નડિયાદ: ડાકોરમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષકે વર્ષો પહેલાં લીધેલી પોલીસીઓ પાકી ગઈ હોવાની માહિતી મેળવી ઠગ ટોળકીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી જુદા જુદા બહાને રૂ.32.07 લાખ પડાવી લીધાં હતાં. ડાકોરની ભાવિક સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજારતા પ્રવિણસિંહ ગુલાબસિંહ રાજએ સન ૨૦૧૬માં શિક્ષકની નોકરી તરીકે ચાલું હતાં તે વખતે ભવિષ્યનો વિચાર કરી બેંકના એજન્ટે પ્રવિણસિંહને રૂ.૨૫,૦૦૦ની એચડીએફસી લાઈફ પોલીસી લેવડાવી હતી.
થોડાક મહિનાઓ વિત્યા બાદ સન ૨૦૧૭ માં અજાણ્યાં ઈસમે પોતાનું નામ રમેશભાઈ જોષી જણાવી પોતે હૈદરાબાદમાં મેનેજર હોવાની ઓળખ આપી પ્રવિણસિંહ રાજને એચડીએફસી લાઈફ પોલીસી લેવા દબાણ કર્યું હતું. પ્રવિણસિંહે વિશ્વાસ મુકી વધુ રૂ.૨૦,૦૦૦ ની પોલીસી લીધી હતી. જે બાદ પ્રવિણસિંહ રાજ અને રમેશભાઈ જોષી વચ્ચે મિત્રતા જેવો સબંધ બંધાઈ ગયો હતો. મિત્રતાના ભાવે પ્રવિણસિંહે પત્નિ, પુત્ર તેમજ મિત્રના નામની કુલ સાતેક જેટલી પોલીસી ભેગી થઈ હતી.
દરમિયાન ગત તા.૧૪-૧-૨૧ ના રોજ કોઈ અજાણ્યાં નંબર પરથી પ્રવિણસિંહ રાજના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં સામેપક્ષે હિન્દી ભાષામાં વાત કરનાર ઈસમે પોતાનું નામ એસ.કે. સોલંકી જણાવી વાત આગળ વધારી હતી. જેમાં અજાણ્યાં ઈમસે તમારી તમામ પોલીસી પાકી ગઈ છે, જેના મળવાપાત્ર થતાં કુલ રૂ.૩૯,૫૦,૫૫૦ નો તમારા નામનો ડી.ડી તૈયાર છે, તમને પોલીસી આપનારા રમેશભાઈ જોષીનું અવસાન થયું હોવાથી તેમની જગ્યાએ મારી નિમણુક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત પ્રવિણસિંહ રાજના વ્હોટ્સએપમાં ડી.ડી નો ફોટો પણ મોકલ્યો હતો. પ્રવિણસિંહ રાજને વિશ્વાસ બેઠો હતો.
જે બાદ જુદા-જુદા ચાર અજાણ્યાં નંબર પરથી એસ કે સોલંકી, આસુતોષ અગ્રવાલ, નટુભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ દેસાઈ નામના ઈસમોએ પ્રવિણસિંહ સાથે ફોન પર વાત કરી ડી.ડી ક્લીયર કરાવવા માટે જીએસટી અને ઈન્કમટેક્ષ પેટે રૂ.32.07 લાખ પડાવી લીધાં હતાં. આ મામલે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.