Vadodara

પ્રસૂતિ દરમિયાન યુવતીના પેટમાં કપડું રહી જતાં પરિવારજનોનો હોબાળો

વડોદરા : શહેરના પાણીગેટમાં બહાર મેમણ કોલોનીમાં રહેતી પરિણીતાને પ્રસૂતિ માટે ગત તા.20 સપ્ટેમ્બરના રોજ જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં ફરજ પરના ગાયનેક તબીબે પ્રસૂતાના તમામ મેડિકલ રિપોર્ટ બાદ સિઝર કરી નવજાત પુત્રને જન્મ અપાવ્યો હતો. ઓપરેશન દરમિયાન ડોક્ટર ઓપરેશન સ્ટાફની બેદરકારીના પાપે તેણીના પેટમાં અંદાજે એકથી દોઢ મીટર જેટલો મોટો કપડાંનો ટુકડો રહી જતાં ગંભીર નિષ્કાળજી સામે આવી છે.

પાણીગેટ બહાર આવેલી મેમણ કોલોનીમાં રહેતા સમીરભાઈ મેમણના પત્નીને પ્રસૂતિ માટે ગત તા.20 સપ્ટેમ્બરના રોજ જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.જ્યાં ફરજ પરના ગાયનેક તબીબ ડો.ચૌહાણે પ્રસૂતાના તમામ મેડિકલ રિપોર્ટ બાદ સિઝેરિયન દ્વારા નવજાત શિશુને જન્મ અપાવ્યો હતો. ત્યારબાદ પરિણીતાએ પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ ડો.ચૌહાણે નજર અંદાજ કરી ગેસની તકલીફ હોવાનું જણાવી જમનાબાઇ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. શનિવાર અને રવિવાર એમ બે દિવસ પેટનો દુઃખાવો ઓછો ન થતાં પરિણીતાના પતિ સમીર મેમણે ખાનગી હોસ્પિટલમાં બતાવતાં સિટી સ્કેન કરવા જણાવ્યું હતું. સિટીસ્કેનના રિપોર્ટમાં મહિલાના પેટમાં બિનજરૂરી કપડાં જેવો લોચો હોવાનું સામે આવ્યું હતું.જેથી ડો.તોફીક ડભોઈવાલાએ મહિલા દર્દીનું તાત્કાલિક ઓપરેશન હાથ ધરી કપડાનો એકથી દોઢ મીટર જેટલો ટુકડો બહાર કાઢયો હતો.

એટલું જ નહીં, તેણીના પેટમાં મોટી માત્રામાં પરુ પણ કાઢયું હતું. જમનાબાઈ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવતાં આ અંગે પરિણીતાના પતિ સમીર મેમણે જમનાબાઈ હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. ચૌહાણને ફરિયાદ અને જાણ કરવા ગયા હતા.જયાં ડોકટરે ઉદ્ધતાઇભર્યા જવાબ આપતાં મામલો વધુ વણસ્યો હતો અને વાડી પોલીસ મથકે જમનાબાઈ હોસ્પિટલના ડો.ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top