુ હેમંતભાઈ અને નીતાબેને એવું નક્કી કર્યું હતું કે જે પેઢીનું સંચાલન એમના પિતા ચંપકલાલે 1968થી એમનો જીવ રેડી કર્યું તે મહેનત એળે નથી જવા દેવી અને આ પેઢીને કંઇ પણ કરીને ચલાવવી છે અને જાળવી રાખવી છે.